જૈવ-સંશ્લેષણ (biosynthesis) : સજીવોના શરીરમાં થતી ચયીન (anabolic) પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓને અનુક્રમે (1) અકાર્બનિક તત્વોમાંથી ઉત્પાદન પામતાં પ્રાથમિક સ્વરૂપનાં કાર્બનિક સંયોજનો, (2) અકાર્બનિક અને પ્રાથમિક કાર્બનિક રસાયણોમાંથી બહુશર્કરા (polysaccharides), સંકીર્ણ સ્વરૂપનાં લિપિડો, પ્રોટીનો, ન્યૂક્લિઇક ઍસિડો, વિટામિનો જેવા સંકીર્ણ સ્વરૂપના જૈવરસાયણિક પદાર્થોનું નિર્માણ અને (3) અન્યોન્ય રૂપાંતરણથી ઉત્પન્ન થતા પ્રાથમિક ખાદ્ય પદાર્થો આમ ત્રણ પ્રકારમાં વહેંચી શકાય.
(1) પ્રાથમિક સ્વરૂપનાં કાર્બનિક સંયોજનોનું ઉત્પાદન : પ્રકાશ- સંશ્લેષણ-પ્રક્રિયાને આધારે વનસ્પતિસૃષ્ટિના સભ્યો સૂર્યકિરણોમાં રહેલ કાર્યશક્તિને મેળવી તેનું પારક્રમણ (transduction) રાસાયણિક શક્તિમાં કરે છે. આ પ્રમાણે પ્રાપ્ત કરેલ કાર્યશક્તિનો ઉપયોગ સૌપ્રથમ ત્રણ કાર્બનશૃંખલાયુક્ત ફૉસ્ફોગ્લિસરિક ઍસિડ(PGA)ના નિર્માણમાં થાય છે. PGAમાંથી ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ જેવાં કાર્બોદિતોનું ઉત્પાદન થાય છે. વળી આ શૃંખલામાંથી ઍમિનોઍસિડો, પ્રાણીઓના ખોરાકી પદાર્થો તરીકે ઓળખાતાં વિટામિનો, ન્યૂક્લિઇક ઍસિડો અને શરીરના બંધારણ માટે અગત્યનાં અન્ય જૈવરસાયણો ઉત્પન્ન થાય છે.
તદુપરાંત વનસ્પતિસૃષ્ટિના સભ્યો પ્રાથમિક કાર્બોદિતો અને ઍમિનોઍસિડોનાં સંયોજનથી કેટલાક પ્રાથમિક કુદરતી પદાર્થોનું ઉત્પાદન કરે છે. માનવહિત સાથે સંકળાયેલા આ પદાર્થો, દવા, નશીલા પદાર્થો, વિષદ્રવ્યો, ઉત્તેજકો, બાષ્પશીલ તેલો (essential oils/aromatic compounds), રેઝિન તેમજ વિરૂપોત્પાદક (teratogenic) અને કૅન્સરજનક પદાર્થો તરીકે જાણીતા છે. આ પદાર્થો મુખ્યત્વે ફેનૉલ-સંયોજનો, ઍલ્ક્લૉઇડ, ટર્પેનૉઇડ અને પૉર્ફિરિનનાં સંયોજનો તરીકે આવેલા હોય છે.
(2) સજીવો દ્વારા સંકીર્ણ સ્વરૂપના જૈવરાસાયણિક ઘટકોનું નિર્માણ : મોટા ભાગના સજીવો સાદા સ્વરૂપનાં કાર્બોદિતોમાંથી બંધારણ માટે અગત્યનાં કાર્બોદિતો, તેમનાં વ્યુત્પન્નો, મેદઅમ્લો, ચરબી, સ્ટેરૉલો અને સ્ટીરૉઇડજન્ય સંયોજનો, ખોરાક તરીકે અનાવશ્યક ગણાતા ઍમિનોઍસિડોનું સંયોજન કરે છે. બંધારણાત્મક પ્રોટીનોનું સંશ્લેષણ જનીની સંકેતોના નિયંત્રણ હેઠળ થાય છે.
(3) અન્યોન્ય રૂપાંતરિત જૈવરસાયણો : આ પ્રક્રિયા મુખ્યત્વે પ્રાણીસૃષ્ટિના સભ્યો પૂરતી મર્યાદિત છે. પ્રાણીઓનાં બંધારણ માટે પ્રાથમિક સ્વરૂપનાં કાર્બોદિતો, લિપિડો અને પ્રોટીનો અગત્યનાં છે અને આ ત્રણેય ખોરાકી પદાર્થો સજીવોને યોગ્ય પ્રમાણમાં મળી રહે તે અગત્યનું છે; પરંતુ તૃણાહારી પ્રાણીઓના મુખ્ય ખોરાક તરીકે કાર્બોદિતો હોય છે. જ્યારે માંસાહારી પ્રાણીઓનો ખોરાક મુખ્યત્વે પ્રોટીનો અને ચરબીનો બનેલો હોય છે. આવી વિષમ પરિસ્થિતિમાં અન્યોન્ય રૂપાંતરણ દ્વારા આવાં પ્રાણીઓ ખૂટતા ખોરાકી પદાર્થોનું સંશ્લેષણ કરી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન ખોરાકી પદાર્થો અને તેનાં વ્યુત્પન્નો ક્રૅબ્ઝ ચક્રમાંથી પસાર થતાં હોય છે.
મ. શિ. દૂબળે