જૈવિક અંકશાસ્ત્ર (vital statistics) : જન્મ, મૃત્યુ વગેરે જીવનના અગત્યના બનાવોની માહિતીનું એકત્રીકરણ અને અર્થઘટન કરતી વિદ્યાશાખા. વસ્તીગણતરી (census) – એ લગભગ દશકા પછી થતી સમયાંતરિત પ્રક્રિયા છે; જ્યારે જન્મનોંધણી, મૃત્યુનોંધણી વગેરે વિવિધ પ્રકારની નોંધણીઓ વસ્તીઆલેખન(demographic)ના કાર્યને સરળ, ચોક્કસ, સંપૂર્ણ અને વિશ્વસનીય બનાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જૈવિક પ્રસંગો(vital events)ની નોંધણીના યંત્રની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે તેમાં કાયદેસરની નોંધણી (registration) અંકશાસ્ત્રીય નોંધ તથા જૈવિક પ્રસંગોની માહિતીનું એકત્રીકરણ, રજૂઆત, પૃથક્કરણ અને પ્રકાશનને આવરી લેવાં જોઈએ. એમાં સજીવનાં જન્મ, મૃતજન્મ (still-births), મૃત્યુ, ગર્ભમૃત્યુ, લગ્ન, છૂટાછેડા, દત્તક લેવાની ક્રિયા, વારસાઈ કાયદેસર કરવાની ક્રિયા (legitimation), સ્વીકાર (recognition), લગ્નવિચ્છેદ (annulments) અને પતિ-પત્નીનું અલગ પડવું (separation) વગેરે વિવિધ બાબતોને જૈવિક પ્રસંગો રૂપે આવરી લેવાય છે. આવા જૈવિક પ્રસંગોની નોંધ અને વિશ્લેષણને જૈવિક અંકશાસ્ત્રનો પાયો ગણવામાં આવે છે. 1873માં ભારત સરકારે જન્મ, મૃત્યુ અને લગ્નની નોંધણીનો કાયદો બહાર પાડ્યો હતો. જોકે તે મરજિયાત નોંધણી માટેનો કાયદો હતો. ત્યારબાદ તમિળનાડુ, કર્ણાટક અને આસામમાં પણ કાયદા થયા. જોકે ભારતમાં હજુ પણ આ નોંધણીઓમાં ચોકસાઈ, સમયસરતા, પૂર્ણતા અને વ્યાપની ખામીઓ રહેલી છે. તે ઉપરાંત વિવિધ સ્થળની નોંધણીઓમાં એકસરખાપણું (uniformity) જળવાતું નથી. પરિસ્થિતિને સુધારવા 1969માં ભારત સરકારે કેન્દ્રીય જન્મ અને મૃત્યુનોંધણીનો કાયદો ઘડ્યો. તે પહેલી એપ્રિલ, 1970થી અમલમાં છે. તેમાં જન્મ પછી 14 દિવસમાં અને મૃત્યુ પછી 7 દિવસમાં નોંધ કરાવવી આવશ્યક ગણાય છે. જો તેમ ન થાય તો રૂ. 50 સુધીનો દંડ કરવાની જોગવાઈ છે. તેણે જૈવિક અંકશાસ્ત્રના ઇતિહાસમાં નવા યુગનું મંડાણ કર્યું છે. કેટલાક દેશોમાં જૈવિક નોંધણી યોગ્ય થાય માટે તે કાર્ય ગ્રામ-આરોગ્યના કાર્યકરો કે સહાયકોને સોંપેલું છે. જોકે હજુ વિશ્વના ઘણા દેશોમાં જૈવિક અંકશાસ્ત્ર પૂર્ણત: વિકસ્યું નથી.

જૈવિક અંકશાસ્ત્રીય માહિતી આરોગ્ય તેમજ અન્ય સર્વ પ્રકારનાં આયોજનોમાં ઉપયોગી છે. જૈવિક અંકશાસ્ત્ર ઉપરાંત નમૂનાનોંધણી તંત્ર (sample registration system), નોંધણી કરવા જેવા રોગોનું નિશ્ચયન, હૉસ્પિટલ-નોંધણીઓ, રોગલક્ષી નોંધણી; નોંધ-સંબંધકો (record linkage), વસ્તીરોગશાસ્ત્રીય નોંધ, અન્ય આરોગ્યલક્ષી નોંધણીઓ વગેરે પણ આ કાર્યમાં ઉપયોગી છે. ભારતની કેટલીક અગત્યની જૈવિક અંકશાસ્ત્રીય માહિતી આરોગ્યસેવાઓ દ્વારા એકત્રિત થાય છે.

શિલીન નં. શુક્લ