જૈવ-સમાજો (biotic communities) : વિશિષ્ટ પર્યાવરણમાં સ્થાયી જીવન પસાર કરનાર સજીવોનો સમૂહ. મોટા ભાગના સજીવો માત્ર વિશિષ્ટ નિવસનતંત્રમાં રહેવા અનુકૂલન પામેલા હોય છે. સફેદ રીંછ માત્ર ઉત્તર ધ્રુવપ્રદેશમાં, જ્યારે પૅંગ્વિન પક્ષી દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે. સામાન્ય રીતે હાથી ગીચ જંગલમાં અને ઊંટ રણમાં રહેવાનું પસંદ કરે છે. સમુદ્ર, નાનાંમોટાં સરોવરો, નદીના મુખપ્રદેશો, ઘાસનાં મેદાનો, ધ્રુવ પ્રદેશો જેવા જુદા જુદા નિવસન પ્રદેશોમાં રહેવા અનુકૂલન પામેલા સજીવ સૃષ્ટિના વિશિષ્ટ સભ્યોના સમૂહને જૈવ-સમાજ કહે છે.

કાર્યશક્તિનો વિનિમય સતત ચાલુ રહે તે પ્રમાણે નિર્જીવ અને સજીવ સૃષ્ટિ વચ્ચે સુમેળ સધાતો હોય તેવા પર્યાવરણમાં પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિના સભ્યોના બનેલા જૈવ-સમાજો એકબીજાની જરૂરિયાતોને પહોંચી વળવા પરસ્પર સહાયક તથા પૂરક નીવડતા હોય છે.

પ્રત્યેક જૈવસમાજની કેટલીક આગવી ખાસિયતોમાંથી કેટલીક અગત્યની નીચે મુજબ છે :

જૈવવૈવિધ્ય (biodiversity) : કોઈ પણ નિવસનમાં રહેલ અજૈવ પરિબળોને અધીન રહીને જૈવ-સમાજમાં વિવિધતા જોવા મળે છે. તળાવ જેવા નિવસનના કાંપમાં જાતજાતના વિઘટનકારક (decomposing) બૅક્ટેરિયા વસતા હોય છે જ્યારે પાણીના વિવિધ સ્તરે સૂક્ષ્મજીવો તરતા જોવા મળે છે. તળાવની વિવિધ સપાટીએ રહેતાં પ્રાણીઓમાં કૃમિઓ (worms), સ્તરકવચી (crustaceans), મૃદુકાયો (molluscs) જેવાંનો સમાવેશ થાય છે જ્યારે કદમાં સહેજ મોટાં પ્રાણીઓમાં વિવિધ જાતની માછલીઓ તથા કાચબા જેવાનો નિર્દેશ કરી શકાય. જળચર પક્ષીઓને પણ પાણીમાં તરતાં અથવા જળાશયની આસપાસ ઉડ્ડયન કરતાં જોઈ શકાય છે.

આહારશૃંખલા (food chain) : તળાવના કાદવમાં રહેતા ઘણા સૂક્ષ્મજીવો મૃત સજીવોના શરીરનું અથવા તેના કોઈ પણ ભાગનું વિઘટન કરી પોષક તત્ત્વો મેળવે છે જ્યારે મૃત શરીરના શેષ પદાર્થો સાદા સ્વરૂપમાં તળાવની વિવિધ સપાટીએ પ્રસરેલા રહે છે. આ પદાર્થો પ્રકાશસંશ્લેષક સૂક્ષ્મ વનસ્પતિનો ખોરાક બને છે. પરિણામે આ સૂક્ષ્મ વનસ્પતિ વૃદ્ધિ પામી પ્રજનન દ્વારા અસંખ્ય સજીવોને જન્મ આપે છે. મુખ્યત્વે સૂક્ષ્મ પ્રાણીઓ આવી સૂક્ષ્મ વનસ્પતિને ખોરાક તરીકે ગ્રહણ કરે છે. જિંગા, શંખ, છીપલાં તથા કીટકો સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરે છે જ્યારે આ મધ્યમ કદનાં પ્રાણીઓ માછલી જેવાં મોટાં પ્રાણીઓનો આહાર બને છે.

સ્તરણ (stratification) : જૈવ-સમાજના વિવિધ સજીવો વિશિષ્ટ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. સ્તરીકરણ, આયામ અથવા અનુપ્રસ્થ સ્થિતિમાં થયેલું હોય છે. વનસમાજમાં 5 આયામ સ્તરો જોવા મળે છે : સૌથી મોટાં વૃક્ષો, તેમના કરતાં સહેજ નાનાં વૃક્ષો, આશરે 1થી 3 મી. ઊંચી છાયામાં ઊગતી વનસ્પતિનો સ્તર, ભૂમિ પર અંકુરણ પામતા વામન કદના છોડ તથા ઘાસ જેવાનો સ્તર અને ભૂમિની અંદર ત્રણેક મીટર સુધી વાસ કરતા સૂક્ષ્મજીવોનો સ્તર. ઉપર્યુક્ત વનસ્પતિના વિવિધ સ્તરોના સાન્નિધ્યમાં જુદા જુદા પ્રાણીસમાજોના સ્તરો પણ જોવા મળે છે.

વસવાટની ર્દષ્ટિએ સમુદ્રી વિસ્તારને કિનારાનો આંતરભરતી (intertidal) વિસ્તાર, અધિસ્તરીય (pelagic), સ્તંભીય (columnar), નિમ્નસ્તરીય (benthic), તલસ્થ (bottom) — એમ વિવિધ ક્ષેત્રોમાં વહેંચી શકાય. સમુદ્રકિનારે વાસ કરતા સજીવો રેતી, પથ્થર, કાદવ જેવાનો આશરો લે છે અથવા સમુદ્રકિનારે હરતાફરતા જોઈ શકાય છે. આમાં વાદળી (sponge), પરવાળાં (corals), સમુદ્રફૂલ (sea anemones), નૂપુરકો (annelids), શૂળત્વચી (echinoderms), કરચલા (crustaceans) તથા શંખ (mollucs) જેવાનો સમાવેશ થાય છે. ઝડપથી તરી શકે તેવા બાંગડા (mackrel), તારલી (oil sardine) મુસી/કાચબા, તરબ્લા (devil fish) જેવી માછલીઓ વગેરે જોવા મળે છે. મગરુ(thrasher)ની મોટા કદની શાર્ક માછલી, ઢોમા (otolithus), ધોળ (thread fin), પટ્ટીમીન (ribbon fish), સુરમાઇ (indo-cybium) જેવી માછલીઓ ઉપરાંત વહેલ, ડૉલ્ફિન જેવાં સસ્તનો સમુદ્રમાં મધ્ય કે સહેજ ઊંડા સ્તરે વાસ કરે છે. નિમ્ન સ્તરમાં અને સમુદ્રના તળિયે વાસ કરનાર પ્રાણીઓમાં જિંગા તથા સાંઢ (lobsters) જેવાંનો સમાવેશ થાય છે.

ઘટકોનું પ્રભુત્વ : જૈવ-સમાજ અનેક ઘટકોનો બનેલો હોવા છતાં માત્ર વિશિષ્ટ જાતિઓના સભ્યો કદ, સંખ્યા કે કાર્યપદ્ધતિને કારણે સામાજિક જીવન પર પ્રભુત્વ જમાવતા હોય છે અને તેઓ અન્ય ઘટકોના નિભાવ કે ઉછેર ઉપર અંકુશ ધરાવે છે.

ગોચર-નિવસનનો દાખલો લઈએ. તેનો જૈવ-સમાજ નીચેના ઘટકોનો બનેલો હશે :

() વનસ્પતિસૃષ્ટિ  
  (1) ઘાસ 4 હેક્ટર
  (2) ક્ષુપો અને બાવળના કદનાં વૃક્ષો 1 હેક્ટર
  (3) લીમડો અને વડ જેવાં વૃક્ષો 20થી 25
  (4) અન્ય વૃક્ષો 5
() પ્રાણીસૃષ્ટિ  
  (1) ઘેટાં, બકરાં 100 થી 200
  (2) પક્ષીઓ 50
  (3) ગાય-ભેંસ 50
  (4) અન્ય પ્રાણી 10 થી 20

સમાજમાં પ્રાથમિક ઉત્પાદક (primary producer) તરીકે ઘાસ મહત્વનું સ્થાન ધરાવે છે, જ્યારે પ્રાણીઓમાં ગાય-ભેંસનું સ્થાન મહત્વનું છે. અહીં ઘાસ અને ઢોર પ્રભાવી ઘટકો છે અને આ નિવસનને ગોચર કહેવામાં આવે છે.

આજે પૃથ્વી પર સૌથી વધુ પ્રભુત્વ ધરાવતું પ્રાણી છે માનવ. જોકે માનવમાં પણ થોડાક સમય માટે બૅક્ટેરિયા કે મલેરિયાના જંતુ જેવા સૂક્ષ્મજીવો તેના શરીર પર પ્રભુત્વ જમાવી પારાવાર હાનિ પહોંચાડે છે.

રા. ય. ગુપ્તે