જૈવ ટૅક્નૉલૉજી (bio-technology) : માનવહિતાર્થે જૈવી તંત્રો- (biological systems)ના પરિવર્તન માટે યોજાતી પ્રવિધિ. જૈવ ટૅક્નૉલૉજીમાં માનવનિદાન અને સારવારમાં વપરાતાં યંત્રોનો પણ સમાવેશ થાય છે. જોકે હાલમાં જનીન-ઇજનેરી (genetic engineering), પેશી-સંવર્ધન (tissue-culture) અને એકક્લોની પ્રતિપિંડ (monoclonal antibody) સંવર્ધનને લગતી પ્રવિધિને પણ જૈવ ટૅક્નૉલૉજી તરીકે ઓળખવામાં આવે છે.
અસલ જનીનમાં ફેરફાર કરવા યોજવામાં આવતી પ્રવિધિ ‘જનીન ઇજનેરી’ તરીકે ઓળખાય છે. સૂક્ષ્મજીવો(micro-organisms)નાં જનીનોમાં કરવામાં આવતા ફેરફારો દ્વારા, પ્રોટીનયુક્ત દવા અને અંત:સ્રાવો જેવાં જૈવ-રસાયણોનું ઉત્પાદન થાય છે. હાલમાં બૅક્ટેરિયામાં જનીનિક પરિવર્તન દ્વારા વેપારી ધોરણે ‘ઇન્સ્યૂલિન’નું ઉત્પાદન કરવામાં આવે છે જે મધુમેહથી પીડાતા દર્દીઓને આશીર્વાદ સમાન નીવડ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે અગત્યનાં અનેક કાર્બનિક રાસાયણો પણ જનીન ઇજનેરીની મદદથી સુલભ બન્યાં છે. રસીના ઉત્પાદનમાં પણ જનીન ઇજનેરીનો ફાળો અગત્યનો છે. પરિણામે શીતળા કે યકૃતશોથ-બ-(હીપૅટિસ-b)રોધક જેવી રસી સસ્તી અને મોટા પાયા પર બનાવી શકાય છે. કોષસંવર્ધન પ્રવિધિના ઉપયોગથી સારી ગુણવત્તા ધરાવતી આર્થિક અગત્યની વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે. એકક્લોની પ્રતિપિંડ દ્વારા વિશિષ્ટવશ્યતા માટે કારણભૂત ઘટકોને શોધી કાઢવામાં આવે છે. કૅન્સર-કોષોના નિદાનમાં પણ એકક્લોની પ્રતિપિંડો ઉપયોગી નીવડે છે.
જૈવ ટૅક્નૉલૉજી માનવહિતની ર્દષ્ટિએ અત્યંત લાભકારી છે; પરંતુ બીજી બાજુ આ પ્રવિધિનો યુદ્ધમાં તેમજ ભાંગફોડની પ્રવૃત્તિમાં દુરુપયોગ પણ થાય છે. જો યોગ્ય તકેદારી રાખવામાં નહિ આવે તો ક્યારે વિનાશ સર્જાય તે કહેવાય નહિ. અનેક વિજ્ઞાનીઓએ તેની સામે લાલબત્તી ધરી છે.
પ્રમોદ રતિલાલ શાહ