જૈવ ક્ષમતા (biotic potential) : ઇષ્ટતમ પર્યાવરણીય સંજોગોમાં સજીવની મહત્તમ પ્રજનન-ક્ષમતા (capacity). સંજ્ઞા r. આ દર અને ક્ષેત્રીય (field) અથવા પ્રયોગશાળાના પ્રયોગોમાં ખરેખર જે વૃદ્ધિ જોવા મળે છે તે દર વચ્ચેનો તફાવત એ પર્યાવરણીય (environmental) અવરોધને પ્રતિબિંબિત કરે છે. ચૅપમૅન (1928) નામના વૈજ્ઞાનિકે આને બાયૉટિક પોટેન્શિયલ નામ આપ્યું છે. ચૅપમૅન મુજબ, કોઈ પણ સજીવમાં પ્રજનન દ્વારા અસ્તિત્વ જાળવી રાખવાનો ગુણ હોય છે. આંકડાકીય રીતે દરેક પ્રજનન પછી કુલ સંતતિની સંખ્યા, કોઈ ચોક્કસ સમયમર્યાદા દરમિયાન પ્રજનનની સંખ્યા, નર-માદાની સંખ્યા અને તેઓની ચોક્કસ ભૌતિક પરિસ્થિતિઓમાં અસ્તિત્વ જાળવવાની ક્ષમતાનો આમાં સમાવેશ થાય છે.

જ્યારે પર્યાવરણ અમર્યાદિત હોય, એટલે કે જગ્યા, ખોરાક અથવા અન્ય સજીવ અવરોધ ન હોય ત્યારે કોઈ પણ સજીવની વૃદ્ધિનો દર મહત્તમ બિન્દુ ઉપર આવી અટકી જાય છે. આ વૃદ્ધિદરના માપને, એટલે સજીવની વધવાની શક્તિને r દ્વારા સૂચવવામાં આવે છે.

dN / dt = rN; અથવા r = dN / (Ndt) ………………………………………………   (1)

∴ Nt = No ert ……………………………………………………………………………………(2)

જ્યાં No = શૂન્ય સમયે સંખ્યા

Nt = t સમય પછીની સંખ્યા બંને બાજુના લઘુગણક લઈએ તો, ln Nt = ln No + rt

………………………………………………………………..(3)

આમ, r નું માપ No અને Ntના માપ પરથી મેળવી શકાય છે. સાદી ભાષામાં r એટલે જન્મદર અને મૃત્યુદરનો તફાવત છે અને તેને નીચે પ્રમાણે પણ દર્શાવી શકાય :

        r = b – d  ……………………………………………………………………….(4)

જ્યાં    b = જન્મદર

        d = મૃત્યુદર.

કેટલાક વૈજ્ઞાનિકોના મત મુજબ કોઈ પણ વસ્તીની પ્રજનનક્ષમતાને જૈવ ક્ષમતા કહે છે. તેમના મત પ્રમાણે પર્યાવરણ આ ક્ષમતાને નિયંત્રણમાં રાખે છે. બીજો મત એવો છે કે સજીવસમૂહ દ્વારા ઉત્પન્ન થતા અંડ, બીજ અને બીજાણુઓની સંખ્યા જે તે સજીવની જૈવ ક્ષમતાનું માપ છે. લોટકા (1925), ડબલીન અને લોટકા (1925), લેસલી અને રેનસન (1940), બર્ચ (1948) અને અન્ય વિજ્ઞાનીઓ જૈવ ક્ષમતાને ગણિતના માધ્યમથી દર્શાવે છે. બર્ચના મત મુજબ જૈવ ક્ષમતાને દર્શાવવા માટે ‘r’ સૌથી ઉત્તમ પ્રાચલ છે. પણ ‘r’ને Ro (પ્રજનનદર) સાથે સરખાવવો ન જોઈએ કારણ કે બંને જુદાં છે. Ro કુલ પ્રજનનદર છે અને વિવિધ વસ્તીને સરખાવવા માટે ઉપયોગી નથી. Ro અને ‘r’ વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે દર્શાવી શકાય :

Ro = erT

જ્યાં

                        T = સમય,

                        Ro= પ્રજનનદર

                        r = જૈવ ક્ષમતા

કોઈ પણ સમયે જો પર્યાવરણ અનુકૂળ હોય, ખોરાક અમર્યાદિત હોય અને વસ્તીવધારા માટેની સ્થિતિ ઉત્તમ હોય તો ટૂંકા સમયગાળા માટે વસ્તી ઝડપથી વધે જ છે. આવા સંજોગોમાં કુલ વસ્તી ઝડપથી વધતી જણાય છે, જ્યારે દરેક સજીવનો પ્રજનનદર પહેલા જેટલો જ હોય છે  — જેમ કે પ્લેન્ક્ટોન બ્લૂમ, પેસ્ટ ઇરપ્શન બૅક્ટેરિયાની વૃદ્ધિ વગેરે. દેખીતું છે કે આ વધારો કાયમી હોતો નથી કારણ કે વસ્તીમાં આંતરપ્રક્રિયાઓ અને પર્યાવરણીય અવરોધો આ વધારાને ધીમો પાડે છે અને આમ વસ્તીવૃદ્ધિને એક નવું પરિમાણ મળે છે.

અર્ચના માંકડ