જૈન કર્મસાહિત્ય

January, 2012

જૈન કર્મસાહિત્ય : કર્મવાદને લગતું વિપુલ જૈન સાહિત્ય. ભારતીય તત્વજ્ઞાનની ત્રણે મુખ્ય ધારા — વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરા — ના સાહિત્યમાં કર્મવાદનો વિચાર કરાયો છે. વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં કર્મ સંબંધી વિચાર એટલો ઓછો છે કે તેમાં કર્મવિષયક કોઈ વિશેષ ગ્રંથ નજરે પડતો નથી. તેનાથી ઊલટું, જૈન સાહિત્યમાં કર્મ સંબંધી અનેક ગ્રંથોની પરંપરા પ્રાપ્ત થાય છે. જૈન પરંપરામાં કર્મવાદનું અત્યંત સૂક્ષ્મ, સુવ્યવસ્થિત અને અતિ વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે, કારણ કર્મવાદ જૈન વિચારધારા અને આચારપરંપરાનું અવિચ્છેદ્ય અંગ બની ગયેલ છે. આત્મા સ્વતંત્ર છે. તે જીવનમરણની ઘટમાળમાંથી મુક્ત થઈ શુદ્ધસ્વરૂપ થઈ શકે છે, મુક્ત થઈ શકે છે. આ માટે ઘાતીઅઘાતી, સ્થૂલસૂક્ષ્મ કર્મોનું સ્વરૂપ સમજી લેવું અનિવાર્ય છે. આથી જૈન ધર્મમાં કર્મ અંગેનું વિપુલ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું છે.

ભગવાન મહાવીરથી આજ સુધીના સમયમાં કર્મશાસ્ત્રનું જે સંકલન થયું છે તેને સ્થૂળ રૂપે 3 વિભાગમાં વહેંચી શકાય : (1) પૂર્વાત્મક કર્મશાસ્ત્ર, (2) પૂર્વોદ્ધૃત કર્મશાસ્ત્ર અને (3) પ્રાકરણિક કર્મશાસ્ત્ર.

(1) પરંપરામાન્ય 14 પૂર્વ ગ્રંથોમાં આઠમું પૂર્વ, જેનું ‘કર્મપ્રવાદ’ એવું નામ મળે છે તે કર્મવિષયક જ હતું. તે ઉપરાંત બીજા પૂર્વના એક વિભાગનું નામ ‘કર્મપ્રાભૃત’ અને પાંચમા પૂર્વના એક વિભાગનું નામ ‘કષાયપ્રાભૃત’ હતું. આ બંનેમાં પણ કર્મવિષયક વિવેચન હતું.

પૂર્વ ગ્રંથો લુપ્ત થવાથી હાલમાં જૈનોના શ્વેતામ્બર-દિગમ્બર બન્ને સંપ્રદાયોમાં ઉક્ત કર્મશાસ્ત્ર અસલ સ્વરૂપમાં મળતું નથી.

(2) પૂર્વોદ્ધૃત કર્મસાહિત્ય સાક્ષાત્ પૂર્વ સાહિત્યમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યું છે, તેવો ઉલ્લેખ બંને સંપ્રદાયના ગ્રંથોમાં છે. આ સાહિત્ય આજ પણ ઉપલબ્ધ છે. સંપ્રદાયભેદના કારણે તેના ગ્રંથોનાં નામોમાં ભિન્નતા જોવા મળે છે.

દિગમ્બર પરંપરામાં ‘મહાકર્મપ્રકૃતિપ્રાભૃત’ અને ‘કષાયપ્રાભૃત’ એ બે ગ્રંથો પૂર્વોદ્ધૃત માનવામાં આવે છે. 36,000 શ્લોકપ્રમાણ પ્રાકૃત ભાષાબદ્ધ ‘મહાકર્મપ્રકૃતિપ્રાભૃત’ (અપરનામ ‘કર્મપ્રાભૃત’ કે ‘ષટ્ખંડાગમ’) અનુમાને વિક્રમીય બીજી–ત્રીજી શતાબ્દીના પુષ્પદંત અને ભૂતબલિ નામક આચાર્યોની રચના છે. તેના પર સંસ્કૃત, પ્રાકૃત, કન્નડમાં અનેક ટીકા રચાઈ હતી. આવી ટીકામાં વીરસેનાચાર્ય-રચિત 72,000 શ્લોકપ્રમાણ ‘ધવલા’ ટીકા (વિ. સં. 905 લગભગ) અત્યંત મહત્વપૂર્ણ છે.

બીજો ગ્રંથ ‘કષાયપ્રાભૃત’ ગુણધરાચાર્ય દ્વારા વિક્રમીય ત્રીજી શતાબ્દી લગભગમાં રચાયો મનાય છે; તેમાં મૂળ 236 પ્રાકૃત ગાથા છે. તેના પર પણ અનેક ટીકા રચાઈ હતી; તેમાં ઉપરોક્ત વીરસેન આચાર્ય દ્વારા અપૂર્ણ રહેલી અને તેમના શિષ્ય જિનસેન આચાર્યે પૂર્ણ કરેલી 60,000 શ્લોકપ્રમાણ ‘જયધવલા’ ટીકા પ્રસિદ્ધ છે.

શ્વેતામ્બરોના પૂર્વોદ્ધૃત ગ્રંથોમાં શિવશર્મસૂરિ(અનુમાને વિક્રમીય પાંચમી સદી)કૃત 475 ગાથાનો ‘કર્મપ્રકૃતિ’ ગ્રંથ સૌપ્રથમ અને મહત્વપૂર્ણ છે. તેના પર અનેક પ્રાચીન ટીકા રચાઈ છે. વિક્રમની અઢારમી સદીમાં થયેલા પ્રસિદ્ધ દાર્શનિક યશોવિજયજી ઉપાધ્યાયે તેના પર 13,000 શ્લોકની વૃત્તિ રચી છે. 111 ગાથાનો બીજો ‘શતક’ નામે ગ્રંથ પણ શિવશર્મસૂરિની જ રચના છે. તેના પર પણ અનેક ટીકા મળે છે. ચન્દ્રર્ષિ મહત્તરનો 963 ગાથાનો ‘પંચસંગ્રહ’ ગ્રંથ, 9,000 ગાથાની સ્વોપજ્ઞવૃત્તિ સાથેનો, પૂર્વોદ્ધૃત ગ્રંથોમાં ત્રીજો મહત્વપૂર્ણ ગ્રંથ છે અને 75 ગાથાની ‘સપ્તતિકા’ નામે ઉપર્યુક્ત શિવશર્મસૂરિ કે ચન્દ્રર્ષિ બેમાંથી જ કોઈએ રચેલી મનાતી કૃતિ પૂર્વોદ્ધૃત ગ્રંથોમાં ચોથી રચના છે. આ ચાર શ્વેતામ્બર-માન્ય પૂર્વોદ્ધૃત કર્મશાસ્ત્રીય ગ્રંથો છે.

(3) પ્રાકરણિક કર્મશાસ્ત્રમાં કર્મવિષયક અનેક નાનાંમોટાં પ્રકરણોનો સમાવેશ થાય છે. આ ગ્રંથોનો આધાર પૂર્વોદ્ધૃત કર્મસાહિત્ય છે. હાલમાં ખાસ કરીને આ પ્રકરણ ગ્રંથોનું અધ્યયન-અધ્યાપન વધુ પ્રચલિત છે, કારણ કે આ ગ્રંથો પ્રમાણમાં નાના અને સરળ છે.

દિગમ્બરીય પ્રકરણ ગ્રંથોમાં વિક્રમની અગિયારમી સદીના નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીની 1705 ગાથાની રચના ‘ગોમ્મટસાર’ તથા 650 ગાથાની ‘લબ્ધિસાર’ ઉપરાંત અમિતગતિ(વિક્રમીય અગિયારમી સદી)કૃત ‘પંચસંગ્રહ’ (પ્રાકૃત અને સંસ્કૃત) વગેરે ગ્રંથો પ્રસિદ્ધ છે.

શ્વેતામ્બર પ્રકરણ ગ્રંથોમાં અનેક ટીકા સાથેના પ્રાચીન ષટ્કર્મગ્રંથ તથા વિક્રમીય તેરમી-ચૌદમી સદીના આ. દેવેન્દ્રસૂરિ વિરચિત નવીન ‘પંચ કર્મગ્રંથ’ અને પંદરમી સદીના જયતિલકસૂરિ વિરચિત 4 સંસ્કૃત કર્મગ્રંથ પ્રસિદ્ધ છે. ઉપરાંત અનેક નાનાંમોટાં પ્રકરણો મળે છે.

દિગમ્બરોએ રચેલા ઉપલબ્ધ કર્મસાહિત્યનું ગ્રંથપ્રમાણ લગભગ 5 લાખ શ્લોક અને શ્વેતામ્બરોએ રચેલા કર્મસાહિત્યનું પ્રમાણ 2 લાખ શ્લોક છે. આ આંકડા દર્શાવે છે કે જૈન કર્મસાહિત્ય કેટલું વિપુલ હશે.

રમણિકભાઈ મ. શાહ