જૈન આગમસાહિત્ય

January, 2012

જૈન આગમસાહિત્ય : મૂલ વૈદિક શાસ્ત્રો જેમ ‘વેદ’ કહેવાય છે, બૌદ્ધ શાસ્ત્રો જેમ ‘પિટક’ કહેવાય છે તેમ જ જૈનશાસ્ત્રો ‘શ્રુત’, ‘સૂત્ર’ કે આગમ કહેવાય છે. સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપન, આગમ, આપ્તવચન, ઐતિહ્ય, આમ્નાય અને જિનવચન એ બધાયે ‘આગમ’ના પર્યાયવાચી શબ્દો છે.

આપ્તનું વચન તે આગમ. જૈનર્દષ્ટિએ રાગદ્વેષના વિજેતા, સર્વજ્ઞ, સર્વદર્શી જિન તીર્થંકર આપ્ત છે. તીર્થંકર કેવલ અર્થરૂપમાં ઉપદેશ આપે છે અને ગણધર તેને ગ્રંથબદ્ધ કે સૂત્રબદ્ધ કરે છે. જૈન આગમોની પ્રામાણિકતા માત્ર તે ગણધરકૃત હોવાને લીધે જ નથી. પણ તેના અર્થના પ્રરૂપક તીર્થંકરની વીતરાગતા અને સર્વાર્થસાક્ષાત્કારિત્વને લીધે છે. ગણધર તો માત્ર દ્વાદશાંગીની જ રચના કરે છે. અંગો સિવાયના આગમોની રચના સ્થવિર કરે છે.

આગમોનું વર્ગીકરણ : જૈન આગમોનું સૌથી પ્રાચીન વર્ગીકરણ સમવાયાંગસૂત્રમાં મળે છે. તેમાં આગમ સાહિત્યનું ‘પૂર્વ’ અને ‘અંગ’ એ પ્રમાણે વિભાજન કરાયેલું છે. સંખ્યાની ર્દષ્ટિએ પૂર્વ ચૌદ હતાં અને અંગ બાર.

45 આગમોનાં નામ :

11 અંગ :

1. આચારાંગ

2. સૂત્રકૃતાંગ

3. સ્થાનાંગ

4. સમવાયાંગ

5. ભગવતી

6. જ્ઞાતા ધર્મકથા

7. ઉપાસક દશા

8. અંતકૃત દશા

9. અનુત્તરોપયાલિક દશા

10. પ્રશ્ન વ્યાકરણ

11. વિપાક

6 મૂલ સૂત્રો :

1. આવશ્યક

2. દશવૈકાલિક

3. ઉત્તરાધ્યયન

4. નંદી

5. અનુયોગ દ્વાર

6. પિંડનિર્યુક્તિ

                ઓઘનિર્યુક્તિ

12 ઉપાંગ :

1. ઔપપાતિક

2. રાજપ્રશ્નીય

3. જીવાભિગમ

4. પ્રજ્ઞાપના

5. જંબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ

6. સૂર્ય પ્રજ્ઞપ્તિ

7. ચંદ્ર પ્રજ્ઞપ્તિ

8. નિરયાવલિયા

9. કલ્પાવતંસિકા

10. પુષ્પિકા

11. પુષ્પચૂલિકા

12. વૃષ્ણિદશા

6 છેદ સૂત્ર :

1. નિશીથ

2. મહાનિશીથ

3. બૃહત્કલ્પ

4. વ્યવહાર

5. દશાશ્રુત સ્કંધ

6. પંચકલ્પ

10 પઇન્ના :

1. આતુરપ્રત્યાખ્યાન

2. ભક્તપરિજ્ઞા

3. તંદુલ વૈચારિક

4. ચંદ્ર વેધ્યક

5. દેવેન્દ્ર સ્તવ

6. ગણિવિદ્યા

7. મહાપ્રત્યાખ્યાન

8. ચતુ:શરણ

9. વીરસ્તવ

10. સંસ્તારક

84 આગમ :

        1થી 45 પૂર્વોક્ત

46. કલ્પસૂત્ર

47. યતિ-જિતકલ્પ [સોમસૂરિકૃત]

48. શ્રદ્ધા-જિતકલ્પ [ધર્મઘોષસૂરિકૃત]

49. પાક્ષિક સૂત્ર

50. ક્ષમાપના સૂત્ર

51. વંદિત્તુ

52. ઋષિભાષિત

53. અજીવકલ્પ

54. ગચ્છાચાર

55. મરણસમાધિ

56. સિદ્ધ પ્રાભૃત

57. તીર્થોદગાર

58. આરાધના પલાકા

59. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ

60. જ્યોતિષ કરંડક

61. અંગવિદ્યા

62. તિથિ-પ્રકીર્ણક

63. પિંડ વિશુદ્ધિ

64. સારાવલી

65. પર્યંતારાધના

66. જીવવિભક્તિ

67. કવચ પ્રકરણ

68. યોનિ પ્રાભૃત

69. અંગચૂલિયા

70. બંગચૂલિયા

71. વૃદ્ધચતુ:શરણ

72. જમ્બૂ પયન્ના

73. આવશ્યક નિર્યુક્તિ

74. દશવૈકાલિક નિર્યુક્તિ

75. ઉત્તરાધ્યયન નિર્યુક્તિ

76. આચારાંગ નિર્યુક્તિ

77. સૂત્રકૃતાંગ નિર્યુક્તિ

78. સૂર્યપ્રજ્ઞપ્તિ

79. બૃહત્કલ્પ નિર્યુક્તિ

80. વ્યવહાર નિર્યુક્તિ

81. દશાશ્રુતસ્કંધ નિર્યુક્તિ

82. ઋષિભાષિત નિર્યુક્તિ

83. સંસક્ત નિર્યુક્તિ

84. વિશેષાવશ્યક ભાષ્ય.

પ્રાચીન કાળમાં સમસ્ત શ્રુતજ્ઞાન 14 પૂર્વોમાં સમાઈ જતું હતું. ભગવાન મહાવીરે પોતાના 11 ગણધરોને તેનો ઉપદેશ કરેલો. ધીમે ધીમે કાલદોષને લીધે આ પૂર્વ નષ્ટ થઈ ગયા. માત્ર એક ગણધર તેમને જાણનારો રહ્યો, અને છ પેઢીઓ સુધી આ જ્ઞાન ચાલુ રહ્યું.

ચૌદ પૂર્વોનાં નામ : ઉત્પાદ પૂર્વ, અગ્રાયણી, વીર્યપ્રવાદ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, સમયપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાનુપ્રવાદ, અવંધ્ય, પ્રાણવાય, ક્રિયાવિશાલ અને બિન્દુસાર.

આગમ : નાન્દીસૂત્રમાં આગમોની જે યાદી આપી છે એ બધાયે આગમો હાલ ઉપલબ્ધ નથી. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ ઉપલબ્ધ મૂળ આગમો સાથે કેટલીક નિર્યુક્તિઓને મેળવી 45 આગમ માને છે અને કોઈ 84 માને છે. સ્થાનકવાસી અને તેરાપંથી પરંપરા બત્રીસને જ પ્રમાણભૂત માને છે. દિગંબર સમાજ માને છે કે બધાંય આગમો લુપ્ત થઈ ગયાં છે. સાંપ્રત સમયમાં મળતાં આગમો 11 અંગ, 12 ઉપાંગ, 6 મૂલસૂત્ર, 6 છેદસૂત્ર અને 10 પ્રકીર્ણ (પઇન્ના) એમ 45 વિભાગોમાં વિભક્ત છે.

જૈન આગમોની ભાષા : જૈન આગમોની મૂળ ભાષા અર્ધમાગધી છે.

આગમવાચનાઓ : શ્રમણ મહાવીરના પરિનિર્વાણ પછી આગમ- સંકલનાર્થે પાંચ વાચનાઓ થઈ :

પ્રથમ વાચના — વીર નિર્વાણની બીજી શતાબ્દી (ઈ. પૂ. 254) પાટલિપુત્રમાં આર્ય સ્થૂલિભદ્રની અધ્યક્ષતામાં થઈ.

બીજી વાચના — ઈ. પૂ. બીજી સદીના મધ્યમાં સમ્રાટ ખારવેલના શાસનકાળમાં ઉડીસાના કુમારી પર્વત પર થઈ.

તૃતીય વાચના — વીર નિર્વાણ 827થી 840ની વચ્ચે મધુરામાં થઈ.

ચતુર્થ વાચના — વીર નિર્વાણ 827થી 840 વચ્ચે વલભી(સૌરાષ્ટ્ર)માં આચાર્ય નાગાર્જુનની અધ્યક્ષતામાં થઈ.

પાંચમી વાચના — ઈ. 454–456માં દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં વલભીમાં થઈ. એમાં આગમોને ગ્રંથસ્થ કરાયા.

રૂપેન્દ્રકુમાર પગારિયા