જૈન, ગિરિલાલ

January, 2012

જૈન, ગિરિલાલ (જ. 26 જુલાઈ 1922, પીપળી ખેડા, જિ. સોનેપત, હરિયાણા; અ. 19 જુલાઈ 1993, નવી દિલ્હી) : ભારતના એક પીઢ પત્રકાર. ગિરિલાલ જૈન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના જૂની પેઢીના સમર્થ તંત્રીઓમાંના એક હતા. સફળ અને પ્રભાવશાળી તંત્રી તરીકે સહુની પ્રશંસા મેળવી.

દિલ્હીમાં બી.એ.ની ડિગ્રી મેળવી 1948માં ‘ઇન્ડિયન ન્યૂઝ ક્રૉનિકલ’માં ઉપતંત્રી તરીકે જોડાયા. 1950માં ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના દિલ્હી કાર્યાલયમાં તંત્રી વિભાગમાં જોડાયા. 1951માં વૃત્તાંતનિવેદક અને 1958માં મુખ્ય વૃત્તાંતનિવેદક થયા. 1961માં કરાંચીમાં અને 1962માં લંડનમાં ‘ટાઇમ્સ’ના વિશેષ પ્રતિનિધિ તરીકે કામ કર્યું. ’64માં દિલ્હીમાં સહાયક તંત્રી નિમાયા. ’70થી ’76 દરમિયાન નિવાસી તંત્રી, ’76થી ’78 દરમિયાન તંત્રી અને ’78થી ’88 દરમિયાન વરિષ્ઠ તંત્રી રહ્યા. વચ્ચે બે વર્ષ વિશ્વઘટનાઓની ભારતીય પરિષદ, ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તથા સંરક્ષણ અભ્યાસ તથા વિશ્લેષણ સંસ્થાના સભ્ય રહ્યા. એક તંત્રી તરીકે ગિરિલાલ જૈન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ પર વરસો સુધી પોતાની છાપ મૂકી શક્યા. તેમણે ભારત–ચીન સંબંધો તથા પાકિસ્તાનના સૈનિકવાદ વિશે પુસ્તકો લખ્યાં છે. 1989માં પદ્મભૂષણનું બહુમાન પણ પામ્યા છે.

તંત્રીપદેથી નિવૃત્ત થયા પછી પણ એમણે વિવિધ અખબારોમાં લેખનકાર્ય ચાલુ રાખ્યું. ‘ધ સન્ડે મેઇલ’ અને ‘ધ ઑબ્ઝર્વર’માં એમણે વિવિધ વિષયો પર ચિંતનાત્મક લેખો લખ્યા છે.

પાશ્ચાત્ય રંગે રંગાયેલા અને પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા ગિરિલાલ જૈને અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટેના આંદોલનને ટેકો આપ્યો તેનું ઘણાને આશ્ચર્ય થયું હતું. ગિરિલાલ જૈન આ આંદોલનને હિંદુ પુનરુત્થાનની અભિવ્યક્તિ ગણતા હતા. તેમણે આ વિશે ઘણા લેખો લખ્યા છે. તેમના આ લેખો અને અન્ય નોંધોને આધારે ‘ધ હિન્દુ ફિનૉમિનન’ નામનું પુસ્તક પ્રગટ થયું હતું. 1993માં તેઓ બીમાર થઈ ગયા અને પછી તેમાંથી ફરી સાજા થયા નહિ. આથી એમનાં પુત્રી મીનાક્ષી જૈને આ પુસ્તકનું સંપાદનકાર્ય સંભાળ્યું. એક જ વર્ષમાં તેની ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ. દેશના બૌદ્ધિકોમાં આ લેખોએ તથા પુસ્તકે ચકચાર ફેલાવી. ગિરિલાલ જૈનનું માનવું હતું કે રાજા રામમોહન રાય, ગાંધીજી અને જવાહરલાલ નહેરુએ પણ હિન્દુ પુનરુત્થાનમાં પ્રદાન કર્યું છે અને રામજન્મભૂમિ આંદોલન આ જ ઘટનાની અભિવ્યક્તિ છે.

મહેશ ઠાકર