જૈન આગમટીકાસાહિત્ય

January, 2012

જૈન આગમટીકાસાહિત્ય : જૈનોના ખાસ કરી શ્વેતાંબરોના આગમગ્રંથોને કેન્દ્રમાં રાખી તેમની ભાષા અને સિદ્ધાંતો સમજાવવા સારુ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ ભાષાઓમાં ગદ્ય કે પદ્ય રૂપે વિસ્તાર પામેલું ટીકારૂપ ગૌણ સાહિત્ય. ‘ટીકા’ને માટે ‘વ્યાખ્યા’ શબ્દ પણ પ્રયોજાય છે. દિગંબરોને માન્ય કેટલાક ગ્રંથો ઉપર પણ પ્રાકૃત/સંસ્કૃતમાં વ્યાખ્યાઓ (નિર્યુક્તિ/ટીકા વગેરે) રચાઈ છે; પરંતુ તેઓનો પ્રમાણમાં વિસ્તાર થયો નથી. વળી, કેટલાક શ્વેતાંબર આગમગ્રંથોના પાયાના સ્તરોમાં પ્રતિબિંબિત થતા પ્રાચીન જૈન સિદ્ધાંતોના આદિ સ્વરૂપ અને ઐતિહાસિકતા, દિગંબરોના પ્રાચીન સાહિત્યમાં પ્રાપ્ત સિદ્ધાંતો કરતાં, પ્રમાણમાં વધારે મૂલ્યાંકન ધરાવે છે. આથી શ્વેતાંબર આગમગ્રંથોના વ્યાખ્યાસાહિત્યનો પરિચય આપવામાં આવે છે.

(1) નિર્યુક્તિ (નિજ્જુત્તિ) : જૈન આગમગ્રંથોની પ્રાચીન વ્યાખ્યાઓ. નિર્યુક્તિઓનું આદિ મૂળ પ્રાકૃતમાં રચાયેલી સંગ્રહણી (સંગહણી) ગાથાઓને ગણાવી શકાય. પ્રાચીન સિદ્ધાંતો અને તેની આસપાસ વિકસેલા સાહિત્યને મૌખિક પરંપરામાં અસ્ખલિત જીવંત રાખવા જેમ વૈદિક સમયમાં સંસ્કૃતમાં સૂત્રો રચાયાં, તેવા હેતુથી જૈન સાધુઓએ પણ પ્રાકૃત (માગધી/અર્ધમાગધી કે શૌરસેની) ભાષામાં, આર્ષ આર્યા જેવા છંદોમાં સંગ્રહણી ગાથાઓની રચના કરી. ગ્રંથનું નામ, તેના મુખ્ય વિભાગોનાં નામ, તેમની સંખ્યા, વિષયવસ્તુ, દ્વારો (મુદ્રાઓ), કોઈ વાર કથા(ર્દષ્ટાંતો)નાં નામ વગેરે એક-બે સંગ્રહણી ગાથાઓમાં સંક્ષેપમાં સમાવવામાં આવતાં. આવી સંગ્રહણીઓ આગમગ્રંથના એક ભાગ રૂપે જ અસ્તિત્વમાં આવી. સંગ્રહણીઓની સાથે સાથે કોઈ વાર ‘સંગ્રહ-ગાહા’ જેવા સંકેત પણ જોવા મળે છે. સંગ્રહણીઓની રચના પાછળ કોઈ નિશ્ચિત પદ્ધતિ હોતી નથી; કોઈ વાર આખા ગ્રંથ માટે એક-બે, તો કોઈ વાર તો ગ્રંથના મુખ્ય વિભાગ કે વિષયવસ્તુ માટે એકેક ગાથા રચાઈ હોય છે. મોટા ભાગની ક્લિષ્ટ, વ્યાકરણસંબંધી વિભક્તિઓના કે સંધિના સામાન્ય નિયમોની પણ ઉપેક્ષા કરીને રચાયેલી સંગ્રહણી ગાથાઓ સમજવા તે ઉપરની સંસ્કૃત ટીકાઓના આધારની હંમેશાં આવશ્યકતા રહે છે. આગમગ્રંથોમાં કાળક્રમે ક્ષેપપ્રક્ષેપો થતાં તેમાં નવી સંગ્રહણીઓ ઉમેરાતી ગઈ અને કેટલીક છંદ/અર્થમાં ફેરફાર સાથે અસ્તવ્યસ્ત થઈ. આવી સંગ્રહણીઓની પ્રાચીનતા ચકાસવા ભાષાવિજ્ઞાન, છંદ, વિષયસામગ્રી, પરસ્પર સંબંધ વગેરે મુદ્દાઓ દ્વારા સમગ્ર ર્દષ્ટિબિંદુથી અભ્યાસ કરવાની જરૂર રહે છે.

લગભગ ઈ. પૂ. બીજી સદીથી કેટલીક સંગ્રહણીઓ અને આગમગ્રંથોને સમજાવવા બીજી કેટલીક પ્રાકૃત ગાથાઓ (ભાષા : માગધી, અર્ધમાગધી કે શૌરસેની) આર્ષ કે શિષ્ટકાલીન આર્યા જેવા છંદોમાં અસ્તિત્વમાં આવી; જે નિર્યુક્તિઓ તરીકે પ્રચલિત થઈ. ‘નિર્યુક્તિ’ એટલે ‘નિર્વચન’, અર્થ સમજાવવાની એક યુક્તિ (પ્રક્રિયા). જૈનોએ પોતાની નિરુક્તિની પ્રક્રિયાને પ્રાચીન વૈદિક સમયના નિરુક્તસાહિત્યથી અલગ દર્શાવવાના હેતુથી ‘નિરુક્તિ’ના અર્થમાં જ ‘નિર્યુક્તિ’ શબ્દ યોજ્યો છે. એક ગ્રંથ પરની નિર્યુક્તિઓની ગાથાઓના સમગ્ર સમૂહને અથવા તો તેમાંની કોઈ ગાથાને પણ ‘નિર્યુક્તિ’ કહેવામાં આવે છે. નિર્યુક્તિઓ તેમના આધારભૂત કેન્દ્રમાં રહેલા ગ્રંથના નામથી ઓળખાય છે. જેમ કે ‘આવશ્યક’ પર રચાયેલી નિર્યુક્તિઓ (કુલ ગાથા 2386), ‘આવશ્યક નિર્યુક્તિ’ (જુઓ : ‘આવસ્સય નિજ્જુત્તિ’ અધિકરણ). આમ સામાન્ય રીતે, નિર્યુક્તિઓ કોઈ સ્વતંત્ર રચના નથી, પણ વિશેષ પ્રકારનું એક વ્યાખ્યાસાહિત્ય છે.

પ્રાચીન નિર્યુક્તિઓમાં ગ્રંથની શરૂઆતમાં લગભગ 10થી 15 ગાથાઓ આવે છે. (‘ઉપોદ્ઘાત’ કે ‘પીઠિકા’). તેમાં તે ગ્રંથના વિભાગો, અધ્યયનોનાં નામ, સંખ્યા, વિષયવસ્તુ, દ્વારો વગેરેનું સંક્ષેપમાં સૂચન કર્યું હોય છે. કેટલીક 2થી 3 નિર્યુક્તિગાથાઓ (‘સૂત્રાલાપક’) આવે છે. ‘ઉપોદ્ઘાત’ (પીઠિકા) કે ‘સૂત્રાલાપક’ જેવી નિર્યુક્તિગાથાઓને વિભક્ત કરતી સંજ્ઞાઓ પાછળથી જન્મ પામી છે. ગ્રંથના શબ્દોમાંથી એક-બે શબ્દોનો કોઈ વાર ‘નિક્ષેપ’ (નિક્ખેવ) કરવામાં આવે છે. નિર્યુક્તિઓમાં પ્રાપ્ત ‘નિક્ષેપ’ નામની આગવી નિરુક્તની જૈન પદ્ધતિને ભારતીય દાર્શનિક સાહિત્યના અનુપમ પ્રદાન તરીકે ગણાવી શકાય (જુઓ : ‘નિક્ષેપ’ અધિકરણ).

પ્રાચીન નિર્યુક્તિઓમાં પણ કાળક્રમે વૃદ્ધિ થતી ગઈ. નિર્યુક્તિની કોઈ ગાથાને સમજાવવા કેટલીક નવી ગાથાઓ રચાતી ગઈ અને નિર્યુક્તિઓમાં જ સમાતી ગઈ. આવી કેટલીક વૃદ્ધિ પામેલી ગાથાઓમાંથી ફક્ત કોઈક જ ગાથાઓના ‘મૂલભાષ્ય’ કે ‘ભાષ્ય’ ગાથા તરીકે ઉલ્લેખ થયા હોય છે. તે નિર્યુક્તિ પરની ચૂર્ણિમાં કે ટીકામાં આ બાબતે તે તે ઠેકાણે સ્પષ્ટતા થઈ હોય છે. કોઈ ગ્રંથની નિર્યુક્તિગાથાઓમાં ભાષ્યગાથાઓ જો અલ્પ સંખ્યામાં જ ભળી ગઈ હોય તો તે બધી ગાથાઓના સમગ્ર સમૂહને ‘નિર્યુક્તિ’ કહી શકાય છે; પરંતુ ભાષ્યગાથાઓનું કદ નિર્યુક્તિગાથાઓ કરતાં પણ વધી જવાથી નિર્યુક્તિગાથાઓ સાથેની તે બધી જ ગાથાઓના સમગ્ર સમૂહને ‘ભાષ્ય’ કહેવામાં આવે છે. કારણ કે ભાષ્યગાથાઓ અને નિર્યુક્તિગાથાઓને જુદાં કરી શકાતાં નથી. ટૂંકમાં, કોઈ પણ ગ્રંથ પરની નિર્યુક્તિ, ભાષ્યગાથાઓ વગરની શુદ્ધ રહી શકી નથી; અને કોઈ પણ ગ્રંથ પરની ફક્ત ‘ભાષ્ય’ તરીકે જાણીતી થયેલી વ્યાખ્યામાં તેના આધારભૂત પૂર્વવર્તી નિર્યુક્તિગાથાઓનો પણ જ્યાંત્યાં સમાવેશ થયો જ હોય છે. નિર્યુક્તિઓની અંતિમ સમયમર્યાદા લગભગ ઈ. સ.ની સાતમી કે આઠમી સદીમાં મૂકી શકાય. શ્વેતાંબરોના કેટલાક આગમગ્રંથો પર હાલ જે નિ. (= નિર્યુક્તિઓ) મળી આવે છે તેમનાં નામ અને આગળ કૌંસમાં તેમની કુલ ગાથાસંખ્યા અહીં આપવામાં આવે છે. ‘નિર્યુક્તિ’ની પૂર્વે આવતો શબ્દ આગમગ્રંથનું નામ દર્શાવે છે : આચાર નિર્યુક્તિ(376), સૂત્રકૃત નિર્યુક્તિ (205), દશાશ્રુત નિર્યુક્તિ (148), દશવૈકાલિક નિર્યુક્તિ (446), ઉત્તરાધ્યયન નિર્યુક્તિ (617), આવશ્યક નિર્યુક્તિ (2386).

જૈન પરંપરા મુજબ આચાર (અંગ-1) નામે આગમગ્રંથના ‘પિંડ’ (2.1.1) અને ‘નિશીથ’ (2.17?) નામનાં બે અધ્યયનો ઉપરની નિર્યુક્તિગાથાઓ કાળક્રમે વધી જતાં તે ગાથાઓને આચારનિર્યુક્તિમાંથી અલગ કરી તેમને અનુક્રમે પિંડનિર્યુક્તિ (709) અને નિશીથભાષ્ય (નિર્યુક્તિઓ સાથે કુલ ગાથા 6800)ના નામથી પ્રચલિત કરી. સંશોધનની ર્દષ્ટિએ નિશીથભાષ્યનો સંબંધ આચારનિર્યુક્તિ સાથે નથી અને પિંડનિર્યુક્તિ દશવૈકાલિક નિર્યુક્તિ સાથે સંકળાયેલી લાગે છે. આ ઉપરાંત જૈન પરંપરા ઓઘનિર્યુક્તિ(1146)ને આવશ્યક નિર્યુક્તિના ભાગ તરીકે તથા પર્યુષણાનિર્યુક્તિને દશાશ્રુતનિર્યુક્તિના ભાગ તરીકે જણાવે છે; તો કોઈ વાર સૂર્યપ્રજ્ઞપ્તિનિર્યુક્તિ અને ઋષિભાષિતનિર્યુક્તિનો પણ ઉલ્લેખ કરે છે. છેલ્લી બે નિર્યુક્તિઓ હાલ પરંપરામાં અપ્રાપ્ય છે. ઉપર જણાવેલી બધી જ નિર્યુક્તિઓમાં ભાષ્યગાથાઓ કે પ્રજ્ઞપ્તિગાથાઓનો પણ સમાવેશ થઈ જાય છે.

ઉપર જણાવેલી નિર્યુક્તિઓના ઐતિહાસિક કાળક્રમે તેના રચનાર વિશે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. જૈન પરંપરા તો ભદ્રબાહુ(ઈ. સ. પૂર્વે બીજી-ત્રીજી સદી?)ને બધી નિર્યુક્તિઓના રચનાર તરીકે માને છે. હકીકતે ભદ્રબાહુએ પોતાના સમયમાં પ્રાપ્ત પ્રાચીન નિર્યુક્તિગાથાઓનાં સંકલન અને વ્યવસ્થા કરી તેમાં થોડો સુધારો-વધારો કર્યો હતો. પણ સમયે સમયે આ ગાથાઓની સંખ્યા વધતી ગઈ. નિર્યુક્તિઓની ગાથાઓમાં ઘણી વાર કોઈ કોઈ ગ્રંથોની નિર્યુક્તિઓના પરસ્પર સંદર્ભો પણ આપવામાં આવ્યા છે; તથા ઉપનિષદ કે ધર્મશાસ્ત્રના સમયના કેટલાક ઉલ્લેખો પણ મળી આવે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય નિર્યુક્તિઓને આગમગ્રંથ જેટલું જ મહત્વ આપે છે, જ્યારે શ્વેતાંબર સ્થાનકવાસી જૈનો તેવું મહત્વ આપતા નથી. સામાન્ય રીતે નિર્યુક્તિઓ સંબદ્ધ આગમગ્રંથની સાથે (હસ્તલિખિત પ્રતોમાં કે પ્રકાશિત રૂપે) સંલગ્ન જ પ્રાપ્ત થાય છે.

(2) ચૂર્ણિ (ચુણ્ણિ) : પ્રાકૃત (માગધી/અર્ધમાગધી, શૌરસેની) અને ઠેકઠેકાણે સંસ્કૃત ભાષાના મિશ્ર ગદ્યમાં લખાયેલી ચૂર્ણિઓ મૌખિક પરંપરાની ર્દષ્ટિએ નિર્યુક્તિઓ જેટલી જ પ્રાચીન ગણી શકાય. એટલે કે મૌખિક પરંપરામાં ચાલી આવતી આગમગ્રંથોની વિવરણપદ્ધતિનું ઈ. સ. પૂર્વે બીજી સદીથી પ્રાકૃત પદ્યરૂપે નિર્યુક્તિઓમાં વિસ્તરણ થયું અને તે વિવરણપદ્ધતિનું ઈ. સ.ની છઠ્ઠી સદીથી પ્રાકૃત ગદ્યસ્વરૂપે ચૂર્ણિઓમાં સંકલન થયું. આગમગ્રંથના વિવરણની સાથે સાથે તેમની નિર્યુક્તિગાથાઓનું પણ વિવરણ કરવાની ચૂર્ણિઓની બેવડી જવાબદારી હોય છે. આ વિવરણપદ્ધતિ ચૂર્ણની જેમ આમતેમ વીખરાયેલી અને સૂક્ષ્મ હોવાથી તેને ચૂર્ણિ કહે છે. (શૈવ સિદ્ધાંતની તાર્કિક પરિભાષામાં પણ ‘ચૂર્ણિ’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.)

કોઈ આગમગ્રંથ પરની ચૂર્ણિનું નામ તે ગ્રંથના નામથી ઓળખાય છે; જેમ કે ‘આવશ્યક’ પરની ચૂર્ણિ = ‘આવશ્યક ચૂર્ણિ’. જે ગ્રંથ પર નિર્યુક્તિઓ હોય તે ગ્રંથ પર ચૂર્ણિ હોય જ તેવું નથી; જેમ કે ‘વિયાહપન્નત્તિ’ (અંગ. નં. 5) અને ‘નંદી’ તથા ‘અનુયોગદ્વાર’ (જુઓ : ‘અણુયોગદારસુત્ત’ અધિકરણ) પર નિર્યુક્તિઓ નથી, પણ તે નામે ચૂર્ણિઓ મળી આવે છે. પ્રાચીન ચૂર્ણિઓનાં કદ નાનાં હોય છે. આગમગ્રંથો અને નિર્યુક્તિઓમાં ક્ષેપપ્રક્ષેપપૂર્વક ચૂર્ણિઓમાં પણ વિષયસામગ્રી વધતી ગઈ તેમ કદ પણ વધતાં ગયાં. ચૂર્ણિઓ કોઈ ગ્રંથ પર વ્યાખ્યા દ્વારા વિશેષ પ્રકાશ પાડી શકતી નથી. તે આગમગ્રંથના શબ્દેશબ્દનો નહિ, પણ તેના કોઈક સૂત્રમાંથી એક-બે શબ્દો લઈ તેનો અર્થ કરી તે સૂત્ર અને આખા પ્રકરણ/અધ્યયનનો ભાવાર્થ આપી દે છે; અને પ્રકરણો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સાથે નિર્યુક્તિની ગાથાપંક્તિઓમાંથી કોઈ વાર પ્રતીક (આદિ શબ્દસમૂહ કે સંદર્ભ) આપીને તો કોઈ વાર પ્રતીક વગર જ તે ગાથાનો ભાવાર્થ દર્શાવે છે. વલભીની (ગુજરાતમાં ભાવનગર પાસેના હાલના વળા ગામની આસપાસ ઈ. સ.ની સાતમી સદીના અરસામાં ભરાયેલી) આગમવાચનાના પાઠો ઉપરાંત તે વાચનાની લગભગ સમકાલીન માથુરી વાચનાનાં કેટલાંક પાઠાંતરો, નાગાર્જુનાચાર્ય(માથુરી વાચનાના પ્રમુખ)ના નામથી ફક્ત ચૂર્ણિઓમાંથી જ જાણવા મળે છે. ઉપરાંત, ચૂર્ણિઓમાંથી જૈનેતર મતમતાંતરોની તથા ભારતીય સંસ્કૃતિની કેટલીક તૂટતી કડીઓ વેરવિખેર મળી આવે છે. આ ર્દષ્ટિએ ચૂર્ણિઓનું અધ્યયન પ્રાચીન ભારતીય દર્શનોના વિદ્વાનો માટે સર્વ રીતે આવશ્યક છે.

જૈન પરંપરા મુજબ આચારાંગસૂત્ર પર ગંધહસ્તીએ, જિતકલ્પ પર સિદ્ધસેનગણિએ, કલ્પસૂત્ર પર પ્રલંબસૂરિએ, દશવૈકાલિક પરની કુલ બેમાંથી એક ચૂર્ણિ અગસ્ત્યસિંહે જ્યારે દશવૈકાલિક પરની બીજી એક ચૂર્ણિ, નિશીથ પરની કુલ બેમાંથી એક ચૂર્ણિ (‘વિશેષ નિશીથ ચૂર્ણિ’) તથા સૂત્રકૃત, વિયાહપન્નત્તિ દશાશ્રુત, વ્યવહાર, પંચકલ્પ, નંદી, અનુયોગ, ઉત્તરાધ્યયન, જીવાભિગમ, પ્રજ્ઞાપના, જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, પાક્ષિક સૂત્ર નામે ગ્રંથોમાંથી દરેક પર એક એક ચૂર્ણિની રચના જિનદાસગણિએ કરી એવું માનવામાં આવે છે. આ ચૂર્ણિઓના ઐતિહાસિક કાળક્રમ કે તેમના સાચેસાચ રચનાર વિશે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. ચૂર્ણિઓનો વિશ્લેષણપૂર્વક અભ્યાસ કરવાની અત્યંત અનિવાર્ય આવશ્યકતા છે. તેની અવગણના કરનાર વિદ્વાનો હાસ્યાસ્પદ બને છે.

શ્વેતાંબરોમાં મૂર્તિપૂજક જૈનો ચૂર્ણિઓને પણ આગમગ્રંથ જેટલું મહત્વ આપે છે, જ્યારે સ્થાનકવાસી જૈનો તેવું મહત્વ આપતા નથી.

સામાન્ય રીતે ચૂર્ણિઓ સંબદ્ધ આગમગ્રંથ/નિર્યુક્તિથી અલગ (હસ્તલિખિત પ્રતોમાં કે પ્રકાશિત રૂપે) પ્રાપ્ત થાય છે.

(3) ભાષ્ય (ભાસ) : નિર્યુક્તિઓ પરના એક પ્રકારના પ્રાકૃત પદ્યમય વ્યાખ્યાસાહિત્યને ભાષ્ય કહેવામાં આવે છે. આ વિશે ઉપર ‘નિર્યુક્તિ’ વિભાગમાં વિશેષ સ્પષ્ટતા કરી છે, તે મુજબ જૈન પરંપરામાં જ્યાં કોઈ ગ્રંથ પર એકલા ભાષ્યનો જ ઉલ્લેખ થયો હોય ત્યાં ‘નિર્યુક્તિ અને ભાષ્ય’ એવું સમજી લેવાનું હોય છે. (એટલે કે, તે ગ્રંથ પર પહેલાં નિર્યુક્તિગાથાઓ રચાઈ, જેને પછીથી રચાયેલી અને નિર્યુક્તિઓમાં જ વૃદ્ધિ પામેલી ઘણી ભાષ્યગાથાઓમાંથી અલગ તારવવું શક્ય હોતું નથી. તેથી તેને ‘ભાષ્ય’ તરીકે ઓળખવામાં આવે છે.) અહીં ભાષ્યગાથાઓની સંખ્યામાં નિર્યુક્તિગાથાઓ સમાયેલી જ હોય છે. ભાષ્યગાથાઓની ભાષા, છંદ, સિદ્ધાંતો, પરિપક્વ દશાનાં સૂચક છે.

શ્વેતાંબરોના કેટલાક આગમગ્રંથો પર હાલ જે ભાષ્યો મળી આવે છે તે અહીં વિગતવાર દર્શાવ્યાં છે. (‘ભાષ્ય’ની પૂર્વે આવતો શબ્દ આગમગ્રંથનું નામ દર્શાવે છે અને કૌંસમાં જણાવેલી કુલ ગાથાસંખ્યામાં નિર્યુક્તિગાથાઓ પણ સમાઈ જાય છે. ગાથાસંખ્યા દર્શાવ્યા બાદ જૈન પરંપરા મુજબ તે ભાષ્યના રચનારનું નામ પણ આપવામાં આવ્યું છે. જ્યાં પ્રશ્નાર્થ(?) જેવો સંકેત કર્યો છે ત્યાં રચનારનું નામ આપવું શક્ય નથી એમ સમજવું.)

(બૃહત્) કલ્પભાષ્ય (6840, સંઘદાસગણિ), પંચકલ્પભાષ્ય (2666, સંઘદાસગણિ), વ્યવહારભાષ્ય (4768, ?), નિશીથભાષ્ય (6703, ?), જિતકલ્પભાષ્ય (2709). ઉપરાંત, જિનભદ્રે લગભગ ઈ. સ.ની છઠ્ઠી સદીમાં આવશ્યક નિર્યુક્તિ પર વિશેષાવશ્યકભાષ્ય (4346 = આવશ્યક નિર્યુક્તિની 2386 ગાથાઓ સહિત) રચ્યું, તે પણ પરંપરામાં વૃદ્ધિ પામ્યું. વળી, ઓઘ નિર્યુક્તિ પર પણ 322 ભાષ્યગાથાઓ મળી આવે છે, તે રીતે પિંડ-નિર્યુક્તિ-ભાષ્ય પણ મળે છે. જૈનેતર પ્રાચીન સાહિત્યમાં સામાન્ય રીતે સંસ્કૃત વ્યાખ્યાનના અર્થમાં રૂઢ થયેલો ‘ભાષ્ય’ શબ્દ જૈનોના વ્યાખ્યાસાહિત્યમાં નિર્યુક્તિ પરના પ્રાકૃત ગાથામય વ્યાખ્યાવિશેષના અર્થમાં સીમિત થયો છે. કેટલાક વિદ્વાનો ભાષ્યગાથાઓનાં મૂળ ચૂર્ણિઓમાં જણાવે છે. ચૂર્ણિઓમાં પાછળથી થયેલા કેટલાક વિસ્તારોનું પદ્યમય રૂપાંતર (અને વૃદ્ધિ) કરીને નિર્યુક્તિગાથાઓમાં ઠેકઠેકાણે તે જોડી દેવામાં આવ્યા હતા. વિશેષાવશ્યકભાષ્યનો કેટલોક વિસ્તાર આવશ્યક ચૂર્ણિમાંથી થયો છે. આ દિશામાં હજી વિશેષ સંશોધન થયું નથી.

ભાષ્યસાહિત્ય ચૂર્ણિઓ પછીના એક પ્રકારનું પ્રાકૃતભાષી જૈન સિદ્ધાંતોનું પુનરુત્થાન સૂચવે છે. ભાષ્યોમાં જૈન ધર્મના દાર્શનિક યુગની પૂર્વભૂમિકા પ્રાપ્ત થાય છે. તેમાં નિર્યુક્તિગાથાઓનો વિવરણવિસ્તાર મળે છે, પણ નિર્યુક્તિઓના અભિપ્રેત અર્થ આપવામાં ભાષ્યો ઘણી વાર અસ્પષ્ટ રહ્યાં છે.

(4) ટીકા : અહીં ‘ટીકા’ શબ્દ વિશેષ અર્થમાં યોજાયો છે. ‘ટીકા’ એટલે ‘પૂર્વવર્તી પ્રાકૃત વ્યાખ્યાસાહિત્યથી વિશિષ્ટ સંસ્કૃત ગદ્યમાં રચાયેલું પણ મુખ્યત્વે આગમગ્રંથોને કેન્દ્રમાં રાખીને વિસ્તરેલું, વ્યાખ્યા-સાહિત્ય.’ તેમાં કોઈ પણ પ્રકારની સંસ્કૃત વ્યાખ્યાઓ સમાઈ જાય છે. ટીકાઓના રચનાર તથા સમય વિશે કાંઈ નિશ્ચિત કહી શકાય છે. ઘણી વાર ટીકાઓ આગમગ્રંથોની વ્યાખ્યા માટે તે તે ગ્રંથોની નિર્યુક્તિઓ, ચૂર્ણિઓ, તો કોઈ વાર ભાષ્યનો પણ આધાર લે છે. કેટલાક ટીકાકારો પોતાની ટીકાને ‘વૃત્તિ’, ‘વિવરણ’, ‘વિવૃતિ’, ‘શિષ્યહિતા’, ‘શિષ્યબોધિની’, ‘કિરણાવલી’ જેવી વિશિષ્ટ સંજ્ઞાઓ પણ આપે છે. ટીકાકારો આગમગ્રંથની વ્યાખ્યા સાથે જ ગ્રંથની નિર્યુક્તિઓ કે ભાષ્યગાથાઓ પર પણ સંસ્કૃતમાં વ્યાખ્યા કરે છે; પરંતુ તેમનો અર્થ સમજવા માટે ટીકાકારો ચૂર્ણિઓનો તો ફક્ત આધાર જ લે છે. ચૂર્ણિઓ સંસ્કૃત ટીકાઓનું આકર્ષણકેન્દ્ર બની શકી નથી. અહીં કાળક્રમાનુસાર પ્રખ્યાત શ્વેતાંબર ટીકાકારોનાં નામો અને તેમણે જેના ઉપર સંસ્કૃત ટીકાઓ રચી હતી તે આગમગ્રંથોની સૂચિ આપવામાં આવે છે : (1) હરિભદ્ર (સન 705-775) : નંદી, અનુયોગદ્વાર, દશવૈકાલિક (નિર્યુક્તિ સાથે), પ્રજ્ઞાપના… (2) શીલાંક (નવમી સદી) : આચાર (નિર્યુક્તિ સાથે), સૂત્રકૃત (નિર્યુક્તિ સાથે)… (3) અભયદેવ (અગિયારમી સદી) : સ્થાન, સમવાય, વિયાહપન્નત્તિ, નાયાધમ્મકહાઓ, ઉવાસગદસા, અંતગડ, અનુત્તરોવવાઇય, પ્રશ્નવ્યાકરણ, વિવાગસૂય, ઔપપાલિક, રાયપસેણઇજ્જ, પ્રજ્ઞાપના (3જું પદ)… (4) શાંતિસૂરિ (અગિયારમી સદી) : ઉત્તરાધ્યયન. (નિર્યુક્તિ સાથે)… (5) દેવેન્દ્રસૂરિ (અગિયારમી સદી) : ઉત્તરાધ્યયન. (6) દ્રોણાચાર્ય (અગિયારમી સદી) : અધિનિર્યુક્તિ. (7) ચંદ્રસૂરિ (અગિયારમી સદી) : નિરયાવલિયાઓ, કપ્પવડિસિયાઓ, પુપ્ફિયાઓ, પુપ્ફચૂલિયાઓ, વહ્નિદસા, જિતકલ્પ, નંદી, નિશીથ…(8) હેમચંદ્ર મલધારી (બારમી સદી) : નંદી, અનુયોગદ્વાર… (9) મલયગિરિ (બારમી સદી) : જીવાભિગમ પ્રજ્ઞાપના, સૂર્યપ્રજ્ઞપ્તિ, (બૃહત્) કલ્પસૂત્ર (ભાષ્ય સાથે) (પૂરું કર્યું ક્ષેમકીર્તિએ), વ્યવહાર (ભાષ્ય સાથે), નંદી પિંડનિર્યુક્તિ… (10) શાંતિચંદ્ર (સોળમી સદી) : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (11) બ્રહ્મમુનિ (?) : દશાશ્રુત.

આ ઉપરાંત આવશ્યક નિર્યુક્તિ (આવશ્યક સૂત્ર સાથે) પર નીચે જણાવેલા સંસ્કૃત ટીકાકારોની સંસ્કૃત ટીકાઓ જાણીતી છે :

હરિભદ્ર, મલયગિરિ (સન 1150), શ્રીતિલક (સન 1239), જ્ઞાનસાગર (સન 1383) તથા એક અનામી અવચૂર્ણિ તથા આવશ્યક નિર્યુક્તિ ઉપર જિનભદ્રે (સન છઠ્ઠી સદી) રચેલા વિશેષાવશ્યકભાષ્ય પર નીચે જણાવેલા ટીકાકારોની સંસ્કૃત ટીકાઓ પ્રચલિત છે.

જિનભદ્રનું ‘સ્વોપજ્ઞ’ (‘ગ્રંથકારે પોતે જ રચેલી વ્યાખ્યા’) ગાથા 12318 લગી; બાકીની ગાથાઓ (2319–4329) પર કોટ્યાચાર્યે સંસ્કૃત ટીકા રચી… શીલાંક (સન 870), હેમચંદ્ર મલધારી (સન 1118) વગેરે મુખ્ય છે. જૈન શ્રાવકોએ પોતાના ધર્મસાહિત્ય પર કોઈ વ્યાખ્યા કે કૃતિ રચી નથી. આ બધા ટીકાકારો જૈન મુનિઓ હતા. તેમાંના કેટલાકે આગમગ્રંથ પરની ટીકાઓ ઉપરાંત પોતાની સ્વતંત્ર કૃતિઓ કે ઇતર ગ્રંથ પર ટીકાઓ પણ રચી છે. જૈન આગમટીકા-સાહિત્યમાં જિનભદ્ર, હરિભદ્ર, શીલાંક, અભયદેવ, શાંતિસૂરિ, દેવેન્દ્રસૂરિ, હેમચંદ્ર મલધારી અને મલયગિરિનાં નામો સૌથી આગળ પડતાં છે. લગભગ પંદરમી સદી પછીના કેટલાક જૈન મુનિઓએ રચેલી આગમગ્રંથો પરની ટીકાઓમાં પૂર્વવર્તી ટીકાઓની વિષયસામગ્રીનું પુનરાવર્તન માત્ર થયા કર્યું છે.

જૈનોની આગમિક ટીકાઓમાં પ્રાચીન ઐતિહાસિક કે અર્ધ-કાલ્પનિક પરંપરાનું સાહિત્ય સચવાયું છે. તેમાં જૈન સાધુઓએ, પ્રચલિત લોકકથાઓને જૈન ધર્મનો સ્વાંગ સજાવી કથાસાહિત્યનો ખૂબ વિકાસ કર્યો છે.

(5) ટબો : ટબાઓમાં જૈનોની આગમ વ્યાખ્યાપ્રણાલીનું પર્યવસાન થાય છે અને જૈન પરંપરાની ઉત્તરાવસ્થાનાં દર્શન થાય છે. ‘ટબો’ શબ્દ પ્રાકૃત ટપ્પ/ટિપ્પ – ‘ટૂંકી નોંધ’/‘ટીકા’ (જેમ કે ‘ટપકો’, ‘ટિપ્પણી’) ઉપરથી આવ્યો લાગે છે. તેમાં પૂર્વવર્તી વ્યાખ્યાઓ/ટીકાઓના આધારે આગમગ્રંથનાં સૂત્રોનો અર્થ આપવામાં આવે છે, તો કોઈ વાર અત્યંત ટૂંકમાં ટિપ્પણી કરવામાં આવે છે; જેમાં ભાવાર્થ સમાઈ જાય છે. ટબાની ભાષા અપભ્રંશ કે દેશ્ય હોય છે, તો કોઈ વાર આગમગ્રંથના શબ્દોનું સંસ્કૃતમાં રૂપાંતર હોય છે. નવી ભારતીય આર્ય ભાષાઓ અને પ્રાચીન ગુજરાતી ભાષાના અભ્યાસ માટે ટબાઓનો અભ્યાસ તદ્દન અનિવાર્ય છે; પરંતુ આ ટબાઓ હજી હસ્તલિખિત પ્રતોમાંથી પ્રકાશિત થયા નથી.

ટબાને ઘણી વાર ‘બાલાવબોધ’ (અભ્યાસની પ્રાથમિક કક્ષામાં પણ સમજાય તેવા) કહેવામાં આવે છે. ટબાનો રચનાકાળ મુકરર કરી શકાય એમ નથી; પણ તેમની રચના આશરે સોળમી-સત્તરમી સદીથી શરૂ થઈ લાગે છે. ટિપ્પણી પ્રકારના આ ટબા ઉપર ચૂર્ણિની અસર હોય છે. ટીકાસાહિત્યના ઉત્તરકાળે કેટલાક ટીકાકારો પોતાની ટીકાને ‘અવચૂર્ણિ’ કે ‘અવચૂરિ’ જેવી સંજ્ઞાઓ આપતા, જેમાં સામાન્ય રીતે ટીકા કરતાં ટૂંકી ટિપ્પણી રૂપે વ્યાખ્યા કરવામાં આવતી. ટબા ઉપર પણ આ અસર સ્પષ્ટ દેખાય છે. અવચૂર્ણિઓની જેમ ટબા પણ આગમગ્રંથોની વ્યાખ્યા પૂરતા સીમિત છે. તેમાં નિર્યુક્તિઓ કે ચૂર્ણિઓ ઉપર પ્રકાશ પાડવા પ્રયાસ થયા નથી. ટબા હજી અપ્રકાશિત દશામાં હોવાને લીધે તેમના રચનારનાં નામો વગેરે વિશે માહિતી આપવી શક્ય નથી. છતાં કેટલાક ટબા વિશે પરોક્ષ રીતે જે કાંઈ માહિતી મળી શકે છે તેમાંથી નીચે સૂચિ આપવામાં આવે છે.

પ્રજ્ઞાપના પર ધનવિમલે સન 1711માં, જીવવિજયે સન 1728માં અને પરમાનંદે સન 1820માં ટબા લખ્યા. આ રીતે દશવૈકાલિક અને વિવાગસુય પર પણ ટબા મળે છે, પણ તેમના રચનાર વિશે માહિતી મળતી નથી.

બંસીધર ભટ્ટ