જૈન, અજિતપ્રસાદ

January, 2012

જૈન, અજિતપ્રસાદ (જ. ઑક્ટોબર 1902, મેરઠ; અ. 31 ડિસેમ્બર, 1977) : ઉત્તર પ્રદેશના અગ્રણી કાર્યકર. મધ્ય વર્ગના કુટુંબમાં જન્મ. લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ. (1924) અને એલએલ.બી. (1926) થયા પછી વકીલાત શરૂ કરી. ટૂંક સમયમાં કૉંગ્રેસમાં જોડાયા અને રાજકારણમાં સક્રિય બન્યા. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા અને ધરપકડ વહોરી. 1937માં ઉત્તરપ્રદેશની વિધાનસભામાં ચૂંટાયા. 1935ના કાયદાન્વયે નિમાયેલી પ્રાંતીય સરકારમાં સંસદીય સચિવ નિમાયા (1937–39). 1946માં ફરી પ્રાંતીય વિધાનસભાના સભ્ય ચૂંટાયા. તે જ વર્ષે બંધારણ સમિતિના સભ્ય બન્યા. 1951–54 દરમિયાન કેન્દ્ર સરકારમાં રાહત અને પુનર્વાસ ખાતાના મંત્રી તથા 1954–59 દરમિયાન અન્ન અને કૃષિ મંત્રી રહ્યા. 1960–64 દરમિયાન ઉત્તરપ્રદેશ પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષપદે કામ કર્યું. 1965–66 દરમિયાન કેરળ રાજ્યના રાજ્યપાલ રહ્યા. લાલબહાદુર શાસ્ત્રીના અકાળ અવસાનથી ખાલી પડેલ પ્રધાનમંત્રીપદ માટે ઇન્દિરા ગાંધીનું સમર્થન કરવા બદલ રાજ્યપાલ પદ છોડવું પડ્યું. 1969–72 દરમિયાન કૃષિ પંચના અધ્યક્ષપદે કામ કર્યું. થોડાક સમય માટે રાજ્યસભાના સભ્ય રહ્યા. સક્રિય રાજકારણમાં દાખલ થયા પછી ઘણા લાંબા સમય સુધી અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય ચૂંટાતા રહ્યા. 1969માં કૉંગ્રેસમાં ભાગલા પડ્યા પછી સક્રિય રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી.

ઉત્તરપ્રદેશ જમીનદારી નિર્મૂલન પંચ તથા આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. વિશેષ ભરતી બોર્ડના સભ્ય, ઉત્તરપ્રદેશ પોલીસ આયોગ અને કૃષિ યુનિવર્સિટીના અધ્યક્ષ જેવાં પદો પર પણ તેમણે કામ કર્યું.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘યુ. પી. ટેનન્સી લૉઝ’ અને ‘કાશ્મીર વૉટ રિયલી હૅપન્ડ’ આ બે પુસ્તકો તથા રફી એહમદ કિડવાઇનું ચરિત્ર નોંધપાત્ર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે