જેલમ (નદી) : પંજાબની પાંચ પ્રખ્યાત નદીઓમાંની એક. તે સિંધુ નદીમાં પાણી ઠાલવે છે. પંજાબના પશ્ચિમ છેડે આવેલી છે. લંબાઈ આશરે 720 કિમી. છે. કાશ્મીર રાજ્યની બનિહાલ ખીણની તળેટીમાં તેનો ઉદગમ છે અને પીર પંજાલ પર્વતના ઉત્તર તરફના ઢાળ પરથી કાશ્મીરની ખીણોમાંથી પસાર થઈ અનંતનાગ તથા શ્રીનગર પાર કરી વાયવ્ય દિશા તરફ વળે છે અને વુલર સરોવરમાં પાણી ઠાલવે છે. ત્યાંથી સોપોરની બહારથી નૈર્ઋત્ય દિશામાં વળે છે અને પીર પંજાલની ઊંડી ખીણમાંથી પસાર થઈને ફરી વાયવ્ય દિશામાં વળાંક લે છે. મુર્શિદાબાદમાં કિશનગંગા નદી સાથે તેનો સંગમ થાય છે. ત્યાર પછી દક્ષિણ તરફ તે વળે છે અને ભારતપાકિસ્તાનના સરહદી વિસ્તારો વટાવી પૂંચ નદીને મળે છે. ત્યારબાદ પાકિસ્તાનના મીરપુર ખાતે આવે છે. નૈર્ઋત્ય તરફનું જેલમ નગર પાર કરીને તે ખુશાબ ખાતે દક્ષિણવાહિની બને છે. માંગલા ખાતેની શિવાલિક પર્વતશ્રેણી છેદીને તે મેદાની વિસ્તારમાં વહે છે અને ત્રિમ્મુ ખાતે ચિનાબ નદીને મળે છે. પાકિસ્તાને જેલમના નીચલા પ્રવાહનો ઉપયોગ સિંચાઈ તથા જળવિદ્યુતશક્તિના સર્જન માટે કર્યો છે.
જેલમ નદીના બન્ને કિનારે શ્રીનગર વિકસેલું છે. તે શ્રીનગરની જીવાદોરી ગણાય છે. જલવિહાર દ્વારા અહીં મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિઓ થાય છે. જેલમ પર નવ જેટલા પુલો આવેલા છે. શ્રીનગરના એક છેડે 8 કિમી. લાંબું અને 4 કિમી. પહોળું ડાલ(દાલ) સરોવર આવેલું છે. નગરનો આધુનિક વિસ્તાર આ નદીની દક્ષિણે આવેલો છે. જેલમ સાથે વુલર સરોવર અને નગીના સરોવર જેવાં અનેક સરોવરો સંકળાયેલાં છે. મોગલ યુગની અનેક મસ્જિદો અને મઝારો તેમજ કેટલાંક હિન્દુ મંદિરો આ નદીને કિનારે આવેલાં છે. નદીના ઉત્તર છેડે આવેલું વુલર સરોવર ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું પ્રાકૃતિક સરોવર છે.
કાશ્મીરની લોકમાતા તરીકે ઓળખાતી પુરાણ-પ્રસિદ્ધ વિતસ્તા એ જ જેલમ. જેલમ જ્યાંથી નીકળે છે તેની પાસે જહાંગીરે અષ્ટકોણ જળાશય બંધાવેલ હતું. શાહજહાંએ 1620માં ત્યાં સુંદર ઉદ્યાન બંધાવ્યું. ભારત અને પાકિસ્તાન સાથે થયેલ કરાર અનુસાર સિંધુ, જેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવે છે.
મહેશ મ. ત્રિવેદી