જેલ (gel) : ઘણાં દ્રવરાગી (lyophilic) કલિલો (colloids) દ્વારા દ્રાવકને પોતાનામાં સમાવી લઈ ઉત્પન્ન કરાતી એક પ્રકારની ઘન અથવા અર્ધઘન જાલપથ (network) સંરચના. સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્ર વડે ન દેખી શકાય તેવી રીતે દ્રાવકમાં વિચ્છિન્ન થયેલા કણો ધરાવતો સુશ્લિષ્ટ (coherent) જથ્થો એમ પણ કહી શકાય. જેલ (gel) એ એક પ્રકારનાં એવાં કલિલો છે કે જેમાં પ્રવાહી માધ્યમ એવું સ્નિગ્ધ બની ગયું હોય છે કે તે ઓછેવત્તે અંશે ઘન તરીકે વર્તી શકે. તેમાં ઘન પદાર્થોનું પ્રમાણ ઓછું ( < 10 %) અને પ્રવાહીનું વધારે (> 90 %) હોય છે. કોઈ કોઈ કિસ્સામાં દ્રાવક 99 % કરતાં પણ વધુ હોય છે. દા. ત., ઘટ્ટીભૂત (coagulated) લોહીમાં ઘન પદાર્થ 0.1 % જેટલો જ હોય છે.

જેલ બનાવનાર ઘટક તરીકે સરેશ, અગાર, સ્ટાર્ચ, પૅક્ટિન જેવા પદાર્થો હોય છે. દા. ત., ટેબલ જેલી બનાવવા સરેશ(એ નામનું પ્રોટીન)નો ઉપયોગ થાય છે. જૅમ(મુરબ્બા)ને જેલીરૂપ આપવા પૅક્ટિન (કાર્બોહાઇડ્રેટ વ્યુત્પન્ન) વપરાય છે. બૅક્ટેરિયા જીવાણુના અભ્યાસ માટે વપરાતી અગાર પ્લેટ એ 1 %થી 2 % અગાર (કેટલીક દરિયાઈ વનસ્પતિમાંથી મેળવાતો કાર્બોહાઇડ્રેટ બહુલક) દ્વારા યોગ્ય પોષક માધ્યમના જેલીકરણ(gelalion)થી મળતો અર્ધઘન પદાર્થ છે. સરેશ અને અગાર જેવા પદાર્થોને પાણીમાં ઓગાળવાથી બનેલા દ્રાવણ અથવા સોલ(sol)ને ઠંડું પાડતાં તે જેલમાં ફેરવાય છે, જ્યારે ઈંડાંની સફેદી અને બ્લામાંજ(blancmange)નું જિલેશન તેમને ગરમ કરવાથી થાય છે. બંને કિસ્સામાં એમ માની શકાય કે જેલ બનાવનાર પદાર્થની દ્રાવ્યતા ઘટવાને લીધે અલગ અલગ અણુઓ વચ્ચે આંતરજોડાણો થાય છે.

જેલનું વર્ગીકરણ ઘન પદાર્થ તરીકે થાય છે કારણ કે તેનું વહન થતું નથી અને તે સ્થિતિસ્થાપકતા ધરાવે છે. જોકે સામાન્ય ઘન પદાર્થ જેટલી તે ર્દઢ (rigid) હોતી નથી. જેલને કાંઈક અંશે અતિશીત કરેલા પ્રવાહી તરીકે પણ ગણાવી શકાય. જેલમાંથી પ્રવાહીની છૂટા પડી જવાની ક્રિયાને લીધે જેલ સંકોચન પામે છે તેને સંકોચ-પાર્થક્ય (synerisis) કહે છે.

સોલનું જિલેશન નીચેની લાક્ષણિકતાઓ ધરાવે છે : (i) જામવાનો (setting) સમય, (ii) જિલેશન માટેનું તાપમાન, (iii) જામવા માટેનું ક્રાંતિક સંકેન્દ્રણ અને (iv) સ્નિગ્ધતા વધવાનો દર. સોલ જેલમાં ફેરવાય ત્યારે ઉષ્માના ફેરફારો નહિવત્ હોય છે. આ ઘટનાને સમતાપીય સોલ-જેલ રૂપાંતર કહે છે. માટી જેવી જેલ કે જે રકાબી જેવા કણો ધરાવે છે તેને હલાવતાં તે સોલમાં ફેરવાય છે પણ આ સોલને રાખી મૂકતાં તે પાછી જેલમાં ફેરવાય છે. આ ઘટનાને કંપાનુવર્તિતા (thixotropy) કહે છે. આથી ઊલટી ઘટનાને પ્રવાહગાઢતા (rheopexy) કહે છે જેમાં સોલને હલાવવાથી કે તેમાં કંપનો પેદા કરવાથી તેનું જિલેશન થાય છે.

જેલ-સંરચના માટે બે સમજૂતી આપવામાં આવે છે. મધપૂડા સિદ્ધાંત મુજબ એમ માનવામાં આવે છે કે સળંગ અવસ્થા ઘનની છે અને તેના અણુઓના જાળીપથ વચ્ચેની તિરાડો કે છિદ્રોમાં પ્રવાહી ભરાયેલું રહે છે. બ્રશ પુંજ (brush heap) સિદ્ધાંત (કે જે સામાન્ય જેલ માટે સાચો છે) પ્રમાણે પ્રવાહી એ સળંગ અવસ્થા છે અને તેમાંનાં છિદ્રોમાં ઘનના કણો ગોઠવાયેલા હોય છે.

કેટલીક જેલ પૂરક (filler) તેમજ ઉદ્દીપકને ટેકવવા માટે વપરાય છે. સિલિકા જેલ જલશુષ્કક તરીકે વપરાય છે. ખાદ્ય પદાર્થોમાં જેલનો ઉપયોગ જાણીતો છે.

જ. દા. તલાટી