જેલરપ, કાર્લ ઍડોલ્ફ

January, 2012

જેલરપ, કાર્લ ઍડોલ્ફ (જ. 2 જૂન 1857, ડેન્માર્ક; અ. 13 ઑક્ટોબર 1919, જર્મની) : ડેનિશ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર. ડેનમાર્કમાં રોહોલ્ટના વતની. તેમનાં માતાપિતા ખ્રિસ્તી સાંપ્રદાયિક કુટુંબનાં હતાં. પિતા પાદરી હતા. પણ જેલરપે ધર્મોપદેશકની જીવનશૈલીના તમામ ખ્યાલો છોડી દીધા હતા. 1874માં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા બાદ કોપનહેગન યુનિવર્સિટીમાં નીતિશાસ્ત્રનો અભ્યાસ કરી સૌંદર્યશાસ્ત્રમાં રસ કેળવ્યો. સ્કીલર અને હેનરિક હેઇનની કૃતિઓમાં ઊંડો રસ લીધો. 1878માં નીતિશાસ્ત્રમાં અનુસ્નાતક ડિગ્રી મેળવી.

જેલરપે એપિગોનસના ઉપનામથી ‘ઍન આઇડિયાલિસ્ટ’ (1818) નવલ લખી. આ નવલકથામાં તેમના દેશબંધુ હોલજર ડ્રેકમાનનો પ્રબળ પ્રભાવ જણાય છે. ત્યારપછીની જેલરપની કૃતિઓ ખ્રિસ્તી રૂઢ મતવાદ અને અગ્રણી ડેનિશ વિવેચક જ્યૉર્જ બ્રાન્ડસે આરંભેલ મુક્ત વિચારધારા વચ્ચેના સંઘર્ષ સાથે સંકળાયેલી છે. તેમનો કાવ્યસંગ્રહ ‘રેડ હૉથૉર્ન’ (1881) બ્રાન્ડસને અર્પણ કરવામાં આવ્યો હતો. તેમનાં કાવ્યોમાં હેઇન, શેલી, બાયરન અને સ્વિનબર્નની અસર જોવા મળે છે. 1881માં તેમણે ડાર્વિનના નિયતિવાદ(determinism)ના સિદ્ધાંતને રજૂ કરતું ‘હેરેડિટી ઍન્ડ મૉરાલિટી’ બહાર પાડ્યું. આને કારણે તેમને ધાર્મિક વડાઓ તરફથી ઉપાલંભ વેઠવો પડ્યો. 1882માં નીતિશાસ્ત્રનો નાતો ફગાવી દેતી નવલકથા ‘ધ ડિસાઇપલ ઑવ્ ધ જર્મન્સ’ લખી. આ નવલે પણ કોપનહેગનમાં થોડો વિવાદ સર્જ્યો.

નીતિશાસ્ત્રવિરોધી તબક્કા પછી જેલરપે જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ગ્રીસ અને રશિયાનો બહોળો પ્રવાસ ખેડ્યો. પ્રવાસથી તેમનો જીવન પ્રત્યેનો અભિગમ વિસ્તૃત થયો અને જેલરપે પ્રતિક્રિયા રૂપે નિસર્ગવાદ(naturalism)ની વિરુદ્ધ સ્કીલર, શોપનહાવર, વેગ્નર અને બૌદ્ધ ફિલસૂફીનાં તત્ત્વોને સમાવી લેતી આદર્શવાદી ફિલસૂફી અપનાવી.

1892માં જેલરપ ડ્રેસ્ડન ગયા અને મૃત્યુપર્યંત ત્યાં રહ્યા. ડ્રેસ્ડનમાં તેમણે તેમની અગત્યની નવલ ‘ધ મિલ’ (1896) લખી. આ નવલ એમિલ ઝોલાની ‘જરમિનલ’ જેવી અસરકારક નીવડી. 1890ના મધ્યમાં શોપનહાવરની અસર હેઠળ જેલરપ તેમના શરૂઆતના વધુ પડતા તનાવયુક્ત વ્યક્તિવાદ અને વીરપૂજામાંથી બુદ્ધના ત્યાગના સિદ્ધાંત તરફ વળ્યા. તેમણે જુદા જુદા સાહિત્યપ્રકારોનું ખેડાણ કર્યું. આ કૃતિઓમાં જર્મન, પ્રશિષ્ટ અને ભારતીય પશ્ચાદભૂમિકા અને વિષયોને પ્રાધાન્ય આપ્યું છે. તેમનાં છેલ્લાં વર્ષોમાં જેલરપ ખ્રિસ્તી ધર્મ તરફ વળે છે. તેમની નવલ ‘ધ પિલગ્રિમ કમાન્ટીઆ’ (1911) સ્થાયી અસર ધરાવે છે. આ નવલકથા માટે 1917માં જેલરપ અને ડેનિશ લેખક પાન્ટાપીડનને નોબેલ પ્રાઇઝ સંયુક્ત રીતે એનાયત થયેલું.

મંજુલા વર્મા