જેરિકો : નવાશ્મયુગીન અવશેષો તેમજ વિશ્વમાં સતત માનવવસ્તી ધરાવતું દુનિયાનું સૌથી પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન 31° 52’ ઉ. અ. અને 35° 2.7’ પૂ. રે. પશ્ચિમ જૉર્ડનમાં મૃત સરોવરના ઉત્તર છેડાની વાયવ્યે 11 કિમી. દૂર તે આવેલું છે. તે પેલેસ્ટાઇન વિસ્તારમાં વેસ્ટ બૅંક ખાતે જોર્ડન નદીનાકાંઠે સ્થિત થયેલું આરબ શહેર છે. શહેરની પૂર્વ બાજુએ 10 કિમી. દૂર જૉર્ડન નદી વહે છે. જેરૂસલેમ તેની નૈર્ઋત્યે 25 કિમી. દૂર છે. દરિયાની સપાટીથી 250 મી. નીચાણમાં આવેલું સપાટ મેદાન કાંપનું બનેલું છે અને પૂર્વ આફ્રિકાથી શરૂ થતી લાંબી સાંકડી ફાટખીણ(rift valley)નો તે ભાગ છે. જેરિકોથી 13 કિમી. દૂર ક્યુરાન્ટાન પર્વત છે. ઉનાળામાં જેરિકોની આબોહવા ગરમ અને સૂકી હોય છે. શિયાળામાં સરેરાશ 250 મિમી. જેટલો વરસાદ પડે છે. ઘાસ, નાના છોડો અને વસંતમાં ખીલતાં ફૂલોના છોડવા પૂરતી વનસ્પતિ મર્યાદિત છે. અહીં જૉર્ડન નદીની સિંચાઈથી લીંબુ, તરબૂચ, કેળાં, શાકભાજી અને ઘઉં થાય છે. મૃત સરોવર મીઠાનો ખજાનો છે. આ શહેર વેપારી કેન્દ્ર છે અને જૉર્ડનની રાજધાની અમાનથી જેરૂસલેમ જતા માર્ગ ઉપર આવેલું મહત્વનું પ્રવાસધામ છે. તે ભૌગોલિક રીતે ફાટખીણ અને ઇસ્ડ્રેલોનના મેદાન દ્વારા ઇઝરાયલના હાઈફા સાથે જોડાયેલું છે. જેરિકો શહેરથી 19 કિમી. દૂર કુમરાન ગુફાઓ આવેલી છે, જ્યાંથી પ્રાચીન ઇતિહાસ અંગેના વીંટા મૃત સરોવરમાંથી મળી આવ્યા હતા.
જેરિકો નજીક મૃત સરોવરથી ઉત્તરે 10 કિમી. દૂર જૉર્ડન નદીના પશ્ચિમ કિનારે ટેલ અલ સુલતાન નામનું સ્થળ મળ્યું છે; જે પુરાતત્ત્વવિદોએ શોધેલાં શહેરો પૈકી સૌથી જૂનું છે. અહીંથી ઈ. સ. પૂ. દસ સહસ્રાબ્દી જેટલા પ્રાચીન નાટુફિયન સંસ્કૃતિના અવશેષરૂપ મંદિરના અવશેષો મળ્યા છે. ઈ. સ. પૂ. 8000માં તેનો વધુ વિકાસ થયો હતો. અહીં નવ્ય પાષાણયુગની મૃત્પાત્રોની સંસ્કૃતિ પહેલાંના (pre-pottery) એસિરેમિક સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. અહીં 5.2 મી. ઊંચી જાડી દીવાલ મળી છે, જે મૂળ વસાહતને ફરતી હતી. તેની પશ્ચિમ બાજુએ 7 મી. ઊંચો ગોળ ટાવર છે. તેની અંદરના ભાગમાં પગથિયાંની હારમાળા છે.
ઈ. સ. પૂ. 1560માં મિસરના લોકોએ હિક્સોસ લોકો ઉપર આક્રમણ કરીને આ શહેરનો નાશ કર્યો હતો. કાંસ્ય યુગના અંતિમ કાળના તથા તે પછીના કાળના અવશેષો મોટા ભાગે ધોવાઈને નાશ પામ્યા છે. બાઇબલમાં વર્ણવાયેલ કાનનાઇટ રાજાઓનો આ શહેરના જોશુઆએ ઈ. સ. પૂ. 1400માં નાશ કર્યો હતો. ત્યારબાદ હીલે બંધાવેલ નવું જેરિકો પયગંબરોનું નિવાસસ્થાન બન્યું હતું. પાછળથી સીરિયનોએ તે કબજે કર્યું હતું. બેક્કેહીડેસે તેના ફરતી કિલ્લેબંધી કરી હતી. પૅલેસ્ટાઇનના રાજા હેરોડને આ શહેર મિસરની રાણી ક્લિયોપેટ્રા પાસેથી મળ્યું હતું. તેના પતિ માર્ક ઍન્ટનીએ જૂના શહેરની દક્ષિણે નવું શહેર વસાવ્યું હતું. અહીં ઘોડદોડનું મેદાન, રંગમંડપ, રાજાનો મહેલ તથા ભવ્ય બગીચાઓ અસ્તિત્વમાં આવ્યાં હતાં. આરબો તથા ઈરાનીઓએ તેનો નાશ કર્યો હતો. તુર્કસ્તાનના સુલતાન સલાદ્દીને જેરૂસલેમના રાજાને હરાવીને આ શહેર કબજે કર્યું ત્યારે તે એક સમૃદ્ધ શહેર હતું. તુર્કશાસન દરમિયાન સિંચાઈ માટેની નહેરો પુરાઈ જતાં જેરિકોનું મેદાન રણમાં ફેરવાઈ ગયું. ધર્મયુદ્ધ દરમિયાન અહીં અનેક મકાનો બંધાયાં હતાં. વીસમી સદી દરમિયાન અહીં ગ્રીક અને લૅટિન ચર્ચ, રશિયન મઠ તથા કેટલીક હોટેલો બંધાઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કસ્તાનને હરાવીને 1920માં ઇંગ્લૅન્ડે જેરિકો તથા પૅલેસ્ટાઇન કબજે કર્યું હતું. 1948 બાદ પૅલેસ્ટાઇનના ભાગલા પડ્યા અને ઇઝરાયલનો જન્મ થયો હતો. જેરિકો તથા જૉર્ડન નદીનો પશ્ચિમ કાંઠાનો પ્રદેશ ઇઝરાયલ સાથેનાં આરબ રાષ્ટ્રોનાં યુદ્ધ દરમિયાન જૉર્ડને કબજે કર્યો હતો. 1967માં ફરી ઇઝરાયલ અને આરબ રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થતાં તે ઇઝરાયલના કબજા નીચે આવેલ છે.
ઈ. સ. 1868માં ચાર્લ્સ વોરને, 1907–1908 દરમિયાન વાર્ટઝીંગો અને અર્નેસ્ટ સેલિને તથા 1929–35 દરમિયાન જૉન ગારસ્ટેંગે નવ્ય પાષાણયુગના અવશેષો તથા ગોળ ટાવર, પથ્થરની દીવાલ અને હેરોડના તથા ગ્રીક કિલ્લાના અવશેષો શોધ્યા હતા.
નવા આરબ રાજ્યની રચના થતાં જેરિકો પુન: આરબ પ્રદેશમાં સમાવિષ્ટ થવાની શક્યતા છે. આરબ-ઇઝરાયલ વચ્ચે 4 મે, 1994માં થયેલ સમજૂતી મુજબ ત્યાં આરબ નેતા યાસેર અરાફતના નેતૃત્વ હેઠળ પૅલેસ્ટાઇન મુક્તિ મોરચા(PLO)ના નેજા હેઠળ સ્વાયત્ત શાસન દાખલ કરવામાં આવ્યું છે.
2001માં જેરિકો પર ઇઝરાયલી દળોએ કબજો કર્યો. ત્યારે શહેરના મોટા ભાગના વિસ્તારમાં બે મીટર ઊંડી ખાઈ ઇઝરાયલે બાંધી હતી જેથી પેલેસ્ટાઇન તરફથી માનવીય અને અન્ય અવરજવર પર અંકુશ લાદી શકાય.
2009માં પેલેસ્ટાઇનના વડાપ્રધાન સલામ ફ્યાદ અને અમેરિકાના નાર્કોટિક્સ વિભાગના નાયબ સચિવ ડૅવિડ જ્હોન્સને ‘પ્રેસિડેન્શિયલ ગાર્ડ ટ્રેનિંગ સેન્ટર’નું જેરિકો ખાતે ઉદઘાટન કર્યું હતું. અલબત્ત, પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે જેરિકો શહેર અવારનવાર યુદ્ધની પરિસ્થિતિનો ભોગ બને છે. વસ્તી 20,416 (2022) છે.
શિવપ્રસાદ રાજગોર
રક્ષા મ. વ્યાસ