જેરૂસલેમ : ઇઝરાયલનું પાટનગર તથા યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનોનું ધાર્મિક સ્થાન. ભૌગોલિક સ્થાન 31° 46’ ઉ. અ. અને 35° 14’ પૂ. રે.. ઈ. પૂ. 1000 વર્ષે રાજા ડૅવિડે આ નગરને ઇઝરાયલની ભૂમિના પાટનગર તરીકે જાહેર કર્યું, ત્યારથી તે વિશ્વના યહૂદીઓ માટે ઐતિહાસિક, આધ્યાત્મિક તથા રાષ્ટ્રગૌરવના સ્થાન તરીકે ખ્યાતિ પામ્યું છે. વસ્તી 8,51,400 (2005), ભૌગોલિક વિસ્તાર 653 ચોકિમી. (પૂર્વ જેરૂસલેમ સહિત), સમુદ્રતલથી ઊંચાઈ 732 મી. જુડાકન ટેકરીઓ વચ્ચે, ભૂમધ્ય સાગરથી 55 કિમી. અંતરે તે વસેલું છે. પરંપરા અનુસાર નગરનું નામ હિબ્રૂ ભાષાના બે શબ્દોના સંયોજનથી પાડવામાં આવ્યું છે : ‘irs’ એટલે નગર તથા ‘shalom’ એટલે શાંતિ. આમ જેરૂસલેમ એટલે શાંતિનું નગર. 1948ના ઇઝરાયલ અને જૉર્ડન વચ્ચેના યુદ્ધના પરિણામે નગરના બે ભાગ પડ્યા. પશ્ચિમ જેરૂસલેમ ઇઝરાયલના કબજામાં અને પૂર્વ જેરૂસલેમ જૉર્ડનના કબજા હેઠળ ગયું. 1967ના ઇઝરાયલ-અરબ યુદ્ધમાં ઇઝરાયલના લશ્કરે પૂર્વ જેરૂસલેમ પર વિજય મેળવ્યો, જેને પરિણામે નગરના બંને ભાગ ઇઝરાયલના શાસન હેઠળ આવ્યા. પશ્ચિમ જેરૂસલેમનો વિકાસ આધુનિક ઢબે થયો છે. પૂર્વ જેરૂસલેમ જૂના શહેરનો ભાગ છે, જેમાં મોટા ભાગનાં ધાર્મિક સ્થળો આવેલાં છે. પશ્ચિમ જેરૂસલેમની સરખામણીમાં પૂર્વ જેરૂસલેમનો વિસ્તાર બમણો છે અને ત્યાં નગરની કુલ વસ્તીના ¾ લોકો વસે છે. પશ્ચિમ જેરૂસલેમમાં ¾ વસ્તી યહૂદીઓની છે, જેમાંથી અડધી વસ્તી ધરાવતા લોકો 1948માં ઇઝરાયલની સ્થાપના પછી ત્યાં આવીને વસ્યા છે. બાકીના ¼ લોકોમાં મુસલમાનો તથા ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે. પૂર્વ જેરૂસલેમમાં બધા જ અરબો છે, જેમાં 45 મુસલમાનો છે. હિબ્રૂ, અરબી તથા અંગ્રેજી એ ત્રણ ભાષાઓ વધુ પ્રચલિત છે.

જેરૂસલેમ શહેરનું ર્દશ્ય

નગરનું સરેરાશ તાપમાન જાન્યુઆરી માસમાં 13° સે. અને જુલાઈ માસમાં 24° સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 510 મિમી. પડે છે.

નગરના મોટા ભાગના ઔદ્યોગિક એકમો પશ્ચિમ જેરૂસલેમમાં વિકસ્યા છે. તેમાં હીરાનું પૉલિશિંગ, ખાદ્ય પદાર્થોની પ્રક્રિયા, રસાયણ, પ્લાસ્ટિકની બનાવટો, યંત્રો, ચામડાની વસ્તુઓ, વસ્ત્રો, છાપકામ એકમો ઉપરાંત ચાંદીનાં વાસણો, કાષ્ઠની વસ્તુઓ, કુંભારકામ, ભરતકામ જેવા હસ્તઉદ્યોગો નોંધપાત્ર છે. પૂર્વ જેરૂસલેમમાં હળવી તથા વપરાશી વસ્તુઓના ઉત્પાદન એકમો ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ પામ્યા છે.

નગરમાં બધી જ વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓ છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ હિબ્રૂ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.

નગરનો સ્થાનિક વહીવટ 21 સભ્યો ધરાવતી નગરપાલિકા કરે છે. તેનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. મેયર તેના વડા છે. નગરપાલિકાની મોટા ભાગની આવક પ્રવાસન ઉદ્યોગમાંથી મળે છે, જે નગરનો મુખ્ય ઉદ્યોગ ગણાય છે. પશ્ચિમ જેરૂસલેમ વિભાગમાં રાજા ડૅવિડનો મકબરો તથા ઈસુએ જ્યાં અંતિમ ભોજન (last supper) કર્યું તે કક્ષ (cinacle) આવેલા છે. પૂર્વ વિભાગમાં ઉદ્યાનો, રમતગમતનાં મેદાનો, વિદ્યાલયો, યુવા મંડળોનાં મકાનો તથા રહેવાસ માટેની અદ્યતન ઇમારતો વિકસી છે. 1967માં પૂર્વ વિસ્તાર પર ઇઝરાયલનું આધિપત્ય થયા પછી તે વિસ્તારનો વિકાસ થયો છે.

બાઇબલકાળથી જ ધાર્મિક સ્થળ તરીકે નગરનો મહિમા હતો. ઈ.પૂ. 1000માં યહૂદીઓના કબીલાઓના પાટનગર તરીકે રાજા ડૅવિડે તેની પસંદગી કરી અને તેના પુત્ર સૉલોમને નગરમાં પ્રથમ દેવળ બાંધ્યું ત્યારથી યહૂદીઓ માટે તે પવિત્ર સ્થળ બન્યું. આ જ નગરમાં ઈસુના જીવનની કેટલીક મહત્વની ઘટનાઓ બની અને ત્યાં જ તેમને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા, તેને લીધે ખ્રિસ્તીઓ માટે પણ તે પવિત્ર સ્થળ બન્યું. આ જ સ્થળેથી મહંમદ પયગમ્બરે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું હતું એવી મુસલમાનોની માન્યતા હોવાથી મક્કા અને મદીના પછી વિશ્વના ત્રીજા પવિત્ર સ્થળ તરીકે તેઓ આ નગરની ગણના કરે છે.

નગરનો ઇતિહાસ 4000 વર્ષ પૂર્વે પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થાય છે. ઈ. પૂ. 1000 આસપાસ રાજા ડૅવિડે આ નગરને પોતાના સામ્રાજ્યની રાજધાની બનાવી. ઈ. પૂ. 900માં તેના બે ભાગ પડ્યા. જુડાએ તેને પોતાના સામ્રાજ્યનું પાટનગર બનાવ્યું. ઈ.પૂ. 587/586માં તેના પર બૅબિલોનિયાના રાજ્યકર્તાઓનું શાસન સ્થપાયું. તેમણે સૉલોમને બનાવેલા દેવળનો નાશ કર્યો અને સંખ્યાબંધ યહૂદીઓને ગુલામ બનાવ્યા. ઈ. પૂ. 538માં યહૂદીઓએ ફરી વાર દેવળ બાંધ્યું. ઈ. પૂ. 400માં નગર પર દેવળના ધર્મગુરુઓનું વર્ચસ્ દાખલ થયું અને તે પછીના શાસકોએ ધર્મગુરુઓની સત્તા માન્ય રાખી. ઈ. 900 અને 1000 વચ્ચેના ગાળામાં મુસલમાનોએ તેના પર વર્ચસ્ સ્થાપિત કરવા માટે સંઘર્ષ કર્યો. 1099માં યુરોપના ખ્રિસ્તીઓના લશ્કરી અભિયાનના પરિણામે નગર પર ખ્રિસ્તીઓનું આધિપત્ય સ્થપાયું. 1187માં મુસલમાનોએ ફરી તેના પર કબજો કર્યો. 1517માં તેના પર તુર્ક લોકોએ પોતાનું શાસન સ્થાપિત કર્યું. 1800 સુધી દીવાલથી ઘેરાયેલું આ નગર ચાર વિભાગમાં વહેંચાયેલું રહ્યું : યહૂદીઓનો વિભાગ, મુસલમાનોનો વિભાગ, ખ્રિસ્તીઓનો વિભાગ અને આર્મેનિયન વસ્તીનો વિભાગ. 1800 પછી યહૂદીઓની વસ્તીમાં ઝડપભેર વધારો થતાં, તેમણે દીવાલની બહારના વિસ્તારમાં પોતાના નિવાસો ઊભા કર્યા. 1875 સુધી નગરમાં યહૂદીઓની બહુમતી સ્થાપિત થઈ. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન 1917માં બ્રિટિશ લશ્કરે તેના પર કબજો કર્યો. 1920માં મિત્રરાષ્ટ્રોએ પૅલેસ્ટાઇનને ગ્રેટ બ્રિટન હસ્તકના આદેશિત પ્રદેશ (mandatory territory) તરીકે જાહેર કર્યો. 1920–47 દરમિયાન આ પ્રદેશમાં અરબો અને યહૂદીઓ વચ્ચે સત્તા માટે સતત સશસ્ત્ર સંઘર્ષ ચાલતો રહ્યો. 1947માં બ્રિટિશ સરકારે સંયુક્ત રાષ્ટ્રસંઘને આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે પહેલ કરવાની વિનંતી કરી. તે જ વર્ષે રાષ્ટ્રસંઘે આ પ્રદેશ પરના બ્રિટિશ શાસનનો અંત લાવવાનો તથા અરબો અને યહૂદીઓ વચ્ચે પૅલેસ્ટાઇનના ભાગલા પાડવાનો નિર્ણય કર્યો. જેરૂસલેમને રાષ્ટ્રસંઘ હસ્તક આંતરરાષ્ટ્રીય નગરનો દરજ્જો બક્ષ્યો. દરમિયાન યહૂદીઓએ પ્રદેશ પર આધિપત્ય જમાવી દઈને 1948માં સ્વતંત્રરાષ્ટ્ર તરીકે ઇઝરાયલની વિધિસર સ્થાપના કરી. નગરનો પશ્ચિમ ભાગ તેનું પાટનગર બન્યું. 1967ના અરબ–ઇઝરાયલ યુદ્ધના પરિણામે નગરના બધા વિસ્તારો પર ઇઝરાયલનો કબજો થયો. 1980માં સમગ્ર નગરને ઇઝરાયલનું પાટનગર જાહેર કરવામાં આવ્યું અને નગરના બધા જ વિભાગો પર સમાન કાયદા લાગુ કરવા માટે જુલાઈ 1980માં ઇઝરાયલની સંસદે ઠરાવ પસાર કર્યો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે