જેઠીમધનું મૂળ (liquorice root) (આયુર્વિજ્ઞાન)

જેઠીમધનું મૂળ (liquorice root) (આયુર્વિજ્ઞાન) : ખાંસી- (ઉધરસ)ની સારવાર તથા દવાને મીઠી બનાવવા માટે વપરાતું પરંતુ શરીરમાં સોજો લાવતું અને લોહીનું દબાણ વધારતું આયુર્વેદિક ઔષધ. જેઠીમધનું મૂળ (glycyrrhiza radix) ગળ્યા (મીઠા) સ્વાદવાળું, ખૂબ વપરાતું આયુર્વેદિક ઔષધ અથવા ઘરગથ્થુ દવા તરીકે વપરાતું દ્રવ્ય છે. તે ગ્લિસરાઇઝા ગ્લેબ્રા નામની વનસ્પતિનું મૂળ છે. તેનો ભૂકો પીળા માટોડી રંગનો હોય છે. એક સમયે તે ખાંસીમાં ગળાનો ચચરાટ શમાવતી ગોળીઓ(lozenges)માં પણ વપરાતું હતું. તે કફને પાતળો કરીને બહાર કાઢવામાં પણ ઉપયોગી ગણાય છે. દવાઓ અને ગોળીઓનો સ્વાદ મીઠો કરવા માટે તથા સારી સુગંધ ઉમેરવા માટે પણ તેનો ઉપયોગ થતો હતો. તે માટે તેને સોડિયમ સેલિસિલિટ સાથે ભેળવીને દવાઓના રંગમાં થતો ફેરફાર પણ ઘટાડવામાં આવતો હતો. સોનાપત્તી (senna) અને સલ્ફર સાથેનું તેનું મિશ્રણ જુલાબ તરીકે વપરાતું હતું; પરંતુ તે શરીરમાં સોડિયમ આયનો અને પાણીનો સંગ્રહ કરાવીને સોજા લાવે છે અને લોહીનું દબાણ વધારે છે તેવાં બ્રોસ્ટ, ડી વ્રાઇઝ, ટેન હોલ્ટના 1953ના સંશોધને તેના ઉપર જણાવેલ ઉપયોગોમાં ઘટાડો કર્યો છે. જોકે થોડા પ્રમાણમાં ગ્લુકોકૉર્ટિકોઇડ સાથે આપીને તેનો ઍડિસનના રોગની સારવારમાં ઉપયોગ કરવાના પ્રયત્નો થયા હતા. પાછળથી અન્ય સંશોધનોને કારણે ગ્લિસેરિઝાનાં કેટલાંક સક્રિય તત્વને દૂર કરીને તેના અગ્લિસરાઇઝાકૃત (deglycyrrhizide) રૂપને અન્ય દવાઓથી થતી ઊલટી રોકવા માટે વપરાશમાં લેવામાં આવે છે; દા. ત., નાઇટ્રોક્યુરોન્ટોઇન. ગ્લિસિરેટિનિક ઍસિડનો ડાયસોડિયમ ક્ષાર કાર્બેનોક્સોલોન સોડિયમ છે. એક સમયે તેનો ઉપયોગ ઍડિસનના રોગમાં, આમવાતી સંધિશોથ (rheumatoid arthritis) તથા જઠરના પેપ્ટિક વ્રણ(ulcer)ના ઉપચારમાં થતો હતો. જોકે તેની સોજા કરવાની અને લોહીનું દબાણ વધારવાની આડઅસરોને કારણે હાલ તેનો આ ઉપયોગ થતો નથી.

શિલીન નં. શુક્લ