જેડ : રત્ન તરીકે ઉપયોગી ખનિજ. ઍમ્ફિબૉલ(ટ્રેમોલાઇટ/ ઍક્ટિનોલાઇટ)નો લીલા રંગવાળો ર્દઢ ઘનિષ્ઠ પ્રકાર. મુખ્યત્વે અલંકારોમાં વપરાય છે. જેડનો અન્ય પ્રકાર જેડાઇટ. સોડિયમ-ઍલ્યુમિનિયમ સિલિકેટ, પાયરૉક્સિન છે, તે જવલ્લે જ મળે છે. મરકતમણિને નામે ઉપરત્ન તરીકે ખપે છે. નરમ જેડ, નૂતન જેડ અથવા સર્પેન્ટાઇન કે કોરિયન જેડ, ટ્રાન્સવાલ જેડ અથવા ગ્રૉસ્યુલેરાઇટ, કૅલિફૉર્નિયન જેડ અથવા ઇડોક્રેઝ, મેક્સિકન જેડ અથવા કૅલ્શાઇટ અને અસલી જેડ — બધાં જેડના નામ હેઠળ અસલી જેડની કિંમતે વેચાય છે અને ખપે છે. પરદેશી ખરીદનારા માટે કાયદાનાં બંધન નડતાં નથી. તે મૂલ્યવાન અને પાસાં પાડેલાં હોઈ, તાત્કાલિક પરખ માટે ચપ્પુનો ઉપયોગ કરી ખોતરી તો શકાય નહિ, તેથી લેનાર છેતરાય છે. આવાં ખનિજોમાં સમરંગી સર્પૅન્ટાઇન પણ સરળતાથી વેચાઈ જાય છે. કોતરકામ, નકશીકામમાં જેડાઇટ વપરાય છે. બ્રૉમોફૉર્મ( વિ.ઘ. 2.85થી 2.90 )માં અસલી જેડ ડૂબી જતું હોય છે, જ્યારે અવેજીમાં વપરાતા, કહેવાતા રત્નપ્રકારો (સર્પેન્ટાઇન, વિ.ઘ. 2.55થી 2.65) તરી આવે છે. ઍવેન્ચુરાઇન ક્વાર્ટ્ઝ ભારતીય જેડને નામે વેચાય છે, તે પણ બ્રૉમોફૉર્મમાં તરી આવે છે; પરંતુ તે અસલી જેડ કરતાં કઠિન હોય છે. પરિવર્તિત ગૅબ્રો પ્રકારના સોસ્યુરાઇટને પણ જેડ તરીકે ખપાવાય છે.

ગિરીશભાઈ પંડ્યા