જેઠીમધ : દ્વિદળી વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Glucyrrhiza glabra Linn. (સં. યષ્ટિમધુ, હિં. મુલેઠી, અં. લિકોરિસ રૂટ) છે. દવા વગેરેમાં વપરાતાં જેઠીમધનાં મૂળ કે જેઠીમધનું લાકડું છોડનાં ભૂસ્તારી મૂળ અને ભૂમિગત પ્રકાંડ છે.

જેઠીમધનું વાવેતર યુરોપમાં સ્પેન, ઇટાલી, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ અને જર્મનીમાં તથા યુ.એસ.માં થાય છે. રશિયા, ઈરાન અને ઇરાકમાં તે વન્ય છોડમાંથી મેળવાય છે. ભારતમાં તેનું વાવેતર નહિવત્ છે.

જેઠીમધનાં લાકડાં 20થી 30 સેમી. લાંબાં અને 1થી 2 સેમી. વ્યાસવાળાં છોલેલાં અથવા છાલવાળાં હોય છે. છાલવિહીન ઔષધિ ફિક્કા પીળા રંગની હોય છે, જ્યારે છાલવાળી ઔષધિ પીળા તપખીરીથી ઘેરા તપખીરી રંગની હોય છે. જેઠીમધની વાસ લાક્ષણિક હોય છે, જ્યારે સ્વાદ ગળ્યો હોય છે.

જેઠીમધમાં મુખ્યત્વે 2.5 % થી 7 % ગ્લિસરાઇઝિન (ગ્લિસરાઇઝિક ઍસિડ) છે, જે સેપોનિન ગ્લાયકોસાઇડ છે અને ખાંડ કરતાં 40 ગણો ગળ્યો છે. ગ્લિસહ્રિઝિક ઍસિડના જલઅપઘટનથી ગ્લિસરાઇઝિક ઍસિડ મળે છે, જે ટ્રાઇટર્પિનૉઇડ સેપોનિન છે. આ ઉપરાંત જેઠીમધમાં આઇસોમેલિક્વિરિટિન, આઇઝોલિક્વિટિટિજેનિન, લિક્વિરિટિન, લિક્વિરિટિજેનિન, ગ્લિસરિમેરિન, ગ્લુકોઝ, સુક્રોઝ, ઍસ્પેરેજિન, β-સિટોસ્ટૅરોલ, કૅલ્શિયમ ઑક્ઝેલેટ અને સ્ટાર્ચ વગેરે છે.

સૌરાષ્ટ્રનું જેઠીમધ : તે Taverniera cunifoliaનાં મૂળ છે. તે લિગ્યુમિનોસી કુળની વનસ્પતિ છે. તે સૌરાષ્ટ્રમાં સાવરકુંડલાની આસપાસ થાય છે. મૂળની છાલમાં ગ્લિસરાઇઝિન છે.

જેઠીમધનો શીરો : જેઠીમધને પાણી સાથે ઉકાળીને ઠારીને, ગાળવામાં આવે છે. પછી ગરમ કરી ઘટ્ટ કરી અંદર સ્ટાર્ચ નાખી લાકડી કે ચોરસ ટુકડા બનાવવામાં આવે છે.

આયુર્વેદિક અને વિલાયતી સેંકડો દવાઓમાં પ્રચુરપણે વપરાતી આ દવા પ્રાય: મૂળ રૂપે જ ઉપયોગમાં લેવાય છે. તે મધુર, જરાક કડવી, ઠંડી, આંખોને હિતકર, રુચિકર્તા, બળપ્રદ, વર્ણસુધારક, સ્વરસુધારક, સ્નિગ્ધ, વીર્યવર્ધક, શિરકેશ માટે હિતકર, પિત્ત અને કફદોષ જીતનારી, વાયુને શાંત કરનારી તથા ખાસ કરીને દરેક જાતની ખાંસી મટાડનારી છે. જેઠીમધ સોજા, વિષ, વાતરક્ત (gout), વ્રણ, ઊલટી, તૃષા, ક્ષય, ગ્લાનિ, ઉધરસ, રક્તદોષ, રક્તપિત્ત, સદ્યોવ્રણ (જખમ), અપસ્માર (વાઈ), કફજન્ય વિકારો, હૃદયરોગ, સૂકી ખાંસી, ઊલટીમાં લોહી પડવું, હેડકી, પિત્તપ્રદર, મુખની ચાંદી, અધોગામી રક્તપિત્ત (રક્તસ્રાવ), અર્ધાવભેદ (આધાશીશી), પાંડુરોગ તથા પેશાબની અટકાયત જેવા અનેક રોગોની સફળ ઔષધિ છે. પુરુષો વાજીકરણ માટે તથા માતાઓ ધાવણ વધારવા માટે અને વૃદ્ધો યુવાની ટકાવી રાખવા માટે તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરે છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ

 બળદેવપ્રસાદ પનારા