જૅઝ સંગીત : આફ્રિકન-અમેરિકને શોધેલી મહત્વની અને અત્યંત સુવિકસિત સંગીતશૈલી. તેનો વિકાસ વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં દક્ષિણ અમેરિકામાં થયો. સાર્વત્રિક રીતે એમ સ્વીકારાયું છે કે અમેરિકાએ કલાજગતને આપેલું આ એક અનન્ય પ્રદાન છે. તેના ઉદભવ સાથે ગીતસંગીતના અનેક રીતિબદ્ધ વિકાસક્રમ સંકળાયેલા છે; પ્રચલિત રીતે તે બધા ન્યૂ ઑર્લિયન્સ/ડિક્સિલૅન્ડ, ક્લાસિક બ્લૂ, સ્વિંગ, બી-બૉપ, મૉડર્ન જૅઝ, કૂલ જૅઝ, હાર્ડ બૉપ, ફ્રી જૅઝ અને ફ્યૂઝન જેવાં નામોથી ઓળખાય છે. જૅઝની કેટલીક સંગીતલક્ષી લાક્ષણિકતાઓ તે આ – તાલબદ્ધ ઝૂમવાની ખાસિયત, સૂરના ઝડપી આરોહ-અવરોહ તેમજ વેગપૂર્ણ ગતિમયતાની સતત સભાનતા, પૂર્વતૈયારી વિના સહજસૂઝથી જ સહસા મૌલિક રજૂઆત, ગમગીનીજનક અને બેઠા સૂરની તરજો, દરેક સ્વરનિયોજક પોતપોતાની રીતે જુદા તરી આવે એ પ્રકારની અત્યંત સ્વકીય સૂરાવલી, વાદક તથા ગાયકનું વાદન-ગાયન અંગેનું અવનવું કલાકૌશલ.
ન્યૂ ઑર્લિયન્સ તેની જન્મભૂમિ મનાય છે; ઓગણીસમી સદીના અંતભાગમાં બડી બૉલ્ડન (1877–1931) તથા જેલી રૉલ મૉર્ટનને તેના શોધકો તરીકેનો યશ મળે છે. શ્રમગીતો, ખેતરમાં ઊંચા સાદે ગવાતા રાગડા, અમેરિકન હબસીનાં ધર્મગીતો, ખ્રિસ્તી ધર્મનાં ગીતો, વાવણીગીતો, લશ્કરી કૂચગીતો, મૂળ હબસી ગીતો, વિષાદની અતિશયતાવાળું સંગીત વગેરે જેવી કંઠ્ય-વાદ્ય રચનાઓના આંતર-મિશ્રણના જોશીલા પવનના પરિણામે આવિષ્કાર પામેલી સંગીતસર્જનની આ એક પુરબહાર પ્રવૃત્તિ હતી.
પ્રારંભિક વર્ષોમાં આ શબ્દ સાથે જાતીય દુરાચારનો સહસંબંધ હતો તથા 1920 અને 1930ના દશકામાં બેફામ ઉન્માદ તથા લંપટતાપ્રેરક સંગીતનું દોષારોપણ પણ તેને માટે થયું હતું; આથી ‘જૅઝ’ શબ્દ બહુધા નિંદા ભાવે જ પ્રયોજાતો હતો. આથી ડ્યૂક ઍલિંગ્ટન જેવા ઘણાય સંગીતકારોએ ‘જૅઝ’ જેવો શબ્દપ્રયોગ કરવા બદલ વાંધો લઈ આફ્રિકન-અમેરિકન મ્યૂઝિક અથવા બ્લૅક ક્લાસિકલ મ્યૂઝિક જેવી સંજ્ઞાની હિમાયત કરી છે.
જૅઝ સંગીત સદી વટાવવા આવ્યું છે ત્યારે અત્યંત રીતિબદ્ધ સંગીતનિર્માણનો આગવો ઇતિહાસ તેના નામે નોંધાઈ ચૂક્યો છે. એમાં 1960 તથા 1970ના દશકામાં કલામયતા તથા વ્યાવસાયિક સફળતાની બાબતમાં તેને ઘણી નિરાશાજનક અવનતિ પણ વેઠવી પડી હતી; પરંતુ 1980ની આસપાસ ન્યૂ ઑર્લિયન્સના જ વતની વિન્ટન માર્સલિસની નેતાગીરી હેઠળ જૂના સંગીતકારોનું એક અનન્ય વૃંદ સક્રિય બન્યું છે. આ નવી પેઢી જૅઝ સંગીતની ટૅકનિકલ અપેક્ષાઓને આવકારે છે. આ વૃંદે જૅઝને એવા કલાપ્રકાર તરીકે આવકાર્યો છે જેનાં વિકાસ તથા ચિરંજીવિતાનાં મૂળિયાં તેની નિજી સમૃદ્ધ પરંપરામાં જ પડેલાં છે. આ ઘટનાથી, જૅઝ સંગીત હવે વિવિધરંગી અને જોશીલી સર્જનછટા દાખવતા સંગીતપ્રકાર તરીકે તેનું સ્થાન ટકાવી રાખશે એવું નિશ્ચિત લાગે છે.
મહેશ ચોકસી