જેટ પ્રવાહ (jet stream) : પૃથ્વીના મધ્યવર્તી અક્ષાંશના પ્રદેશો પર ક્ષોભમંડળ(troposphere)ની ઉપરના અને સમતાપમંડળ(stratosphere)ની નીચેના અવકાશમાં પશ્ચિમથી પૂર્વમાં જતી પવનની અત્યંત વેગીલી ધારા. આ પવનધારા ધ્રુવપ્રદેશના અધોગામી, ઊંચાઈવાળા, શીતળ વાયુના સ્થાયી ક્ષેત્ર તથા ઉષ્ણકટિબંધના ઊર્ધ્વગામી, નિમ્નદાબવાળા, તપ્તવાયુનાં સ્થાયી ક્ષેત્રોની વચ્ચેના પટા ઉપર વાય છે. તેમને તલપ્રદેશનું ભૂપૃષ્ઠ નડતું નહિ હોવાથી તે મોટે ભાગે નિયમિત છે. જોકે નીચેના પ્રદેશને તે પ્રભાવિત કરે છે. ક્યારેક તે 320 કિમી./કલાકના વેગથી વાય છે, જે વિમાનને માટે લાભદાયી છે. અધોસ્વરિક (subsonic) જેટ વિમાનને અનુકૂળ પટો મળી જાય તો તે સમયમાં એક કલાક અને ઇંધનમાં 10 ટન જેટલી બચત કરી શકે છે. જેટ પ્રવાહની જાણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઊંચાઈએ ઊડતા વિમાનચાલકોને સૌપ્રથમ થઈ. આ ધારા ઉત્તરના શીત તથા દક્ષિણના ઉષ્ણ વાયુના સંગમના સ્થાને હોવાથી તેનો માર્ગ ઘણી વાર તલપ્રદેશના વંટોળિયાના માર્ગો સાથે મળતો આવે છે. પ્રવાહની ઉપધારાઓ વળી અતિ ભારે વેગ દર્શાવે છે. તેમને જેટ લિસોટા (jet streaks) કહે છે. જેટ પ્રવાહનાં લક્ષણો વિવિધ રીતે જોવાય છે : એકલ તત્ક્ષણિક પ્રવાહ અથવા વર્તુળાકાર માર્ગનો સરાસરી પ્રવાહ; સમયની ર્દષ્ટિએ સરાસરી ગણતરીવાળો પ્રવાહ અથવા બંને–સમય અને રેખાંશ–ની ર્દષ્ટિએ સરાસરી ગણતરીવાળો પ્રવાહ. ઉત્તર ગોળાર્ધમાં શિયાળાના વર્તુળાકાર માર્ગના પ્રવાહને સમય અને રેખાંશના સંદર્ભમાં 25° અક્ષાંશ ઉપર 13 કિમી. ઊંચાઈએ મધ્યધારામાં 148 કિમી./કલાક વેગ ધરાવતો પશ્ચિમિયો જેટ પ્રવાહ જોવા મળે છે. ઉનાળામાં તેનું સ્થાન ખસીને ઉત્તરમાં 41° અક્ષાંશ પર જાય છે. ઊંચાઈ 12 કિમી. અને વેગ 56 કિમી./કલાક નોંધાયા છે. બંને ઋતુમાં જેટ પ્રવાહની ઉપર-નીચે 5થી 10 કિમી.ના અંતરે દક્ષિણે 15° અને ઉત્તરે 20° પર જેટ પ્રવાહના ગુરુતમ વેગના અડધા વેગની ધારા જણાઈ છે. શિયાળામાં, પ્રશાંત મહાસાગરના ઉત્તર ભાગમાં 22° અક્ષાંશે 185 કિમી. પ્રતિકલાકના વેગવાળો ઘનિષ્ઠ પ્રવાહ વહે છે. ઉત્તર અમેરિકાના પૂર્વકાંઠે 35° ઉપર મહત્તમ વેગ 157 કિમી. થાય છે. પૂર્વ અને અરબી સમુદ્ર ઉપર 21° પર પણ આ જ પરિસ્થિતિ જોવા મળે છે. ઉનાળામાં, અમેરિકાનાં સરોવરોના વિસ્તારમાં 46° અક્ષાંશ, પશ્ચિમ ભૂમધ્ય સમુદ્રમાં 40° અક્ષાંશ અને ઉત્તર પ્રશાંત મહાસાગરમાં 35° અક્ષાંશે મહત્તમ વેગ 74થી 83 કિમી. થાય છે. જોકે કોઈ પણ સ્થળે અને સમયે જેટ પ્રવાહનું સ્થાન 11થી 14 કિમી. ઊંચાઈ પર રહે છે. યુરોપ અને અમેરિકાના પશ્ચિમી વિસ્તારોમાં દૈનિક ગાળામાં પણ જેટ પ્રવાહના ઉત્તર દક્ષિણ વિસ્થાપન, વેગ તથા ઘનિષ્ઠતામાં મોટું અંતર જોવા મળે છે. દક્ષિણ ગોળાર્ધમાં જેટ પ્રવાહનો અભ્યાસ પ્રમાણમાં ઓછો હોવાથી તેની માહિતી આછી છે; જેમ કે, દક્ષિણમાં મહાસાગરનો વિશાળ પ્રદેશ છવાયેલો હોવાથી ત્યાં પ્રમાણમાં ઓછી વિષમતા જણાઈ છે. તે સિવાય બધું ઉત્તર ગોળાર્ધના પ્રવાહ જેવું જ છે. વર્તમાન નિરીક્ષણોમાં 20 કિમી. ઊંચાઈએ એક ઘનિષ્ઠ જેટ પ્રવાહનું અસ્તિત્વ જણાયું છે પણ તેની વિગતો હજુ ઘણી અધૂરી છે.

બંસીધર શુક્લ