જૂનાગઢ : ગુજરાતમાં ક્ષેત્રફળની ર્દષ્ટિએ સાતમો ક્રમ ધરાવતો અને એશિયામાં સિંહોની વસ્તી ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો. 20° 44’ અને 21° 4’ ઉ.અ. તથા 69° 40’ અને 71° 05’ પૂ.રે. વચ્ચે આવેલો છે. વિસ્તાર : 8846 ચોકિમી.

તેની પૂર્વ બાજુએ અમરેલી જિલ્લો, ઉત્તરે રાજકોટ અને વાયવ્યમાં પોરબંદર જિલ્લો અને પશ્ચિમે તથા દક્ષિણે અરબી સમુદ્ર આવેલા છે.

આઝાદી પૂર્વે આ જિલ્લો સોરઠ તરીકે ઓળખાતો હતો. જિલ્લામાં 14 તાલુકાઓ છે.

પ્રાકૃતિક રચનાની ર્દષ્ટિએ જિલ્લાના બે વિભાગો છે : ડુંગરાળ વનવિસ્તાર અને સપાટ મેદાન. પ્રથમ ભાગમાં ગિરનાર, ગીર અને બરડાનો ડુંગરાળ પ્રદેશ છે. બીજો ભાગ દરિયાકાંઠાનાં મેદાનો છે. આ મેદાનો પૈકી માંગરોળથી ઊના સુધીનો ભાગ વનરાજિને લીધે ‘લીલી નાઘેર’ તરીકે ઓળખાય છે. બીજો વાયવ્યે 550 ચો.કિમી. વિસ્તાર ધરાવતો દરિયાની સપાટીથી નીચા મેદાનવાળો પ્રદેશ ‘ઘેડ’ તરીકે ઓળખાય છે. ચોમાસામાં વરસાદનું અને સમુદ્રની ભરતીનું પાણી ભેગું થઈ જતાં આ પ્રદેશ બેટ જેવો બની જાય છે.

જિલ્લામાં ભાદર, ઓઝત, ઉબેણ, મચ્છુંદરી, અંબાજાળ, સરસ્વતી, રાવળ, હિરણ, ફૂલઝર, મધુવંતી, સાબલી વગેરે નાનીમોટી નદીઓ આવેલી છે. ગીરમાંથી નીકળતી નદીઓમાં તથા ભાદરમાં બારે માસ પાણી રહે છે. ભાદરના મુખ પાસેનું પાણી ભરતીને કારણે ખારું થઈ જાય છે. ભાદર સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી છે. તે જસદણ પાસેની ટેકરીઓમાંથી નીકળે છે. તેની લંબાઈ 177 કિમી. છે. ઓઝતની લંબાઈ 157 કિમી. છે. બાકીની નદીઓ 20થી 60 કિમી. લાંબી છે.

આ જિલ્લામાં ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર આવેલો છે. તેની સૌથી વધુ ઊંચાઈ ગોરખનાથના શિખરની 1117.40 મી. છે. તેનાં અંબામાતા, ઓઘડ, ગુરુદત્ત, કાળકા વગેરે શિખરો 1000 મી.થી વધુ ઊંચાં છે. ગીરના ડુંગરાળ પ્રદેશની નાંદીવેલા અને તુલસીશ્યામની ડુંગરમાળાઓ જાણીતી છે. ગીરનું સૌથી ઊંચું શિખર સાકરલા 641.60 મી. છે. ગીરની લંબાઈ 48.28 કિમી. છે.

જૂનાગઢ જિલ્લામાં મે અને જૂન માસમાં સૌથી વધુ તાપમાન રહે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રની અસરને લીધે સરેરાશ દૈનિક ગુરુતમ તાપમાન 30.3° સે. રહે છે, જ્યારે તેનું સરેરાશ દૈનિક લઘુતમ તાપમાન 27.5° સે. રહે છે. જિલ્લામાં સરેરાશ 629.1 મિમી. વરસાદ પડે છે. અરબી સમુદ્ર ઉપરથી વાતા ચોમાસામાં નૈર્ઋત્યના પવનો વરસાદ આપે છે. ગિરનારને લીધે જૂનાગઢમાં વધારે વરસાદ પડે છે.

આ જિલ્લામાં ચોમાસાનાં ખરાઉ પ્રકારનાં અને કાંટાવાળાં વૃક્ષો જોવા મળે છે. ગિરનાર, ગીર અને દરિયાકાંઠે આવેલાં જંગલોનો કુલ વિસ્તાર 1,50,503.78 હેક્ટર છે. આ જંગલો ડુંગરોના ઢોળાવો, તળેટી વગેરે સ્થળોએ આવેલાં છે. હલકી જાતનો સાગ, સાદડ, ગોરડ, કલમ, અંતેડી, માલણ, ગૂગળી, મજીઠ, સિસોટી, ખરસાણી થોર, આશિતરો, સંદેસરો, અંબાડી, બાવળ, ખેર, જાંબુ, ટીમરુ, સીસમ, લીમડો વગેરે વૃક્ષો આ જંગલોમાં હોય છે. ગીરમાં ઘાસચારો તથા પાણીની સગવડને કારણે ઘણા માલધારીઓ વસે છે.

જિલ્લામાં શેરડી, તલ, મગફળી, એરંડા, મરચાં, નારિયેળ અને કપાસ જેવા પાકોનું વાવેતર 59.62 % જેટલું હોય છે. તલ, જુવાર અને બાજરાનું વાવેતર ઘટતું રહ્યું છે, જ્યારે ઘઉં, મકાઈ, ચણા, શેરડી અને મગફળીનું વાવેતર વધતું રહ્યું છે. કેળાં, કેરી, પપૈયાં અને ચીકુ જેવાં ફળો અને શાકભાજીનું વાવેતર પણ વધતું રહ્યું છે. ચોરવાડ આસપાસના પ્રદેશમાં નાગરવેલનાં પાનનું વાવેતર થાય છે.

જિલ્લામાં થતાં જંગલી પ્રાણીઓ પૈકી વાંદરાં, દીપડા, સિંહ, શિયાળ, વરુ, લોંકડી, રોઝ (નીલગાય), જંગલી ભુંડ, છીંકારાં, હરણ વગેરે છે. છેલ્લી(2010)ની ગણતરી મુજબ ગીરમાં સિંહની વસ્તી 411 છે. સિંહોનું અભયારણ્ય આ જિલ્લામાં ગીરમાં આવેલું છે. માછલીઓ પૈકી બૂમલા, પાપલેટ (પ્રૉમ્ફેટ), જિંગા (પ્રોન), હલવા, પથુ, વીંછુડો, બોઈ, મગરા, ધોલ, કોથ, ચપરા વગેરે ત્રેવીસ જાતો છે. તેનું દર વરસે 80,000 ટન જેટલું ઉત્પાદન છે.

જિલ્લાની ગીર ઓલાદની ગાય અને બળદ પ્રસિદ્ધ છે. જાફરાબાદી કે ગીર ઓલાદની ભેંસ 7થી 12 % ચરબીયુક્ત દૂધ આપે છે. ગીરની ગાય વધુ દૂધ માટે તથા ખેતી માટેના સારા બળદ માટે જાણીતી છે ગીરની ભેંસો સિંહનો સામનો કરે તેવી બળવાન હોય છે. જૂનાગઢમાં ઘોડાનું ઉછેરકેન્દ્ર છે.

જિલ્લામાં મળતાં ખનિજોમાં ચૉક, ચિરોડી, બૉક્સાઇટ, અગ્નિજિત માટી (fire clay), કંકર, રેતીખડકો, કૅલ્શાઇટ અને ચૂનાખડકો (મિલિયોલાઇટ), મીઠું વગેરે મહત્વનાં છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ચૉકની ધાતુ આ જિલ્લામાંથી મળે છે.

જૂનાગઢ જિલ્લાની કુલ વસ્તી 27,42,291 છે. શહેરી વસ્તીનું પ્રમાણ 33 % છે.

જિલ્લાના 70 % લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. અહીં ખેતીવાડી કૉલેજ છે તથા ખેતીવાડી ખાતું સુધારેલ બિયારણ, વાવેતરની પદ્ધતિ વગેરે અંગે માર્ગદર્શન આપે છે. ખેતી સાથે પશુપાલનનો ગૌણ ઉદ્યોગ છે.

વેરાવળમાં ઇન્ડિયન રેયૉનની – કૃત્રિમ કાપડની મિલો છે.

સૂત્રાપાડા ખાતે રસાયણ-ઉદ્યોગનાં કારખાનાં છે. માંગરોળ, માણાવદર અને વેરાવળમાં 115થી વધુ તેલની યાંત્રિક ઘાણીઓ આવેલી છે. ખોળમાંથી તેલ કાઢવાનાં કેટલાંક સૉલ્વન્ટનાં કારખાનાં આ સ્થળોએ છે. તલાળા અને ઊના ખાતે ખાંડનાં કારખાનાં છે. તેલ અને રસાયણોની ઉપલબ્ધિને કારણે સાબુ-ઉદ્યોગ વેરાવળ ખાતે વિકસ્યો છે. તેલની ઘાણીઓ તથા જિન અને પ્રેસો તથા ઑઇલ-એન્જિનોના વપરાશને કારણે 56થી વધુ નાનાં ઇજનેરી કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં છે.

આ જિલ્લામાં વેરાવળ મધ્યમ કક્ષાનું બંદર છે, જ્યાં છથી આઠ લાખ ટન આયાત-નિકાસ થાય છે. માંગરોળ, નવાબંદર, રાજપરા, સીમર, સીલ અને સૂત્રાપાડા મચ્છીમારી માટે વપરાતાં લઘુ બંદરો છે. કેશોદ ખાતે હવાઈ મથકો છે. તે મુંબઈ સાથે સંકળાયેલું છે.

જિલ્લામાં વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, ખેતીવાડી, આયુર્વેદ વગેરે વિદ્યાશાખાની કૉલેજો છે. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજ 1900માં શરૂ કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં ભાવનગર પછી આ બીજી કૉલેજ હતી. જૂનાગઢમાં ખેતીવાડીની કૉલેજ અને ખેતીવાડી સંશોધનકેન્દ્ર છે. આ ઉપરાંત આયુર્વેદિક કૉલેજમાં ધો. 12 પછી પાંચ વરસનો પદવી-અભ્યાસક્રમ છે. જૂનાગઢમાં ટૅકનિકલ હાઈસ્કૂલ અને ઔદ્યોગિક પ્રશિક્ષણ શાખા છે. વેરાવળ ખાતે મત્સ્ય-ઉદ્યોગ માટેની તાલીમી સંસ્થા છે. જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે.

જિલ્લામાં પૂર્વપ્રાથમિક શાળાના (બાળમંદિર) શિક્ષકો માટેનું એક અધ્યાપનમંદિર, પ્રાથમિક શાળાના શિક્ષકોની તાલીમ માટેનાં ચાર અધ્યાપનમંદિરો, એક નિવાસી શાળા, એક નવોદય શાળા અને એક કેન્દ્રસરકારના શિક્ષણખાતા દ્વારા સંચાલિત કેન્દ્રીય વિદ્યાલય છે. છ સંસ્કૃત પાઠશાળાઓ છે.

પુરાતત્વની તથા તીર્થધામોની ર્દષ્ટિએ જૂનાગઢ, ગિરનાર, સતાધાર, સોમનાથ, પ્રભાસ, તુલસીશ્યામ વગેરે જોવાલાયક છે. ગિરનાર અને જૂનાગઢ ખાતે અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો એક જ પથ્થર ઉપર બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા જોવા મળે છે. ઉપરકોટ ખાતે બાવા પ્યારા તથા ખાપરાકોડિયાની ગુફાઓ, બોરિયા સ્તૂપ, વિલિંગ્ડન બંધ, જૈન મંદિરો, હવેલી, નરસિંહ મહેતાનો ચોરો, ભવનાથ, દામોદર કુંડ, અડીકડી વાવ, જૂનો રાજમહેલ વગેરે પ્રાચીન સ્થળો છે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વમાં ગિરનાર ઉપર ભવનાથનો મેળો ભરાય છે. સોમનાથ, સૂત્રાપાડા વગેરે સ્થળોએ પ્રાચીન સ્થાપત્યો જોવા મળે છે. નવાબનો મહેલ તથા સંગ્રહસ્થાન, મુસ્લિમકાલીન મસ્જિદ, મકબરા વગેરે પ્રેક્ષણીય છે. ગીરમાં સાસણ ખાતેના અભયારણ્યમાં સિંહદર્શનની સગવડ છે. અહમદપુર માંડવી અને ચોરવાડ પ્રવાસધામો છે.

ગુજરાતના સંતકવિ નરસિંહ મહેતાનું જૂનાગઢમાંનું નિવાસસ્થાન

જૂનાગઢ નગર : સૌરાષ્ટ્રનું પ્રાચીન નગર. 21° 31’ ઉ.અ. અને 70° 28’ પૂ.રે. ઉપર આવેલું છે. સૌરાષ્ટ્રનાં પુરાતન નગરોમાં તે પ્રભાસના અપવાદ સિવાય જૂનામાં જૂનું નગર છે.

શહેર આઝાદી બાદ જિલ્લામથક હોવાથી મહત્વનું વેપારી કેન્દ્ર  બની રહેલું છે. રેલવે તથા રાજ્ય તથા જિલ્લા માર્ગો દ્વારા તાલુકા મથકો અને સૌરાષ્ટ્રનાં પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર વગેરે શહેરો સાથે જોડાયેલું છે.

કૃષિઉત્પન્ન બજારમાં ખેતીના પાકો વેચાવા આવે છે.

હાલ અહીં તેલની ઘાણી, સાબુ અને બરફનાં કારખાનાં, દૂધશાળા, નાનાં ઇજનેરી કારખાનાં, પ્લાસ્ટિક, રસાયણ તથા આયુર્વેદિક ઔષધિઓ નિર્માણ કરવાનાં કારખાનાં વગેરે આવેલાં છે. સંખેડાની જેમ લાખકામવાળું ફર્નિચર, રમકડાં, ઘરઉપયોગી લાકડાની વસ્તુઓ, કાગળના માવામાંથી લાખનો ઓપ આપી વિવિધ વસ્તુઓ બનાવવાના ગૃહઉદ્યોગો વિકસ્યા છે. જૂનાગઢમાં ઔદ્યોગિક વસાહત આવી છે. અંધજનોની શાળાઓ, અનાથાશ્રમ, વિકાસગૃહ, સંગીતશાળા, જિલ્લાપુસ્તકાલય, સંગ્રહસ્થાનો વગેરે શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. રૂપાયતન સંસ્થા ગૃહઉદ્યોગોના વિકાસમાં રસ લે છે.

મહાશિવરાત્રિ ઉપર ભવનાથનો મેળો ભરાય છે અને લોકો ગિરનારની પરિક્રમા કરે છે. આ ઉપરાંત જમિયલશા દાતારના ઉર્સના ઉત્સવમાં ઘણા હિંદુ તથા મુસ્લિમો ભાગ લે છે.

ઇતિહાસ : ‘ગિરનાર માહાત્મ્ય’માં તેનું મૂળ નામ કરણકુબ્જ હતું એમ કહેવાયું છે. અન્યત્ર આ નગરનાં મણિપુર, ચંદ્રકેતુપુર, રેવત, પુરાતનપુર વગેરે નામો મળે છે, ક્ષત્રપકાળમાં તેનાં ગિરિનગર ઉપરાંત સુવર્ણ ગિરિનગર કે સાર્વભૌમ નરેન્દ્રનગર નામો પ્રચલિત હતાં. રુદ્રદામાના 150ના શિલાલેખમાં તથા વલભીના 632 અને 666નાં તામ્રપત્રોમાં તેનો ગિરિનગર તરીકે ઉલ્લેખ થયો છે. સાતમી સદી પૂર્વે તેનો કોઈ કારણસર વિનાશ થયો હશે અને ત્યારબાદ સાતમી કે આઠમી સદી દરમિયાન પુનર્વસવાટ થતાં તેને ‘જીર્ણદુર્ગ’ નામ મળ્યું હશે. આ ‘જીર્ણદુર્ગ’નું જ સત્તરમી સદી દરમિયાન ‘જૂનાગઢ’ નામ પડ્યું હોય તેમ જણાય છે. 1413ના શિલાલેખમાં ‘જીર્ણપ્રાકાર’ તરીકે તેનો ઉલ્લેખ છે. આમ ‘જીર્ણદુર્ગ’ કે ‘જૂનાગઢ’ નામ ઉપરકોટના પ્રાચીન કિલ્લાને લીધે પડ્યું જણાય છે. પ્રાચીન જૂનાગઢનું સ્થળ ઉપરકોટ અને તેની આસપાસ હતું. મહમ્મદ બેગડાએ તેને મુસ્તફાબાદ નામ આપ્યું હતું.

640માં ચીની મુસાફર યુઅન-શ્વાંગ અહીં આવ્યો ત્યારે આ નગરનું ક્ષેત્રફળ 26 ચોકિમી. હતું. તેની પ્રજા ધનાઢ્ય હતી અને અહીં બૌદ્ધ મઠો અને વિહારો હતા.

જૂનાગઢ જિલ્લાનો ઇતિહાસ પ્રાગૈતિહાસિક કાળથી ઈ. સ. પૂ. 2000 કે તે પૂર્વેથી શરૂ થાય છે. પ્રભાસપાટણથી ઈશાન ખૂણે આશરે ત્રણ કિમી. દૂર હિરણ્યા નદીના કાંઠે નગરનો પ્રાચીન ટીંબો આવ્યો છે. સૌથી નીચેના સ્તરમાંથી હડપ્પા સંસ્કૃતિ પૂર્વેના રાખોડિયા રંગનાં માટીનાં વાસણો મળ્યાં છે. આ લોકોને ધાતુનું જ્ઞાન ન હતું. કોતરકામવાળાં, ખાંચવાળાં માટીનાં પાત્રો ‘પ્રભાસ મૃત્પાત્ર’ તરીકે ઓળખાય છે. આ અવશેષોનો કાળ ઈ. સ. પૂ. 2000થી 1700 છે. બુટ્ટા કાંગરીવાળા અને સીધી બાજુવાળા હડપ્પીય પ્રકારના વાડકા જેવા અવશેષો વિકસિત કુંભારીકામ સૂચવે છે. અન્ય અવશેષોમાં સમૂહમાં દોરેલી રેખાંકિત પટ્ટીઓ અને ત્રાંસી તથા તરંગાકાર રેખાઓવાળાં પાત્રોનો સમાવેશ થાય છે. ઉત્તરનાં કાળાં પૉલિશવાળાં ચકચકિત માટીનાં વાસણોનો સમય ઈ. સ. પૂ. 500થી ઈ. સ. પૂ. 100નો છે.

પુરાણો પ્રમાણે કુશસ્થલીના શર્યાતોનું અને ત્યારબાદ યાદવોનું અહીં શાસન હતું. પ્રભાસના સ્થળે યાદવાસ્થળીમાં કૃષ્ણ સહિત ઘણા જાણીતા આગેવાનોનું મૃત્યુ થયું. કૃષ્ણના મૃત્યુનું સ્થળ ‘દેહોત્સર્ગ’ તરીકે ઓળખાય છે.

જૂનાગઢને લગતો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ચંદ્રગુપ્ત મૌર્યનો છે (ઈ. સ. પૂ. 322-298). અશોકના ગિરનારના લેખમાં જણાવ્યા પ્રમાણે તેના રાષ્ટ્રીય (સૂબો) વૈશ્ય પુષ્યમિત્રે સુવર્ણસિક્તા નદી ઉપર બંધ બાંધીને સુદર્શન સરોવરનું પુનર્નિર્માણ કર્યું. અશોકના રાજ્યપાલ તુશાસ્ફે સરોવરમાંથી નહેર ખોદાવી અને મહાક્ષત્રપ રુદ્રદામાના ઉપર્યુક્ત લેખમાં જણાવ્યા પ્રમાણે (ઈ. સ. 150) તેણે તૂટી ગયેલા સુદર્શન સરોવરનું પુનર્નિર્માણ કર્યું. સંપ્રતિ સુધીના મૌર્ય રાજાઓએ 137 વરસ રાજ્ય કર્યું હતું. ત્યારબાદ શુંગ વંશના પુષ્યમિત્રનું અહીં શાસન હતું એવું મનાય છે.

ઇન્ડો-બૅક્ટ્રિયન રાજાઓ યુક્રેટિડીઝ, મિનેન્ડર અને ઍપોલોદોરસના સિક્કા મળી આવ્યા છે. આ ઉપરથી ઈ. પૂ. 165થી 95 સુધી તેમનું શાસન હશે એમ મનાય છે.

ઈસુની પ્રથમ સદીના બીજા ચરણના અંતભાગથી ભૂમકથી વિશ્વસેન વગેરે ક્ષત્રપ રાજાઓએ ઈ. સ. 400 સુધી રાજ્ય કર્યું. ગિરિનગર આ કાળે ખૂબ મહત્વનું સ્થળ હતું. જૂનાગઢ, વસોજ વગેરે સ્થળોએથી વિવિધ ક્ષત્રપ રાજાઓના પુષ્કળ સિક્કાઓ મળ્યા છે; તેથી અહીં તેમની ટંકશાળ હશે એમ મનાય છે. ક્ષત્રપો પછી ઈ. સ. 400થી 415 દરમિયાન શર્વ ભટ્ટારકે રાજ્ય કર્યું, તેના સિક્કા મળે છે. ગુજરાતમાં ગુપ્તવંશનું રાજ્ય ઈ. સ. 400થી 470 સુધી હતું. ગિરનાર ઉપર સ્કંદગુપ્તનો લેખ છે. તેના સૂબા પર્ણદત્તે સુદર્શન તળાવ સુધરાવ્યું હતું.

ઈ. સ. 415થી ઈ. સ. 788 સુધી મૈત્રકવંશનું શાસન હતું. આ વંશનો સ્થાપક સેનાપતિ ભટ્ટારક હતો. આરબોએ આ વંશનો અંત આણ્યો. આ કાળ દરમિયાન ગિરિનગરનું મહત્વ ઘટ્યું; કારણ કે મૈત્રકોની રાજધાની વલભી હતી. ત્યારબાદ ગુર્જર પ્રતિહારોની સત્તા અહીં સ્થપાઈ.

ઈ. સ. 875થી ઈ. સ. 1472 સુધી યાદવવંશી ચૂડાસમાઓનું અહીં રાજ્ય રહ્યું. મૂળરાજ સોલંકીએ અહીંના ગ્રહરિપુ રાજાને 942ના અરસામાં હાર આપી. નવઘણ પહેલાના સમયમાં મહમૂદ ગઝનીએ ઊના થઈને સોમનાથ ઉપર 1026માં ચડાઈ કરી. મંદિરને તોડીને પુષ્કળ ધન લૂંટ્યું. રા’ નવઘણના પુત્ર ખેંગાર બીજાએ પાટણ ઉપર ચડાઈ કરીને પાટણના કોટને તોડીને તેના પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. સિદ્ધરાજે તેનું વેર લેવા જૂનાગઢ ઉપર ચડાઈ કરી ખેંગારને મારી નાખ્યો. નવઘણ ત્રીજાએ 1125માં જીર્ણદુર્ગ (જૂનાગઢ) કબજે કર્યો, પણ સિદ્ધરાજનું આધિપત્ય સ્વીકાર્યું. ભીમદેવ બીજાએ અહીં સૂર્યમંદિર અને બે શિવમંદિરો બંધાવ્યાં. 1264ના શિલાલેખ પ્રમાણે વેરાવળ, માંગરોળ અને સોમનાથમાં મુસ્લિમ વેપારીઓ વસ્યા હતા. હોરમઝના ફિરોજ નાખવાને સોમનાથના પંચકુલે મસ્જિદ બાંધવા પરવાનગી આપી હતી.

1232માં વસ્તુપાલ–તેજપાલે ગિરનાર ઉપર જૈન મંદિરો બંધાવ્યાં.

ગુજરાતના છેલ્લા રાજા કરણદેવને હરાવીને અલ્લાઉદ્દીનના સેનાપતિ અલપખાને સોમનાથના મંદિરનો ફરી એક વાર નાશ કર્યો. પાછળથી રાજા મહીપાલ ચોથાએ સોમનાથના મંદિરનો પુનરુદ્ધાર કર્યો. 1349માં મહમ્મદ તુઘલુકે જૂનાગઢ ઉપર ચડાઈ કરી અને વધુ એક વાર સોમનાથના મંદિરનો નાશ કર્યો. 1368માં ફિરોજશાહ તુઘલુકે માંગરોળ ઉપર ચડાઈ કરીને ત્યાંનાં મંદિરોનો નાશ કર્યો. ફિરોજશાહના સૂબા અને પ્રથમ સુલતાન ઝફરખાને (મુઝફ્ફરશાહે) 1378 અને 1406માં સોમનાથનો ધ્વંસ કર્યો. મુઝફ્ફરશાહ પહેલાના પૌત્ર અહમદશાહે સોમનાથના મંદિરમાં ફરી પૂજા થતી જાણીને ચડાઈ કરી મંદિરનો ધ્વંસ કર્યો. અહમદશાહના 1442માં મૃત્યુ પછી બેગડાના શાસન પૂર્વે જૂનાગઢે શાંતિ અનુભવી અને રા’ માંડલિક ત્રીજો છત્ર ધારણ કરી સ્વતંત્ર રાજવી તરીકે શાસન કરતો થયો. મહમ્મદ બેગડાએ રા’ માંડલિકને ઇસ્લામ અંગીકાર કરવા ફરજ પાડી. પોર્ટુગીઝોના દીવ ઉપર આક્રમણને કારણે જૂનાગઢનો માંગરોળથી શિયાળ બેટ સુધીનો કિનારાનો પ્રદેશ તેમના આક્રમણનો ભોગ બન્યો અને, 1537માં બહાદુરશાહના મૃત્યુ બાદ તેના અનુગામી સુલતાનોને દીવ સોંપીને સંધિ કરવી પડી.

1573માં અકબરે ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાને હરાવ્યો, પણ 1591 સુધી ભૂચરમોરીના યુદ્ધ સુધી આ સમગ્ર પ્રદેશમાં અશાંતિ પ્રવર્તતી હતી. અઝીઝ કોકાએ માંગરોળ, પ્રભાસ, ઊના વગેરે પ્રદેશની મુલાકાત લઈને પ્રભાસના મુસ્લિમોને સહિષ્ણુતા દાખવી શાંતિથી રહેવા સૂચવ્યું. મુઘલકાળ દરમિયાન મક્કાની હજ માટે વેરાવળ કે સોમનાથથી મુસ્લિમ યાત્રાળુઓ જતા. પાછળથી સૂરતે તેનું સ્થાન લીધું. જૂનાગઢમાં મુઘલ શાસન સ્થપાતાં શાંતિ થઈ. 1646માં ઔંરંગઝેબ ગુજરાતનો સૂબો હતો. તેણે સોમનાથના મંદિરમાં પૂજા કરવાની મનાઈ ફરમાવી. વળી મંદિરનો ધ્વંસ કરવા હુકમ આપ્યો. 1704માં ઔરંગઝેબે સોમનાથના મંદિરનો એવી રીતે નાશ કરવા આજ્ઞા આપી કે તેનો ફરી પૂજા વગેરે માટે ઉપયોગ થઈ ન શકે. મંદિર ભગ્નાવસ્થામાં જ હતું એટલે ફરમાનનો અમલ જરૂરી ન હતો. મુઘલકાળ દરમિયાન પ્રભાસ આસપાસના પ્રદેશનો વહીવટ નાગર દેસાઈઓ કરતા હતા.

1597માં બિકાનેરના રાજા રાયસિંગને સોરઠનો વહીવટ સોંપાયો. સોમનાથના ભગ્નમંદિરમાં લિંગની સ્થાપના કરાઈ. 1622 પછી સોરઠના સૂબા ઇસરતખાને ઉપરકોટનો કિલ્લો ફરી બંધાવ્યો. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સત્તા નબળી પડી. પ્રથમ 1728માં શેરખાન જૂનાગઢનો નાયબ ફોજદાર નિમાયો. 1733માં તે જૂનાગઢનો ફોજદાર નિમાયો. તેણે 1748માં બહાદુરશાહ નામ ધારણ કરી જૂનાગઢના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. તેને મુઘલ બાદશાહ તરફથી દીવાનનો ઇલકાબ અપાયો હતો. તેણે મરાઠા સરદાર રંગોજી સાથે સારો સંબંધ રાખ્યો. વસંતરાય પુરબિયાએ જૂનાગઢ કબજે કરતાં ગોંડલ ઠાકોર હાલોજીની તથા દીવાન દલપતરામની સહાયથી નવાબે જૂનાગઢ ફરી કબજે કર્યું,

બહાદુરખાન ત્રીજાના સમયમાં મૈયા ગરાસદારો કંડા ટેકરી ઉપર ધરણાં કરવા બેઠા. નવાબના સૈનિકોએ હુમલો કરી મૈયાઓની કતલ કરી. અંગ્રેજ સરકારે દીવાન સાલેહ હિંદી અને નાયબ દીવાન બાપાલાલને રાજીનામું આપવા ફરજ પાડી. 1884માં કાદુ મકરાણીએ 27 માસ સુધી બહારવટું ખેડ્યું. તે પકડાઈ જતાં તેને ફાંસી અપાઈ. રસૂલખાનના શાસન દરમિયાન દેહોત્સર્ગના સ્થળે તાજિયા ડુબાડવાના પ્રશ્ને કોમી હુલ્લડ થયું. 1895માં શ્યામજી કૃષ્ણ વર્માએ જૂનાગઢના દીવાન તરીકે છ માસ કામ કર્યું. મહાબતખાન ત્રીજાની સગીર અવસ્થા દરમિયાન ઊનામાં તથા અન્યત્ર કોમી હુલ્લડો થયાં.

1943માં 18 જેટલાં નાનાં રાજ્યો, જાગીરો વગેરેને મોટાં રાજ્યો સાથે જોડી દેવાની યોજના (ઍટેચ્ડ એરિયા) અનુસાર જૂનાગઢ રાજ્યનો 207 ચોકિમી. વિસ્તાર વધ્યો.

15 સપ્ટેમ્બર, 1947ના રોજ પાકિસ્તાન સાથેના જૂનાગઢ રાજ્યના જોડાણની જાહેરાત કરાઈ. શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી, દયાશંકર દવે, સુરગભાઈ વરુ, વાઘણિયા દરબાર, અમરાવાળા તથા સૌરાષ્ટ્રના ઘણા આગેવાનોએ મળીને આરઝી હકૂમતની રચના કરી, 17 ઑક્ટૉબર, 1947ના રોજ નવાબે જૂનાગઢ છોડ્યું અને ભારત સરકારની 7 નવેમ્બર, 1947ના રોજ શરણાગતિની માગણી કરી.

1 જાન્યુઆરી, 1949થી જૂનાગઢ રાજ્યનું સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીનીકરણ થઈ ગયું. નવાબ પાકિસ્તાન નાસી છૂટ્યા.

ઑગસ્ટ, 2012માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જૂનાગઢ જિલ્લામાં ‘ગીર-સોમનાથ’ નામનો નવો જિલ્લો રચવાની જાહેરાત કરવામાં આવી છે; તેમાં માંગરોળ, સૂત્રાપાડા, તલાલા, માળિયા-હાટીના, ઊના તથા કોડીનાર તાલુકાઓને સમાવ્યા છે.

શંભુપ્રસાદ દેસાઈ

શિવપ્રસાદ રાજગોર