જુવાળ-ઊર્જા (tidal energy)

January, 2012

જુવાળ-ઊર્જા (tidal energy) : દરિયાઈ મોજાં દ્વારા પ્રાપ્ત થતી ઊર્જા. સમુદ્રકિનારે અવિરત અફળાતા તરંગો તથા ભરતી-ઓટમાં પ્રચંડ શક્તિ રહેલી છે. મહાસાગરમાં ઊછળતાં મોજાંમાં સમાયેલી આ પ્રચંડ ઊર્જાને નાથવાનું કામ કઠિન છે. ભરતીમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આર્થિક ર્દષ્ટિએ પરવડે તેવું સ્થળ મળવું મુશ્કેલ છે. વિદ્યુત-ઉત્પાદન માટે ભરતીનો ઉપયોગ કરવો હોય તો પસંદગીના સ્થળે પાણીના પ્રવેશની ભૌગોલિક અનુકૂળતા આવશ્યક છે.

જેમ પવન વધારે વેગથી એકધારો ફૂંકાય તેમ સમુદ્રનાં મોજાં તેમાંથી (પવનમાંથી) વધુ ઊર્જા ગ્રહણ કરી વધુ ઊંચાં ઊછળે છે. મોજાં કાંઠે પહોંચે ત્યારે તેની ઊંચાઈ મહત્તમ હોય છે. મધ્ય સમુદ્રમાં આવાં મોજાં ઊભી દીવાલ રૂપે આગળ વધતાં હોય છે. સમુદ્ર છીછરો હોય ત્યાં તેનું તળિયું, મોજાંના નીચેના ભાગને અવરોધ પેદા કરે છે. આ સ્થિતિમાં મોજાંના ઉપરના છેડે કોઈ પણ જાતનો અવરોધ હોતો નથી તેથી તે ભાગ આગળ તરફ ઝૂકી પડે છે. તેમ થતાં તરંગ-ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરી શકાય છે.

બહોળા વિસ્તારમાં ચડતી ભરતીના જળ દ્વારા મોટું વિદ્યુતમથક તૈયાર કરી શકાય છે. આવી જગ્યાએ ઉપસાગરના મુખ આગળ બંધ બાંધવામાં આવે છે અને ત્યાં મોટા દરવાજા રાખવામાં આવે છે. તેની સાથે જળટર્બાઇન યંત્ર ગોઠવવામાં આવે છે. ભરતી આવે ત્યારે બંધના દરવાજા ખોલી નાખવામાં આવે છે તેથી અંદરના ભાગમાં પાણી ભરાય છે. ત્યારબાદ દરવાજા બંધ કરી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. આવા સંચિત કરેલા પાણીને ટર્બાઇન યંત્ર તરફ છોડવામાં આવે છે. ભરતી ઊતરી જાય ત્યારે બંધનાં પાણી અને સમુદ્રનાં પાણી વચ્ચે સપાટીફેર રહે છે. એટલે પાણીના પ્રવેશથી ટર્બાઇન યંત્ર ચલાવી શકાય તેવી યુક્તિ પ્રયોજવામાં આવે છે.

પાણીની વિપુલતા હોવા છતાં આવા વિદ્યુતમથકમાં સપાટીભેદ ઓછો હોય તો એ વિદ્યુતમથકની ક્ષમતા ઓછી થાય છે. એટલે ક્ષમતા વધારવા મૂડીરોકાણ વધારે કરવું પડે છે. ઇંગ્લૅન્ડના પશ્ચિમ કિનારે સેવર્ન પર, મેઇનમાં, પશ્ચિમ પૉર્ટ પાસે પસામાક્વોડી ઉપસાગર પર; રશિયામાં કોલા દ્વીપકલ્પ, મેઝમના અખાત તથા ઓખોત્સ્ક પાસે ભરતીના પાણીથી વિદ્યુત પેદા કરવાનું પ્રમાણમાં સરળ છે.

ખંભાતના અખાત પાસે અને ગુજરાત તથા ભારતમાં કેટલાંક સ્થળોએ ભરતીઓટથી ચાલતાં વિદ્યુતમથકો પરવડી શકે તેમ છે. દહેજ-ઘોઘા માટે જુવાળ-વિદ્યુત (tidal power) યોજના વિચારાઈ છે.

આવી યોજના પરત્વે બીજી આનુષંગિક બાબતો વિચારવાની રહે છે. આ યોજનાથી બંદરનો જળમાર્ગ ન રૂંધાય તથા માટીના કાંપની જમાવટ થઈ તે નકામું ન બને તે જોવાનું રહે છે. તરંગશક્તિનું વ્યાવહારિક રૂપે વિદ્યુતઉત્પાદન-કાર્ય હજુ અવિકસિત છે.

પવન, પાણી અને સૂર્યપ્રકાશ બિનપરંપરાગત ઊર્જાનાં અખૂટ સ્રોત છે. આ ત્રણેય સ્રોતમાંથી પ્રાપ્ત કરાતી વિદ્યુતઊર્જાનું યંત્રસ્થાપન (installation) ખર્ચ વધારે આવે છે; પણ નિભાવખર્ચ ઘણો ઓછો થાય છે. આ ત્રણેય સ્રોતમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયા ખાસ જટિલ નથી અને તેનાથી પર્યાવરણ પર કોઈ માઠી અસર પહોંચતી નથી; એટલે કે તે પ્રદૂષણમુક્ત ઊર્જા છે. આથી સમુદ્રનાં મોજાંમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવાનું હિતાવહ છે. પણ આ સાથે આવી ઊર્જા સસ્તી પડે તેવી પ્રૌદ્યોગિક પ્રયુક્તિઓ પણ અનિવાર્ય છે.

જી. એમ. છીપા

પ્રહલાદ છ. પટેલ