જુવાર સંશોધન કેન્દ્ર

January, 2012

જુવાર સંશોધન કેન્દ્ર : જુવાર અંગેના સંશોધન માટેનું મુખ્ય કેન્દ્ર. રાજ્યનું મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સૂરત ખાતે આવેલું છે. આ કેન્દ્ર ખાતે સંવર્ધનથી વહેલી પાકતી, કીટકો અને રોગો સામે પ્રતિકારકતા ધરાવતી, સૂકા અને અર્ધસૂકા વિસ્તારને માફક આવતી તથા વધુ ઉત્પાદન આપતી દાણા અને દાણા-ચારાની જાતો વિકસાવવાની કામગીરી હાથ ધરાય છે.

આ જાતોને અનુરૂપ આર્થિક રીતે પોસાય તેવી ખેતી-પદ્ધતિ, ખાતરોની જરૂરિયાત, જૈવિક અને અન્ય ખાતરોનો ઉપયોગ, વાવણી-સમય, આંતરપાક, બડછા (સાંઠા) પાક, ફેરરોપણી વગેરે તૈયાર કરવાની તેમજ અન્ય સંશોધનકેન્દ્રો ઉપર આ વિકસાવાયેલ ટૅક્નૉલૉજીની ચકાસણીની કામગીરી કરવામાં આવે છે.

ઉપલબ્ધિ : (1) અગાઉ બી.પી. 53 નામની મોતી જેવા દાણા ધરાવતી ખૂબ પ્રચલિત જાત વિકસાવેલ હતી. 1983 પછી જીજે 35, જીજે 36, જીજે 37, જીજે 38, જીજે 39, જીજે 40, જીએફએસ 4 અને જીએસએચ 1 જેવી જાતો/સંકર જાતો વિકસાવેલી છે.

(2) દાણા અને દાણા-ચારા ઉપરાંત જુવારના અન્ય ઉપયોગ, જેમ કે, ગોળ, સિરપ, ખાંડસરી, પોંક, ધાણી વગેરેની શક્યતાની ચકાસણી અંગેના અખતરા હાથ ધરવામાં આવ્યા છે. તેના પરિણામે જી.એસ.એસ.વી. 148 જાત દેશી અને જંગલી જાતોના સંકરણથી વિકસાવવામાં આવી છે. આ જાતનો મીઠાશનો આંક 20 જેટલો છે. આ જાત એક હેક્ટરમાંથી 3000થી 3200 કિગ્રા. દાણા, 2800થી 3000 કિગ્રા. ગોળ અને 10,000થી 12,000 કિગ્રા. ચારો 120 દિવસમાં આપી શકે છે. આ જાત ગાભમારાની ઇયળના ઉપદ્રવ સામે પ્રતિકારક જણાય છે.

(3) જુવારમાં સાંઠાની માખી, ગાભમારાની ઇયળ અને દાણાની મીંજ વગેરે જેવા કીટકો સામે પ્રતિકારકતા લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેનાં ખૂબ જ સારાં પરિણામો મળેલ છે. જીજે-39 જાત સાંઠાની માખી સામે, જ્યારે જીજે 40 ગાભમારાની ઇયળ સામે પ્રતિકારકતા ધરાવે છે. આ ઉપરાંત ઘાસચારાની જાત જીએફએસ–4 સાંઠાની માખી તેમજ ગાભમારાની ઇયળ સામે પ્રતિકારકતા ધરાવે છે. એ જ પ્રમાણે દાણાની ફૂગ સામે પ્રતિકારકતા ધરાવતી જાતો વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાની કામગીરી આ કેન્દ્રે કરી છે. તેમાં જીજે 38 જાત દાણાની ફૂગ સામે પ્રતિકારક જણાઈ છે. આ જાત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે.

(4) ઘણો સારો ઘાસચારો આપતી જાત જીએફએસ–4 તૈયાર કરેલ છે. આ જાતમાં 35થી 40 દિવસે ફૂલ આવે છે. પ્રથમ વાઢમાં 400થી 450 ક્વિંટલ લીલો ચારો મળે છે. ઓછામાં ઓછા 3 વાઢ લઈ શકાય છે. રાડું મીઠું અને ભરેલું હોય છે, જેથી પશુ સારી રીતે ખાય છે. આ જાત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખૂબ જ અનુકૂળ જણાઈ છે અને ખેડૂતોમાં પ્રચલિત બની છે.

રમણભાઈ પટેલ