જુવાર : એકદળી વર્ગના પોએસી (ગ્રેમિની) કુળની ચારા અને ધાન્ય તરીકે ઉગાડવામાં આવતી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sorghum bicohor (Linn.) Moench (સં. યાવનાલ, હિં. જવાર, મ. જવારી, અં. ગ્રેટ મિલેટ) છે. રંગસૂત્રો : 2 એન 20.
જુવારના છોડને ‘પોએસી’ કુળના અન્ય છોડની જેમ તંતુમૂળ હોય છે. છોડ જમીનથી એકલ દાંડીમાં ઊંચો વધે છે. ઠીંગણી જાતો અડધાથી એકાદ મીટરથી માંડી ઊંચી જાતો 3થી 4 મીટર કે તેથી પણ વધુ ઊંચાઈ સુધી પહોંચે છે. છોડની દાંડીમાં સામાન્યત: ડાળીઓ પડતી નથી; પરંતુ જમીન સપાટીથી અનેક પીલા ફૂટે છે જે છોડની અલગ દાંડી તરીકે વિકસે છે. છોડનાં પાન લીલાં, લાંબાં, કાંઈક અંશે પટી જેવાં, વચમાં કાંઈક પહોળાં અને ટોચે સાંકડાં અણીદાર હોય છે. છોડની ટોચે પુષ્પસમૂહ આવે છે તેમાં નાનાં નાનાં અસંખ્ય ફૂલો હોય છે, જેમાં કેટલાંક નર અને માદા બંને ભાગો ધરાવતા સંપૂર્ણ તેમજ કેટલાંક ફક્ત નર ભાગો ધરાવતા હોય છે. ડૂંડામાં ફૂલ ખીલવાની શરૂઆત ઉપરથી નીચે તરફ આગળ વધે છે અને 3થી 4 દિવસમાં ફૂલ ખીલવાની અને ફલીકરણની પ્રક્રિયા પૂરી થાય છે. સંશોધનને પરિણામે નરવંધ્ય જાતો પણ વિકસાવાયેલ છે. તેનો ઉપયોગ સંકર–બી બનાવવામાં થાય છે.
આ પાકનું ઊગમસ્થાન આફ્રિકા છે. ત્યાંથી તે વિવિધ દેશોમાં ફેલાયેલ છે. ભારતમાં મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તમિળનાડુ અને મધ્યપ્રદેશમાં વધુ પ્રમાણમાં વાવેતર થાય છે. ગુજરાતમાં દર વર્ષે તે લગભગ 9 લાખ હેક્ટરમાં વવાય છે. દક્ષિણ ગુજરાતમાં તે મુખ્યત્વે દાણા માટે અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચારા તેમજ ધાન્ય તરીકે વવાય છે. ડેરી-વિકસિત વિસ્તારમાં લીલા ચારા તરીકે વાવેતર થાય છે. જુવાર ઉનાળો (માર્ચથી જૂન), ચોમાસું (જૂનથી સપ્ટેમ્બર) તથા શિયાળો (ઑક્ટોબરથી ફેબ્રુઆરી) એમ 3 ઋતુમાં વિવિધ ધ્યેય માટે વવાય છે.
જમીનની પસંદગી : જમીનની તૈયારી, બીજની પસંદગી અને માવજત, બીજ-પ્રમાણ, વાવણી, પારવણી અને ખાલામાં ફેરરોપણી, સેન્દ્રિય અને રાસાયણિક ખાતરોની વપરાશ, પિયત, આંતરખેડ અને નીંદણ-નિયંત્રણ, રોગ અને જીવાત-નિયંત્રણ, લણણી, કાપણી, ઝૂડણી, સુકવણી તથા સંગ્રહ-વ્યવસ્થા વગેરે જુવારનું સારું ઉત્પાદન મેળવવાના ખેતીના મહત્વના મુદ્દા છે.
સંશોધનના પરિણામે વિકસાવેલ જાતો પૈકી બીપી 53, જીજે 35, જીજે 36, જીજે 37, જીજે 38, જીજે 39, જીજે 40 જીએફએસ 4 અને જીએસએચ 1 મુખ્ય છે. તેમાંથી વિવિધ વિસ્તારો, ઋતુઓ અને ઉપયોગોને અનુલક્ષીને જાતની પસંદગી કરાય છે. તેના શુદ્ધ સારા બિયારણને જરૂરી દવાનો પટ આપી વાવવા માટે વપરાય છે. સામાન્ય રીતે શિયાળુ વાવેતર 60 × 10થી 12 સેમી.ના અંતરે અને ચોમાસુ વાવેતર 45 × 12થી 15 સેમી.ના અંતરે થાય છે. તે માટે અનુક્રમે હેક્ટરે 8થી 10 કિગ્રા. અને 10થી 12 કિગ્રા. બીજની જરૂર પડે છે. ઘાસચારા માટે ઘણું સજ્જડ અને મોટા પ્રમાણમાં 50 કિલો બીજ હેક્ટરે વવાય છે. ચોમાસુ વાવેતર માટે હેક્ટરદીઠ 1.8થી 2.0 લાખ અને શિયાળુ વાવેતર માટે 1.4 લાખ છોડ વાપરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
હેક્ટરે શક્યત: 5થી 7 ટન સેન્દ્રિય ખાતર અને જાત, વાવેતર પ્રકાર, પિયત વગેરે વિવિધ સંજોગો અનુસાર સ્થાનિક જાતો માટે 20:10 કિગ્રા. નાઇટ્રોજન ફૉસ્ફરસ અને વધુ ઊપજ આપતી સ્થાયી અને સંકર જાતો માટે 80 : 40 કિગ્રા. નાઇટ્રોજન ફૉસ્ફરસ રાસાયણિક ખાતરો અપાય છે. તેમાં નાઇટ્રોજનયુક્ત ખાતરો બે રીતે એટલે કે વાવણી સમયે અડધો જથ્થો અને બાકીનો અડધો જથ્થો પાક 30-35 દિવસનો થાય ત્યારે આપવાનો હોય છે. ફૉસ્ફરસયુક્ત ખાતરનો બધો જથ્થો વાવણી સમયે આપવામાં આવે છે. સામાન્ય વરસાદની વહેંચણી સારી હોય તો ચોમાસુ જુવાર માટે પિયતની જરૂર રહેતી નથી. આમ છતાં વિવિધ ઋતુને તેમજ જમીનમાંના ભેજની ઉપલબ્ધિને અનુલક્ષીને પાકના જીવનકાળ દરમિયાન કટોકટીની અવસ્થાએ 2થી 3 પિયત આપવાથી સારું ઉત્પાદન મળે છે. સામાન્ય રીતે છોડમાં ગાંઠો બંધાવાના સમયે અને દૂધિયા દાણા સમયે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ.
જુવારના રોગો : જુવારનું મૂળ ઉત્પત્તિસ્થાન આફ્રિકાના ઈશાન પ્રદેશને માનવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પણ ઘણી જંગલી જાતો જોવા મળે છે. દાણા અને ચારા બંને માટે જુવાર ચોમાસું વરસાદથી થતો દેશનો અગત્યનો પાક છે. ગુજરાત રાજ્યમાં હાલમાં 13 લાખ હેક્ટર જમીનમાં જુવારનું વાવેતર કરવામાં આવે છે. ભારતમાં જુવારના સરેરાશ ઉત્પાદન કરતાં ગુજરાતનું ઉત્પાદન આશરે પ્રતિ હેક્ટરે 100 કિગ્રા. જેટલું ઓછું છે. ઓછા ઉત્પાદન માટે સુધારેલી જાત કે વૈજ્ઞાનિક જ્ઞાનનો અભાવ જવાબદાર નથી; પણ જુવારનું ચારા માટેનું જ વાવેતર, ખાતરોનો ઓછો ઉપયોગ, નહિવત્ પાક-સંરક્ષણ અને હેક્ટરદીઠ છોડની ઓછી સંખ્યા જેવી બાબતો કારણભૂત મનાય છે.
આમાં પાક-સંરક્ષણ એ એક મુખ્ય અંગ છે, કારણ કે આર્થિક રીતે ઓછું ઉત્પાદન આપતો પાક હોઈ પાક-સંરક્ષણનાં પગલાં નહિવત્ લેવાય છે અથવા યોગ્ય સમયે અને જરૂરી પ્રમાણમાં નથી જ લેવાતાં.
જુવારના રોગોના મુખ્યત્વે 4 પ્રકાર છે : (ક) પાનના રોગો(leaf diseases)માં કાલવ્રણ (anthracnose), પાનનો ઝાળ (leaf blight), ગેરુ (rust), પાનનાં ચતુષ્કોણ કાળાં ટપકાં (grey leaf spot), પાનનાં કેન્દ્રભૂત ધાબાં (zonate leaf spot), પાનનાં ખરબચડાં ધાબાં (rough leaf spot), મેશપટ્ટાનો રોગ (sooty stripe), પીંછ છારો (downdy mildew) અને પાનના જીવાણુના રોગો (bacterial diseases) મુખ્ય છે. (ખ) પ્રકાંડના રોગો(stem diseases)માં પ્રકાંડનો કાળો સડો (charcoal rot) અને પ્રકાંડનો લાલ સડો (red rot) મુખ્ય છે. (ગ) દાણાના રોગો(grain diseases)માં ડૂંડાનો અંગારિયો (head smut), દાણાનો અંગારિયો (grain smut), અનાવૃત અંગારિયો (loose smut), લંબ અંગારિયો (long smut), ડૂંડાનો મધિયો અથવા અરગટ (sugary disease), અને દાણાની ફૂગો (grain moulds) મુખ્ય છે. (ઘ) સપુષ્પ પરોપજીવી(parasite)માં આગિયો (Striga) ઉલ્લેખપાત્ર છે.
1. કાલવ્રણ (anthracnose) : (Colletotrichum graminicolum (Ces) Wilson) : જુવાર ઉગાડતા પ્રત્યેક પ્રદેશમાં આ રોગ થાય છે. વ્યાધિજન (Pathogeh) જંગલી ઘાસ, જંગલી જુવાર, મકાઈ, ઘઉં વગેરે ઉપર પણ આક્રમણ કરે છે. ભેજમય વાતાવરણ અને ભેજ સંગૃહીત જમીનમાં રોગ વિશેષ આવે છે.
વ્યાધિજન પાન પર અંત:સ્તરમાંથી દાખલ થઈ પાનની નીચલી સપાટી ઉપર નાનાં અનિયમિત વર્તુળાકાર ટપકાં ઉત્પન્ન કરે છે. આ ટપકાં ધીમે ધીમે ઉપલા ફલક ઉપર ઊપસે છે. ટપકાંનો રંગ પાકની અવસ્થા પ્રમાણે રાતો, જાંબલી કે બદામી હોય છે. વિકસિત ટપકાંનો વચ્ચેનો ભાગ ઝાંખો, ભૂખરો અને કિનારીનો ભાગ બદામી, જાંબુડિયો કે ભૂખરો હોય છે. પાન પક્વ થતાં આ ધાબાંઓના બરોબર મધ્યભાગમાં કાળું ટપકું ઉત્પન્ન થાય છે જે પ્રગુચ્છક હોય છે. રોગ પારખવાનું આ પ્રમુખ ચિહન છે. આવા ભાગમાંથી પેશી લઈ સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરવાથી પ્રગુચ્છક અને બીજાણુઓ ઓળખી શકાય છે.
વ્યાધિજન પાનની મધ્યરેખા અને પ્રકાંડ ઉપર પણ રાતા શંકુ આકારનાં ચાઠાં ઉત્પન્ન કરે છે જેને પ્રકાંડનો રાતો સડો પણ કહે છે. કેટલીક વાર થડની નીચેના ભાગમાં પણ સડો પેદા થાય છે. ધરુ-અવસ્થામાં રોગની અસરથી છોડનાં પાન ઝંખવાઈ જાય છે.
નિયંત્રણ : (1) બીજને પારાયુક્ત દવા અથવા થાયરમ કે કેપ્ટાન(1 : 250)નો પટ આપી વાવણી કરવાથી ધરુ-અવસ્થામાં થતો ઝાળ રોગ અટકાવી શકાય છે. (2) પાક એકથી દોઢ માસનો થાય ત્યારે વરસાદ વિનાના દિવસોમાં 0.2 % ઝીનેબ કે મેનેબનો એક અને ત્યારબાદ 20થી 25 દિવસે બીજો – એમ બે છંટકાવ રોગને કાબૂમાં રાખશે. (3) ખેતરમાંથી પાકના અવશેષો સંપૂર્ણ રીતે ભેગા કરી તેમનો નાશ કરવો એટલે કે બાળી નાખવા.
2. પાનનો ઝાળ : આ રોગ જુવાર ઉગાડતા પ્રત્યેક પ્રદેશમાં સામાન્ય રીતે થાય છે. ભારતમાં મધ્ય અને દક્ષિણનાં રાજ્યોમાં વધારે તીવ્ર છે. મુખ્યત્વે ગરમ વાતાવરણ અને ભેજવાળી આબોહવામાં ખૂબ જ અનુકૂળ છે. ગુજરાતમાં સ્થાનિક જાતો જેવી કે બી.પી. 53 અને સૂરત 1 આ રોગને ગ્રાહ્ય છે. તેને માટે જવાબદાર વ્યાધિજન Helminthosporium turcicam syn. Trichometasphaeria turcica નામની ફૂગ છે.
વ્યાધિજન લક્ષણો : છોડની કોઈ પણ અવસ્થામાં રોગનો ઉપદ્રવ થાય છે. શરૂઆતમાં પાન ઉપર પાણીપોચાં ધાબાં ઉત્પન્ન થાય છે જે પાછળથી રાખોડી કે રાતા બદામી રંગનાં બને છે. તેની ફરતે સાંકડી ઘેરા રંગની કિનારી ઉત્પન્ન થાય છે. આ રોગનાં જખમો પાન ઉપર અથવા ક્યારેક પર્ણવૃત્તો ઉપર ઉત્પન્ન થાય છે. આ ધાબાં સમય જતાં લાંબાં અને અણીદાર બને છે જે નસો વચ્ચે સીમિત રહે છે. આ ધાબાં એકાદ સેમી. લંબાઈનાં હોય છે. આ ધાબાં ફલકની લંબાઈ સાથે લંબાતાં હોય છે. વચ્ચેનો ભાગ ઝાંખા રંગનો અને કિનારી ઘાટા રંગની હોય છે. ભેજમય વાતાવરણમાં જખમની સપાટી ઉપર ખાસ કરીને મધ્યમાં ભૂખરા બદામી રંગનું વ્યાધિજનનું વર્ધન જોવા મળે છે. અસરયુક્ત પાન સુકાઈ જાય છે. આ રોગના ઉપદ્રવથી બીજના (છોડ) વર્ધનને અનુકૂળ વાતાવરણ ન મળે તો બીજનો સડો અથવા ધરુનો દાહ (ધરુનું મૃત્યુ) ઉત્પન્ન થાય છે.
નિયંત્રણ : (1) બીજને પારાયુક્ત દવા અથવા થાયરમ કે કૅપ્ટાન- (1 : 250)નો પટ આપી વાવણી કરવાથી ધરુ અવસ્થામાં થતો ઝાળ રોગ અટકાવી શકાય છે. (2) પાક એકથી દોઢ માસનો થાય ત્યારે વરસાદ વિનાના દિવસોમાં 0.2 % ઝીનેબ કે મેનેબનો એક અને ત્યારબાદ 20થી 25 દિવસે બીજો – એમ બે છંટકાવ રોગને કાબૂમાં રાખશે. (3) ખેતરમાંથી પાકના અવશેષો સંપૂર્ણ રીતે ભેગા કરી નાશ કરવો એટલે કે બાળી નાખવા.
3. ગેરુ : જુવારના પાક લેતા બધા જ ઉષ્ણપ્રદેશમાં આ રોગ સામાન્ય છે. સંકર પ્રકારની તથા દેશી બંને જાતોમાં સારા પ્રમાણમાં ઉપદ્રવ થતો જણાય છે. રોગ પાકની નાની અવસ્થામાંથી થયો હોય તો 25 % જેટલા દાણાનો ઉતાર ઓછો આવે છે. પાછલી એટલે કે ડૂંડું બહાર આવવાની અવસ્થામાં રોગ લાગ્યો હોય તો નુકસાન નહિવત્ રહે છે. તેને માટે જવાબદાર વ્યાધિજન Puccinia purpurea નામની ફૂગ છે.
વ્યાધિજન લક્ષણો : છોડનાં નીચલાં પાનો ઉપર ઉપદ્રવ થાય છે. ફલકના અગ્રભાગની નીચલી સપાટી ઉપર પ્રથમ નાના ગુચ્છકો ઉત્પન્ન થાય છે, જે અંડાકાર ઊપસેલાં અને બદામી રંગનાં ટપકાંના સ્વરૂપે જોવા મળે છે. ઉપલી સપાટીની અસરયુક્ત સમાંતર જગ્યા ઉપર રતાશ પડતા કે બદામી ટપકાં ઉત્પન્ન થાય છે. તીવ્ર અવસ્થામાં પર્ણવૃત્તો ઉપર પણ ગુચ્છો ઉત્પન્ન થાય છે અને ફલકની સપાટી ઉપરનાં ગુચ્છો એકત્રિત થઈ મોટાં રતાશ પડતાં ધાબાં કે જખમ ઉત્પન્ન થાય છે અને પાનને સુકારો લાગે છે. આ નિધાની બીજાણુ અવસ્થા છે. પાછળથી અંત્યક અવસ્થાના બીજાણુ ઉત્પન્ન થતાં જખમો કાળા રંગના બને છે. જમીનમાં રહેલો બીજાણુ પાકની કોઈ પણ અવસ્થામાં ફલક ઉપર આક્રમણ કરે છે અને 10 દિવસમાં ગુચ્છ ઉત્પન્ન થઈ નિધાની બીજાણુઓ મારફતે આગળ ફેલાય છે.
નિયંત્રણ : રોગ લાગુ પડે એટલે તરત જ 0.2 % ઝીનેબ કે મેનેબ પ્રકારની દવાનું 1000 લિટર દ્રાવણ પ્રતિ હેક્ટરે ત્રણેક અઠવાડિયાંના અંતરે છાંટવાથી રોગ કાબૂમાં રહે છે. છંટકાવ પાનની બંને બાજુએ બરાબર રીતે કરવો ખૂબ જરૂરી છે.
4. પ્રકાંડનો કાજલ સડો : આ રોગ ઉત્પન્ન કરનારી ફૂગ મૃતોપજીવી તરીકે જમીનમાં જીવે છે અને ગ્રાહ્ય જાતોના સમાગમમાં આવી પરોપજીવી તરીકે વર્તે છે. કેટલીક વધુ ઉત્પન્ન આપનારી તથા સંકર જાતો ખૂબ જ રોગગ્રાહ્ય છે; જેવી કે, આરએ 16, સીએચએસ 4 અને સીએમએચ 5 અને 302 વગેરે. જમીનમાં ભેજ ઓછો હોય અને ઉષ્ણ વાતાવરણ પ્રવર્તતું હોય તો પુખ્ત વયના છોડ ઉપર આક્રમણ થાય છે અને દાણા તૈયાર થવાને સમયે છેડા ભાંગીને નમી પડે છે. આથી ગરમ પ્રદેશમાં આ રોગનો ઉપદ્રવ પુષ્કળ થાય છે. તેને માટે જવાબદાર વ્યાધિજન Macrophomina phaseoli નામની ફૂગ છે.
વ્યાધિજન લક્ષણો : નાની ધરુ અવસ્થામાં રોગની અસરથી ધરુનો સુકારો થાય છે જેને લીધે જમીનની ઉપરનો પ્રકાંડના કાંઠલાનો ભાગ કાળો બની ચીમળાઈ જાય છે અને અસરયુક્ત ધરુ મૂરઝાઈને મૃત્યુ પામે છે.
જ્યાં સુધી પક્વતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પુખ્તવયના છોડમાં કોઈ બાહ્ય અસર વરતાતી નથી. આ અવસ્થામાં અકાળે વહેલી પક્વતા વરતાય છે અને ડૂંડું નબળું રહે છે. અસરવાળા છોડનો પ્રકાંડ નબળો અને અંદરથી પોલો હોય છે જે સહેલાઈથી ભાંગી જાય એવો હોવાથી છોડ નમી પડે છે. આવા પ્રકાંડની બે ફાડ કરીએ તો અંદરના વાહીપુલોના ઊભા પુલો ઊભા છેદમાં વિચ્છેદન થઈ રેસા છૂટા પડેલા હોય તેમ જોવા મળે છે. આ વિચ્છેદિત રેસામાં પુષ્કળ સંખ્યામાં કાળા નાના જાલાશ્મ (sclerotium) ઉત્પન્ન થયેલા હોય છે અને તેથી કાજલ છાંટ્યું હોય એવો તેનો દેખાવ થતો હોવાથી આવા લક્ષણને કાજલ સડો કહેવામાં આવે છે. જાલાશ્મો ઘણાં વર્ષો સુધી જમીનમાં ટકી રહે છે. અલિંગી બીજાણુઓ જુવારમાં ઉત્પન્ન થતા નથી.
નિયંત્રણ : (1) રોગ પાણીની ખેંચવાળી જમીનમાં સુકારાની અવસ્થામાં વિશેષ થતો હોવાથી જમીનમાં પાણીની ખેંચ વરતાવા દેવી નહિ. (2) વાવણી કરતી વખતે જમીનમાં બ્રાસીકોહી કે થાયરમ (4થી 5 કિગ્રા.) નાખવાથી ફાયદો થાય છે. (3) ઉપર દર્શાવેલી રોગગ્રાહ્ય જાતો અસરયુક્ત જમીનમાં વાવવી નહિ એટલે કે રોગપ્રતિકારક જાતની વાવણી કરવી. તેને માટે જવાબદાર વ્યાધિજન Sphacelotheca sorghi નામની ફૂગ છે.
5. દાણાનો અંગારિયો : આ રોગ આર્થિક ર્દષ્ટિએ ઘણો જ અગત્યનો છે. રોગિષ્ઠ દાણામાં રોગના કાળા કણ બીજાણુ રહેતા હોવાથી તેને દાણાના આંજિયા તરીકે ઓળખવામાં આવે છે.
વ્યાધિજન લક્ષણો : ડૂંડું ન આવે ત્યાં સુધી રોગની કોઈ અસર વરતાતી નથી. ડૂંડામાં ઘણાખરા દાણાઓ અંગારિયાયુક્ત બને છે. ઘણી વાર અમુક જ ફૂટ ઉપર અસર વરતાતી હોય છે, જ્યારે એ જ છોડ ઉપરની બીજી ફૂટો ઉપર કોઈ અસર વરતાતી નથી, જ્યારે અડધા પાકમાં લગભગ દરેક ફૂટ ઉપર અસર જણાય છે.
અસરયુક્ત દાણાની ઉપલી સપાટી સખત પડની બનેલી હોય છે અને તેથી એ જ અવસ્થામાં ઘણો સમય ટકી રહે છે. આ દાણાને હાથમાં લઈ તોડી જોવાથી કાળી ભૂકી બહાર નીકળે છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરીએ તો કવકફલભિતિ(peridium)ની વચ્ચે શંકુ આકારની ‘સ્તંભિકા (columella)’ સ્પષ્ટ વરતાય છે.
નિયંત્રણ : 1 કિગ્રા. બી ને 4થી 6 ગ્રામ 200 મેશ ગંધક અથવા એગ્રોસાનની ભૂકીથી (1 કિગ્રા. બીજ દીઠ 2.5 ગ્રામનો) પટ આપી બીજની વાવણી કરવાથી રોગમુક્ત છોડ પેદા થાય છે. આ સાથે સક્રિય કાર્બોફ્યુરાનો 5 %નો પટ આપવાથી વધુ ઉત્પાદન મળે છે. 0.1 % થાયરમની સ્લરીનો પટ પણ ફાયદાકારક છે.
6. ડૂંડાનો અંગારિયો : જુવારના પાકમાં ખાસ કરીને સંકર જાતો અને વધુ ઉત્પન્ન આપતી જાતોમાં આ રોગ ખૂબ પ્રચલિત છે. તેને માટે જવાબદાર વ્યાધિજન Sphacelotheca cruenta નામની ફૂગ છે.
વ્યાધિજન લક્ષણો : આ રોગનાં લક્ષણો પણ ડૂંડું નહિ આવે ત્યાં સુધી અન્ય ભાગમાં વરતાતાં નથી; છતાં અસરયુક્ત છોડમાં પક્વતા વહેલી આવે છે. અસરયુક્ત છોડનાં બધાં જ ડૂંડાં ઉપર રોગની અસર થાય છે અને ડૂંડાંમાં પણ બધા જ દાણા રોગયુક્ત બને છે. દાણા કાળા પડવાથી કોથળી(5 સેમી.થી 15 સેમી.)ના રૂપમાં ફેરવાઈ જાય છે, જે રૂપેરી પડથી આવૃત થયેલા હોય છે. પડ તૂટતાં તેમાંથી કાળા કણો વછૂટે છે. આથી એને અનાવૃત અંગારિયો પણ કહે છે.
ડૂંડાના સમગ્ર દાણામાં અસર થતી હોવાથી તે ડૂંડાનો અંગારિયો તરીકે પણ ઓળખાય છે. કેટલીક વાર ઉપલા દાણામાં અસર થતી હોતી નથી તેથી અડધું ડૂંડું જ અંગારિયાયુક્ત હોય છે.
નિયંત્રણ : 1 કિગ્રા. બીને 4થી 6 ગ્રામ 200 મેશ ગંધક અથવા એગ્રોસાનની ભૂકીથી (1 કિગ્રા. બીજ દીઠ 2.5 ગ્રામનો) પટ આપી બીજની વાવણી કરવાથી રોગમુક્ત છોડ પેદા થાય છે. આ સાથે સક્રિય કાર્બોફ્યુરાનો 5 %નો પટ આપવાથી વધુ ઉત્પાદન મળે છે. 0.1 % થાયરમની સ્લરીનો પટ પણ ફાયદાકારક છે.
7. દાણાની ફૂગ અથવા ડૂંડાંની ફૂગ : જુવારની વધુ ઉત્પાદન આપતી જાતો અને સંકર જાતો કે જેમાં ડૂંડું ઘટ્ટ હોય છે તેમાં આ રોગથી પાકનું ઉત્પાદન ઓછું થાય છે, એટલું જ નહિ, પરંતુ રોગયુક્ત દાણામાં ફૂગવિષ ઉત્પન્ન થાય છે જે મનુષ્યને હાનિકર્તા હોય છે. આવા દાણાની સ્ફુરણાશક્તિ પણ ઘટે છે.
વ્યાધિજન લક્ષણો : પુષ્પ અવસ્થાથી પરિપક્વ અવસ્થા સુધીમાં ગમે ત્યારે ઉપદ્રવ શક્ય છે. દૂધિયા અવસ્થા પછી તરત જ દાણા ઉપર ફૂગનું વર્ધન થતું જોવા મળે છે અને ભેજમય વાતાવરણમાં તીવ્ર સ્વરૂપ ધારણ કરે છે. આવા અસરયુક્ત દાણા ફૂગની જાતિ પ્રમાણે કાળા, રાખોડી, રાતા વગેરે રંગના હોય છે. દૂરથી ડૂંડું ભૂખરા અથવા કાળા કણોથી આચ્છાદિત થયેલું જણાય છે. આવા દાણા હલકા બને છે અને અંદરનો ભાગ પણ રંગીન બને છે. મૃતોપજીવી ફૂગ આંતરિક ભાગ ઉપર આક્રમણ કરી ઉત્પાદન અને ગુણવત્તા ઉપર અસર પહોંચાડે છે. મૃતોપજીવી ફૂગ દાણાના બાહ્ય ભાગ ઉપર જ આવૃત રહે છે.
સાનુકૂળ વાતાવરણ : ડૂંડાં આવ્યાં પછી સતત ગરમ ભેજવાળું, વાદળછાયું વાતાવરણ અને વારંવારનો વરસાદ કે ઝાકળમય વાતાવરણ ડૂંડાંની ફૂગના વર્ધન માટે અતિશયાનુકૂળ છે.
નિયંત્રણ : (1) રોગમુક્ત બી પસંદ કરી તેને ગંધકનો પટ આપી વાવણી કરવી. (2) 20 જુલાઈની આજુબાજુ વાવેતર કરવું, જેથી ડૂંડાં આવ્યાં બાદ વરસાદ અને ભેજમય વાતાવરણનો ભય રહે નહિ. (3) ડૂંડાં આવે કે તરત જ 0.2 % મેનબ અથવા 0.2 % કેપ્ટાન અથવા 400 પી.પી.એમ. ઓરિયોફંગીનનું દ્રાવણ હેક્ટરે 800થી 1000 લિ.ના પ્રમાણમાં છાંટવું. બીજો છંટકાવ દાણા પક્વ થતાં કરવો.
8. ડૂંડાનો મધિયો (ergot) : વધુ ઉત્પન્ન આપતી તથા સંકર જાતોના વિસ્તરણમાં આ રોગ પ્રચારમાં આવ્યો છે. સ્થાનિક દાણાની જાતોમાં હજુ આ રોગ નોંધાયો નથી. સી.કે. 60 જેવી જાતો ખૂબ જ રોગગ્રાહ્ય છે. ભારતમાં આ રોગ અલિંગી અવસ્થા – મધિયા અવસ્થામાં ઘણા જૂના કાળથી નોંધાયો છે; પરંતુ જ્યાં પુષ્પ-અવસ્થા છેલ્લા વરસાદ અથવા ભેજમય વાતાવરણ સાથે સમન્વય ધરાવતી હોય ત્યાં નવી સંકર જાતોમાં રોગ આવે છે અને ખાસ કરીને બી-ઉત્પાદનના પાકમાં નરવંધ્ય જાતો ઉપર ઘણું આક્રમણ થાય છે. તેને માટે જવાબદાર વ્યાધિજન Sphacelia sorghi નામની ફૂગ હોય છે.
વ્યાધિજન લક્ષણો : ડૂંડું આવે ત્યારે ભેજમય વાતાવરણ હોય તો આક્રમણ થાય છે અને છૂટાંછવાયાં પુષ્પોમાંથી મધ જેવું પ્રવાહી ઝરતું વરતાય છે. તીવ્ર સ્વરૂપમાં હોય તો મધિયું પ્રવાહી પાન અને જમીન ઉપર પડી પાન અને જમીનને સફેદ સાકરાથી આચ્છાદિત કરે છે. આ અલિંગી અવસ્થામાં પુષ્કળ સંખ્યામાં કણબીજો સંકળાયેલાં હોય છે. મધથી કીટકો આકર્ષાય છે. આથી પવન અને કીટકથી કણબીજો ફેલાઈ નવું આક્રમણ કરી શકે છે. પાછલી અવસ્થામાં આક્રમિત પુષ્પોમાં દાણા ન બંધાતાં ચરમમય ભૂખરી પેશીઓ ઉત્પન્ન થાય છે, જેને જલાશ્મ કહે છે.
નિયંત્રણ : (1) નરવંધ્ય જાતો ખૂબ જ રોગગ્રાહ્ય છે તેથી બી-ઉત્પાદન પ્લૉટમાં ખૂબ જ કાળજી લેવી જરૂરી છે. આથી બી રોગમુક્ત વિસ્તારમાંથી મેળવી 2 % મીઠાના પાણીમાં બોળી જલાશ્મ, અન્ય કસ્તર અને હલકાં બી છૂટાં પાડવાં અને તેમનો બાળીને નાશ કરવો. ત્યારબાદ બીજને સાદા પાણીથી ધોવાં અને છાયામાં સૂકવવાં. (2) 1 કિગ્રા. બીદીઠ 4 ગ્રામ થાયરમ કે એગ્રોસાનનો પટ બીને આપી વાવણી કરવી. (3) વાવણી 20મી જુલાઈની આજુબાજુ કરવાથી નવાં ડૂંડાંમાં રોગની શક્યતા ઓછી થશે. (4) પુષ્પવિન્યાસ બહાર આવવાનો હોય ત્યારે ડૂંડાં નીકળ્યાં હોય ત્યારે અથવા ડૂંડાં આવી ગયાં હોય ત્યારે 0.2 % ઝાયરમનો છંટકાવ કરવો. બીજા છંટકાવ સાથે 0.1 % કાર્બારિલનો છંટકાવ કીટકનું નિયંત્રણ કરી રોગનો ફેલાવો અટકાવે છે. બી-ઉત્પાદનના પ્લૉટમાં આ માવજત અવશ્ય કરવી. (5) પ્રાથમિક આક્રમણવાળાં ડૂંડાં એકત્રિત કરી નાશ કરવાનું પણ એટલું જ ફાયદાકારક છે. તે જ પ્રમાણે લણણી વખતે અતિ આક્રમિત થયેલાં ડૂંડાંને એકત્રિત કરી બાળીને નાશ કરવો.
જુવારની જીવાત : જુવારના પાકને આશરે 100 જેટલી જીવાતો નુકસાન કરે છે. ગુજરાતમાં જુવારના પાકને સાંઠામાખી, ગાભમારાની ઇયળ, પાનકથીરી, ડૂંડાની ઇયળ (હેલેયોથીસ) અને દાણાની મીજ જેવી મુખ્ય જીવાતોથી ખાસ નુકસાન થાય છે. વળી મોલો-મશી, તડતડિયાં, કણસલાનાં ચૂસિયાં, કાતરા, ખપૈડી, ચાંચડી, થ્રીપ્સ, માઇલોસીરસ વીવિલ, ધૈણ, પાન વાળનારી ઇયળ, ઢાલપક્ષ ભૂંગા, કાંસિયા, પાયરીલા, કંસારી અને કીડી જેવી ગૌણ જીવાતોથી પણ નુકસાન થતું હોય છે. તેથી જીવાતના પ્રકાર અનુસાર જંતુનાશક દવાઓ જેવી કે કાર્બોસલ્ફાન (બીજ પરથી) તેમજ એન્ડોસલ્ફાન, મિથાઇલ-ઓડેમેટોન, ફૉર્માથીઓન, મેલાથીઓનના જરૂરિયાત મુજબના યોગ્ય માત્રામાં યોગ્ય રીતના છંટકાવથી તેને નિયંત્રિત રાખી શકાય છે.
જાત પ્રમાણે દાણાની જુવાર સામાન્ય રીતે 100થી 120 દિવસમાં પાકે છે. લીલા ચારા માટે જુવાર ફૂલ આવે તે સમયે કાપવી જોઈએ. જીએફએસ 4 જાતમાં વાવેતરથી લગભગ 40 દિવસે ફૂલ આવે છે. દાણા માટે જુવાર કાપ્યા પછી તુરત યોગ્ય માવજતથી બડછા (સાંઠા) દ્વારા દાણાનો બીજો પાક મળી શકે છે. ઘાસચારા માટેની જુવાર જીએફએસ 4 એકથી વધુ વાઢ માટે અનુકૂળ છે. સામાન્ય રીતે પાકતા દાણામાં 20 %થી 24 % ભેજ હોય ત્યારે કણસલાની લણણી કરી, સૂકવી ઝૂડીને દાણા કાઢી લેવાય છે. ઝૂડણી વિવિધ રીતે થઈ શકે છે. દાણાને
10 %થી 12 % ભેજ રહે ત્યાં સુધી સૂકવી તેનો સંગ્રહ કરાય છે.
આ પ્રમાણેની ખેતી-પ્રથા અપનાવતાં ચોમાસુ સંકર તેમજ સ્થાયી જાતો હેક્ટરે 3000-3500 કિગ્રા. દાણા તેમજ 10,000થી 11,000 કિલો સૂકો ચારો આપે છે. લીલો ચારો એક વાઢમાં હેક્ટરે 300થી 400 ક્વિંટલ આપી શકે અને પાકના ત્રણથી ચાર સુધી વાઢ લઈ શકાય.
જુવાર દાણા તરીકે માનવ-આહારમાં તેમજ ચારા તરીકે પશુ-આહારમાં ઉપયોગી છે. ઉપરાંત મીઠાં રાડાંમાંથી રસ કાઢી ગોળ બનાવી શકાય છે. આ દિશામાં જુવાર સંશોધનકેન્દ્ર – સૂરત ખાતે કામગીરી હાથ ધરાઈ છે. તેને પરિણામે કેટલીક જાતો તારવી શકાઈ છે. તેમાં જી.એસ.એસ.વી. 148 ગોળ માટે અનુકૂળ છે. તેનો ગળપણનો આંક 20 જેટલો છે અને એક હેક્ટરમાંથી 3,000થી 3,500 કિગ્રા. દાણા, 2,800થી 3,000 કિગ્રા. ગોળ અને 8,000થી 10,000 કિગ્રા. સૂકું ઘાસ મેળવી શકાય છે. જુવારનો પોંક તેમજ ધાણી પણ બને છે.
રમણભાઈ પટેલ
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ