જુલે રીમે કપ : દુનિયાની સૌથી લોકપ્રિય લેખાતી રમત ફૂટબૉલ માટેનો વિશ્વકપ. શરૂઆત 1930માં આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ફેડરેશન દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વકપ યોજવાનું તેમજ જીતવાનું શ્રેય ઉરુગ્વેને જાય છે. આ વિશ્વકપ શરૂ કરવાનો મુખ્ય યશ ફ્રાન્સના 2 ફૂટબૉલપ્રેમી જુલે રીમે તથા હેન્રી ડિલોનેના ફાળે જાય છે. જુલે રીમે 30 વર્ષ સુધી ફ્રાન્સ સૉકર ફેડરેશનના તથા 1920થી 1954 સુધી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ફેડરેશનના પ્રમુખ તરીકે પણ રહ્યા, તેમના નામ પરથી જ વિશ્વકપનું નામ ‘જુલે રીમે વિશ્વકપ’ રાખવામાં આવ્યું. આ કપ ફ્રાન્સના વાસ્તુકાર અવેલ લાફલેઓરે 50,000 ફ્રાંક ખર્ચીને બનાવ્યો. વિશ્વકપનું આયોજન દર 4 વર્ષે; પરંતુ ઑલિમ્પિક રમતોત્સવનાં 2 વર્ષ પછી અલગ અલગ દેશોમાં કરવામાં આવે છે. 1970માં જ્યારે મેક્સિકોમાં વિશ્વકપ સ્પર્ધા યોજાઈ ત્યારે બ્રાઝિલે ત્રીજી વખત (1958, 1962 અને 1970) પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં કાયમ માટે ‘જુલે રીમે કપ’ જીતી લીધો. આથી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ફેડરેશને (ફિફા) 17 હજાર પાઉન્ડ ખર્ચીને નવો ‘ધ ફિફા વિશ્વકપ’ 1974માં બનાવડાવ્યો જે આજે ઉપયોગમાં છે. 1958થી આ વિશ્વકપમાં ધંધાદારી ખેલાડીઓ પણ ભાગ લઈ શકે છે. 1990માં ઇટાલીમાં આયોજિત વિશ્વકપમાં પશ્ચિમ જર્મની શ્રેષ્ઠ (ચૅમ્પિયન) બન્યું. 1994માં આ વિશ્વકપનું આયોજન અમેરિકામાં થયું. તેમાં ઇટાલીને હરાવીને બ્રાઝિલ ચોથી વાર શ્રેષ્ઠ બન્યું. 1998માં ફ્રાન્સે આ સ્પર્ધા જીતી હતી. વર્ષ 2002ની સ્પર્ધામાં પણ બ્રાઝિલનો વિજય થયો હતો. વર્ષ 2006માં ઇટાલીએ આ સ્પર્ધા જીતી હતી. સંચાલન આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે.

પ્રભુદયાલ શર્મા