જી(G) મૂલ્ય : વિકિરણ રાસાયણિક પ્રક્રિયાઓની ક્ષમતા (efficiency) અથવા ઉપલબ્ધિ(yield)ને દર્શાવતી સંખ્યા. વિકિરણ રસાયણમાં ઊંચી ઊર્જાવાળાં વિકિરણ વડે જે પ્રાથમિક ક્રિયાઓ થાય છે તેમાં દર 100 eV (ઇલેક્ટ્રૉન વોલ્ટ) ઊર્જાના શોષણથી ઉત્પન્ન થતી નીપજ(X)ના અથવા પ્રક્રિયા દરમિયાન રૂપાંતર પામતા પ્રક્રિયક(X)ના અણુઓની સંખ્યા.
γ – વિકિરણનો ઉપયોગ કરીને તકનીકી ર્દષ્ટિએ શક્ય અને આર્થિક ર્દષ્ટિએ પોસાય એવાં અનેક રાસાયણિક સંશ્લેષણો થઈ શકે એમ માલૂમ પડ્યું છે. આ રીતે જોતાં 105 –106 રૅડ/કલાકના [1 રૅડ (rad) = 10–5 J. ગ્રા.–1 = 6.24 × 107 MeV. ગ્રા.–1] γ સ્રોતો અને નાભિકીય ભઠ્ઠી(nuclear reactors)માંની વપરાયેલી ઇંધનશલાકાઓ (fuel rods) કે જે ઠંડી પડવા દરમિયાન 2થી 3M rad/h ઊર્જાનું ઉત્સર્જન કરે છે તેમનો સારો ઉપયોગ કરી શકાય; કારણ કે નહિ તો તે ઊર્જા નકામી જાય. આવી કેટલીક પ્રક્રિયાઓ નીચે પ્રમાણે છે.
(i) ઇથાઇલ બ્રોમાઇડ (C2H5Br) : ઇથિલીન (C2H4) અને હાઇડ્રોજન બ્રોમાઇડ(HBr)ના મિશ્રણને ઓરડાના તાપમાને ઊંચી તીવ્રતાવાળા 60Co સ્રોત આસપાસ પસાર કરવાથી C2H5Br ઉદભવે છે :
C2H4 + HBr → C2H5Br
નીપજ 99.5 % શુદ્ધ હોય છે અને 96 J. / મોલ જેટલી ઓછી ઊર્જાનું શોષણ થાય છે. G (C2H5Br) = 105
(ii) ગૅમેક્ઝિન : બેન્ઝીન (C6H6)ના ક્લોરિનેશનથી મળતા બેન્ઝિન હેક્ઝાક્લોરાઇડનો ત્રિપરિમાણી સમઘટક અને શક્તિશાળી જંતુનાશક છે. C6H6 + 3Cl2 → C6H6Cl6
આ પ્રક્રિયાની ઉપલબ્ધિ, G (C6H6Cl6), પણ લગભગ 105 જેટલી હોય છે, તેમાં 12 % γ – સમઘટક (isomer) (સક્રિય જંતુનાશક) હોય છે.
જ. દા. તલાટી