જીભ (tongue) : મોંની બખોલમાં આવેલું ખોરાકને ગળવા, સ્વાદ પારખવા તથા બોલવામાં ઉપયોગી એવું મુખ્યત્વે સ્નાયુનું બનેલું અંગ. જીભનું મૂળ ગળાની અંદર આવેલું છે જ્યાં તે ચોંટેલી છે અને તેનો આગળનો છેડો મુક્ત છે. તેને જિહવા પણ કહે છે. જો તે મોંના તળિયા સાથે કોઈ પડદા સાથે જન્મજાત કુરચના રૂપે જોડાયેલી હોય તો તેને જિહવા-બંધન (tongue-tie) કહે છે. જીભ મુખ્યત્વે સ્નાયુની બનેલી છે. તેની સપાટી પર શ્લેષ્મકલા (mucosa) હોય છે અને તેમાં સ્વાદ પારખવાના સ્વાદાંકુરો (taste buds) આવેલા છે. તંદુરસ્ત માણસમાં તે ભીની હોય છે અને તેની ઉપલી સપાટી પર પાતળો સફેદ લેપ (ઊલ, fur) હોય છે. મોંથી શ્વાસ લેનાર વ્યક્તિમાં તે  સૂકી હોય છે. અન્યથા સૂકી જીભ નિર્જલન (dehydration) અથવા શરીરમાં પાણીનો પુરવઠો ઘટ્યો છે એવું સૂચવે છે. ધૂમ્રપાન કરતી વ્યક્તિઓની જીભ પરનો લેપ સફેદ-પીળા રંગનો હોય છે. જીભ પરના કોઈ લેપનું ખાસ નિદાનલક્ષી મહત્વ નથી પરંતુ ઘણી વખત આંતરડાંના રોગોમાં તે વધુ જોવા મળે છે. ટાઇફૉઇડ તાવના દર્દીમાં જીભ પરનો લેપ અને લાલ રંગની ટોચ નિદાનસૂચક ચિહન કહેવાય છે.

જીભના વિવિધ રોગો છે. જિહવાશોથ (glossitis) સામાન્ય રીતે ‘મોં આવવું’ અથવા મુખશોથ(stomatitis)નો એક ભાગ હોય છે અને તે પોષણના અભાવમાં ખૂબ જોવા મળે છે. જિહવાશોથમાં ક્યારેક જીભ પર ફરતા રહેતા ડાઘા થાય છે તેને ભૌમિતિક જિહવા (georapahical tongue) કહે છે. તેનું ખાસ મહત્વ ગણાતું નથી. ક્યારેક એકદમ સામાન્ય દેખાતી જીભમાં દુખાવાની ફરિયાદ થતી હોય છે. તેને જિહવાપીડ (glossodynia) કહે છે. તે માનસિક વિકારને લીધે થાય છે. મોંના વિકારો અને દવાઓને કારણે ઘણી વખત મોંમાં ખરાબ સ્વાદ થઈ આવે છે. ઉપદંશ(syphilis)ના ત્રણેય તબક્કામાં જીભ અસરગ્રસ્ત થાય છે. જીભ પરની સફેદ, મધ્યમસરની કઠણ (firm) ચકતીઓને સફેદ ચકતી (leukoplakia) કહે છે. તે જીભની કિનારીથી શરૂ થઈ તેની પૃષ્ઠ (dorsum) અથવા ઉપલી સપાટી પર ફેલાય છે. શરૂઆતમાં દુખાવો થતો નથી પરંતુ જો તેમાં ચીરા (fissures) પડે તો તેમાં સ્પર્શવેદના થાય છે. ક્યારેક તેમાં કૅન્સર ઉદભવતું હોવાથી તેનું જરૂર પડ્યે પેશીપરીક્ષણ કરાય છે. જીભનું કૅન્સર ગુજરાતમાં ઘણા પ્રમાણમાં થાય છે. (જુઓ ‘કૅન્સર, મોં-ગળાનું’, ગુ. વિશ્વકોશ, ખંડ 5)

રોગના નિદાનમાં જીભનું અવલોકન મહત્વનું ગણાય છે. તેનો રંગ, કદ, આકાર, લેપ, કુરચના, સપાટી, હલનચલન અને તેના પર ચાંદા કે ગાંઠ જેવા રોગના વિસ્તારોની નોંધ લેવામાં આવે છે. જિહવાબંધન ઉપરાંત જિહવાપાર્શ્વબંધ(ankyloglossia) કે જેમાં જીભ બાજુ પરથી ચોંટેલી હોય; જન્મજાત મોટી જીભ અથવા મહાજિહ્વા (macroglossia); જન્મજાત નાની જીભ અથવા લઘુજિહવા (microglossia), અલ્પવર્ધિત(hemiatrophied) જીભ, સંપૂર્ણપણે ન વિકસેલી જીભ (aglossia), દ્વિભાજી (bifid) જીભ વગેરે વિવિધ અને ક્યારેક જ જોવા મળતી કુરચનાઓ છે.

સફેદ કે ફિક્કી જીભ લોહીમાં હીમોગ્લોબિનની ઊણપથી થતી પાંડુતા (anaemia) સૂચવે છે. નિઆસિન નામના વિટામિનની ઊણપથી જીભ લાલચોળ થયેલી હોય છે. જીભનો તેવો દેખાવ કેટલાક ચેપી રોગો અને ચચરાટ કરે તેવા ખોરાકથી પણ થાય છે. લોહીના રક્તકોષો વધે ત્યારે લાલ કે ભૂરાશ પડતા લાલ રંગની જીભ થાય છે. લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટે ત્યારે થતી નીલિમા(cyanosis)માં જીભ ભૂરી થાય છે. જીભ પર કાળાશ એક પ્રકારની ફૂગના ચેપમાં તથા મોં વાટે લોહ (iron) લેવાથી થાય છે. જીભના સ્નાયુઓનો લકવો હોય તો તે સંકોચાયેલી કે ફૂલેલી અને હલનચલન વગરની બને છે. ક્યારેક તે એક બાજુ વંકાય છે.

શિલીન નં. શુક્લ