જીરું અને તેના રોગો

January, 2012

જીરું અને તેના રોગો : ઘરગથ્થુ મસાલાસામગ્રી તથા ઔષધદ્રવ્ય. લૅ. Cuminum cyminum L. તેનું કુળ ઍપિયેસી (અમ્બેલિફેરી) છે. તેમાં દ્વિગુણિત રંગસૂત્રોની સંખ્યા 14 છે. ઉદભવસ્થાન ભૂમધ્ય સમુદ્રવિસ્તાર મનાય છે. વાવેતર ભારત ઉપરાંત ઈરાન, ઇરાક, પાકિસ્તાન, તુર્કસ્તાન, સીરિયા, ઇઝરાયલ, સાઇપ્રસ, અલ્જિરિયા અને દક્ષિણ રશિયામાં થાય છે. જીરાના વાવેતર અને ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત અને રાજસ્થાનનું લગભગ 90 % જેટલું પ્રદાન છે. ગુજરાતમાં જીરાનું વાવેતર મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રવી ઋતુમાં થાય છે.

જીરાનો છોડ નાનો અને કુમળો, વધુ ડાળી ધરાવતો, 20થી 25 સેમી. ઊંચો અને જાંબલી રંગનાં ઝીણાં ફૂલોવાળો હોય છે. જીરાનો દાણો વરિયાળીથી નાનો, લાંબો અને પાતળો, રાખોડી રંગનો અને ઉપર 5થી 7 જેટલી નસોવાળો હોય છે.

જીરાની સુગંધી તેના બાષ્પતેલમાં રહેલ 20 %થી 40 % જેટલા ક્યુમિન આલ્ડિહાઇડને આભારી છે. જીરાની વિશિષ્ટ પ્રકારની સુગંધ અને મનભાવતો સ્વાદ હોવાના કારણે તેને ‘મસાલાનો રાજા’ ગણવામાં આવે છે. અથાણાં અને દાળ-શાકમાં કે સૂપમાં દળેલું કે ખાંડેલું ધાણાજીરું વપરાય છે. આ ઉપરાંત વઘારમાં તેમજ ગોટા, ખમણ અને પાતરાં જેવાં ફરસાણમાં કે નમકીનમાં જીરાનો ઉપયોગ જાણીતો છે. હવે તો ઠંડાં પીણાંમાં, પનીરમાં, બિસ્કિટ-કેક વગેરેમાં અને જુદી જુદી માંસાહારી બનાવટોમાં પણ તેનો ઉપયોગ દિન-પ્રતિદિન વધતો જાય છે.

જીરાનો મસાલા તરીકેનો ઉપયોગ તેમાં રહેલ ઔષધીય ગુણોના કારણે છે. તે કૃમિનાશક છે. ખાસ કરીને આંતરડાંની બીમારીમાં વધુ અસરકારક હોઈ પેટનો દુખાવો, અપચો, ઝાડા વગેરેમાં ગુણકારી છે. તે શરદી, સળેખમ માટેની દવામાં પણ વપરાય છે. તેનું બાષ્પતેલ સાબુ, સૌંદર્યપ્રસાધનો ઉપરાંત કેફી કે ઠંડાં પીણામાં સુગંધ લાવવા ઉપયોગમાં લેવાય છે.

એશિયાના ‘સૌથી મોટું ખેતઉત્પન્ન બજાર’ મનાતા ઊંઝામાં વાર્ષિક રૂ. 500 કરોડથી પણ વધુ વેપાર એકલા જીરાનો જ થાય છે. ભારતનું જીરું ગુણવત્તાની ર્દષ્ટિએ સારું હોવા છતાં આંતરિક ભાવો ઊંચા હોઈ કેટલીક વાર આંતરરાષ્ટ્રીય બજારની હરીફાઈમાં ટક્કર ઝીલવી મુશ્કેલ પડે છે; આમ છતાં તેનું ઉત્પાદન વધારી નિકાસ દ્વારા વધુ હૂંડિયામણ કમાવાની શક્યતા ઘણી રહેલી છે.

જીરાના રોગો : જીરું મરીમસાલા વર્ગનો અગત્યનો પાક છે. તેમાં જુદા જુદા વ્યાધિજનથી ચરેરી, છારો, સુકારો અને પીળિયો રોગ સામાન્ય રીતે જીરું ઉગાડતા પ્રદેશોમાં જોવા મળે છે.

છારો : ફૂગથી થતો આ રોગ જીરાના પાકનો એક મહત્વનો રોગ છે. જો રોગની શરૂઆત ફૂલ બેસવાના સમયે થઈ હોય તો ઉતાર 50 % જેટલો ઓછો આવે છે. જ્યારે દાણા બેસવાના સમયે રોગ આવે તો 10 %થી 15 % ઉતાર ઓછો આવે છે.

રોગની શરૂઆત ફૂલ બેસવાના સમયે એટલે કે જાન્યુઆરી માસમાં થાય છે. શરૂઆતમાં છોડનાં પાન પર સફેદ રંગનાં આછાં ટપકાં જણાય છે અને ધીમે ધીમે સમગ્ર છોડ ઉપર આવાં ટપકાં થાય છે. છેવટે આખો છોડ સફેદ થઈ જાય છે. પરિણામે છોડનો વિકાસ રૂંધાય છે, દાણા બેસતા નથી અને દાણાની શરૂઆત થઈ હોય તો તે અલ્પવિકસિત રહે છે, તેથી જીરાનો ઉતાર ઘટે છે. શરૂઆતમાં છોડ રાખોડી રંગના અને છેવટે સફેદ રંગના, છાશ જેવા થઈ જાય છે. તેથી ખેડૂતો તેને ‘છાશિયા’ના નામે પણ ઓળખે છે. જીરાના પાકમાં આ રોગ સામાન્ય રીતે દર વર્ષે વધતાઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો સમયસર રોગ અટકાવવાનાં પગલાં ન લેવાય તો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે.

કમોસમી વરસાદ (માવઠું) તેમજ વાદળછાયા દિવસોમાં રોગ ઉગ્ર સ્વરૂપમાં વ્યાપક રીતે ફેલાય છે. છોડની વૃદ્ધિના સમયે વધુ પડતું પાણી આપવાથી પણ ઉપદ્રવ વધે છે.

કાબૂમાં લેવાના ઉપાયો : છારાના રોગને અટકાવવા માટે ગંધક ઉત્તમ દવા છે. રોગની શરૂઆત ફૂલ બેસવાના સમયે થાય છે તેથી ફૂલ બેસવાના સમયે, વાવ્યા પછી લગભગ 40 દિવસે જ્યારે ત્રીજું પિયત આપવામાં આવે ત્યારે 300 મેશના ગંધકનો બારીક ભૂકો હેક્ટરે 20થી 25 કિલો પ્રમાણે વહેલી સવારે ભેજ (ઝાકળ) હોય તે સમયે દરેક છોડ પર સરખી રીતે પડે તે રીતે છાંટવામાં આવે છે. બીજો છંટકાવ 15 દિવસ પછી થાય છે. પાણીમાં કાલવી છાંટી શકાય તેવી ગંધકયુક્ત ફૂગનાશક દવાઓ જેવી કે વેટેબલ સલ્ફર, કોસાન, કેરેથાન વગેરેનો 1 લિ. પાણીમાં 2થી 3 ગ્રામ પ્રમાણે ઓગાળીને છંટકાવ કરવામાં આવે છે.

સુકારો : જમીનજન્ય ફૂગથી થતો આ રોગ જીરાના પાકના વાવેતરમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ખેડૂતો એવું માને છે કે 3 કે 4 વર્ષ સુધી સતત જીરાનો પાક એક જ ખેતરમાં કરવામાં આવે તો જીરું ઊતરી જાય છે. મતલબ કે પ્રતિ વર્ષે ઉત્પાદન ઘટતું જાય છે અને છેવટે 3જા અથવા 4થા વર્ષના ઉત્પાદનમાં ખેડૂતોના હાથમાં કાંઈ જ આવતું નથી. આ રોગથી 50 %થી 60 % જેટલું નુકસાન થયેલું જાણવા મળ્યું છે.

જીરું વાવ્યા પછી લગભગ 30 દિવસે રોગની શરૂઆત થાય છે. શરૂઆતમાં છોડની ટોચ ચીમળાઈ જાય છે. છેવટે આખો છોડ ધીમે ધીમે ચીમળાઈને પીળો થાય છે અને અંતે સુકાઈ જાય છે. છોડ આ રીતે સુકાતાં ખેતરમાં નાનીમોટી કૂંડીઓ પડે છે. આ કૂંડીઓ ધીમે ધીમે મોટી થતી જાય છે. રોગિષ્ઠ છોડ ઉપર દાણા બેસતા નથી અને બેસે તોપણ ચીમળાયેલા પોચા હોય છે.

જમીનનું તાપમાન 28° સે.થી 30° સે. રોગને ખૂબ જ માફક આવે છે. જમીનની અમ્લતા તથા ભૌતિક રચના પણ રોગના વિકાસમાં  મહત્વનો ભાગ ભજવે છે.

કાબૂમાં લેવાના ઉપાયો : (1) રોગનો પ્રતિકાર કરી શકે તેવી જાત મળી શકે ત્યાં સુધી ધાન્ય પાકોથી પાકની ફેરબદલી કરવી હિતાવહ છે. (2) રોગ જમીનજન્ય હોવાથી અન્ય કોઈ અસરકારક ઉપાયો કારગત નીવડી શકે તેમ નથી એટલે એક કે બે વર્ષથી વધારે સમય જીરાનો પાક એકના એક ખેતરમાં લેવો ન જોઈએ. (3) કાપણી સમયે રોગિષ્ઠ છોડનાં જડિયાં સાથે રોગપ્રેરક ફૂગ જમીનમાં ઉમેરાતી હોવાથી પ્રતિવર્ષ રોગનું પ્રમાણ વધે છે જે મૂળ સાથે જીરાને ઉખાડી લેવાથી ઘટાડી શકાય.

જીરામાં પીળિયો : જીરામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પીળિયાનો રોગ જોવા મળે છે જેમાં છોડ હળદર જેવો પીળો દેખાય છે અને આ જ પ્રકારની સ્થિતિમાં લાંબો સમય સુધી રહે છે. જોકે આ રોગનું રોગપ્રેરક કારણ હજુ જાણી શકાયું નથી તેમ છતાં આમ બનવાનું કારણ સુકારો કરનાર કૂંડી તેમજ પોષક તત્વોની ઊણપ પણ હોઈ શકે. આ દિશામાં વધુ સંશોધનની જરૂરિયાત હોઈ, હાલના તબક્કે છોડને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તેમજ રાસાયણિક ખાતરો આપવાં અને સુકારો ન લાગે તે ઉપાયો યોજવા આવશ્યક છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ