જીવ : ભારતીય દર્શનોનાં કેન્દ્રભૂત ત્રણ વિચારણીય પ્રધાન તત્વો – ઈશ્વર, જીવ અને જગત – એમાંનું એક. જીવ એટલે વ્યક્તિગત ચૈતન્ય (individual soul). તે અંતરાત્મા (inner self) કે દેહાત્મા (embodied soul) પણ કહેવાય છે. તે અહંપ્રત્યયગોચર એટલે કે ‘હું’ એવી પ્રતીતિનો વિષય છે. કોઈ દર્શનમાં તેને પરમ ચૈતન્ય કે પરબ્રહ્મનું સ્વરૂપ કહ્યો છે. તે બુદ્ધિ અને મન ધરાવતું ચૈતન્ય છે. બુદ્ધિ વડે તે વિશ્લેષણ, તુલના, વિવેક કરે છે. મનસ્તત્વ વડે તે વિચાર અને ઇચ્છા કરે છે, સુખદુ:ખ અનુભવે છે; હર્ષ, શોક, ભય, ક્રોધ, લોભ, મોહ, વાસના, તૃષ્ણા એ મનના વ્યાપારો અનુભવે છે. આ વિવેક કરનાર, સુખદુ:ખ અનુભવનાર તત્વ ‘હું’ તે કોણ, તે ક્યાં છે, તે શરીરથી ભિન્ન છે કે અભિન્ન, એ બધા પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા વિદ્વાનોએ હજી આપ્યા નથી. અધ્યાત્મશાસ્ત્ર એને ‘જીવાત્મા’ કે ‘પુરુષ’ એવા શબ્દોથી ઓળખાવે છે. જીવના સ્વરૂપ વિશે વિભિન્ન દર્શનોએ વિભિન્ન મત વ્યક્ત કર્યા છે.

ચાર્વાક આદિ ભૂતાત્મવાદી દર્શનો અનુસાર ચૈતન્યવિશિષ્ટ શરીર  એ જ આત્મા છે. પૃથ્વી, જલ, તેજ અને વાયુના પરમાણુઓના સંયોગથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. શરીરનો નાશ થતાં તે નષ્ટ થાય છે. મરણ એ જ અપવર્ગ એટલે કે મોક્ષ છે. આ મત વધારે પ્રાચીન લાગે છે.

ઉપનિષદ અનુસાર આત્મા એક જ છે. ઉપાધિવશ તેના જીવ અને ઈશ્વર એવા બે ભેદ પડે છે. જીવ કર્મનો ભોક્તા અને વિવિધ યોનિમાં જન્મનાર છે. કમલપત્ર પર રહેલા જલબિંદુની જેમ તે પંચભૂતાત્મક શરીરમાં રહે છે. સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ – એમ તેનાં ત્રણ શરીરો છે. તે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ – એમ ત્રણ અવસ્થાઓ અનુભવે છે. તુરીય – ચોથી અવસ્થા – માં જતાં તે મુક્ત થાય છે.

આર્હત (જૈન) દર્શનમાં આત્મા એ જ જીવ છે. તે ચૈતન્યલક્ષણ છે અને શરીરભેદે અનેક છે. તે શરીરપ્રમાણ એટલે જેવડું શરીર તેવડા પ્રમાણનો છે. તે સ્વતંત્ર છે. જ્ઞાન તેની શક્તિ છે. તે પુરુષાર્થ દ્વારા સંકલ્પ સિદ્ધ કરી શકે છે. તેના પૌદગલિક (ભૌતિક) દેહ પર તેના વિચારોના સંસ્કાર પડે છે અને દેહના મૃત્યુ પછી તે સંસ્કારો તેના નવા દેહમાં જાય છે.

શંકરાચાર્ય જીવ તે જ બ્રહ્મ ગણાવે, રામાનુજાચાર્ય જીવ-બ્રહ્મનો અંશોથી ભાવ સ્વીકારે છે. વલ્લભાચાર્યજી જીવ-બ્રહ્મનો શુદ્ધ અદ્વૈત સંબંધને આવકારે છે. આમ આચાર્યોમાં મતમતાંતર પ્રવર્તે છે. બૌદ્ધદર્શનમાં જીવાત્મા ક્ષણિક હોવાથી અનિત્ય છે અને વિજ્ઞાનના પ્રવાહરૂપ છે. જીવચેતનાની જુદી જુદી અવસ્થાઓ છે. ચિત્તનું અસ્તિત્વ નથી. તે રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર – એ પાંચ સ્કંધોનો બનેલો છે. આત્મા અમુક ભૌતિક અને સૂક્ષ્મ અવયવોના  સંઘાતને ઓળખવાનું નામ માત્ર છે.

સાંખ્યદર્શનનો પુરુષ એ જ જીવ છે. તે ચિત્સ્વરૂપ કૂટસ્થનિત્ય, વિભુ અને પ્રતિશરીર ભિન્ન છે. તે પ્રકૃતિના વિકારોથી અલિપ્ત છે. પ્રકૃતિ સાથેના તાદાત્મ્યને લીધે તે કર્તા-ભોક્તા બને છે. તાદાત્મ્યનો ત્યાગ કરતાં તે મુક્ત થાય છે.

યોગદર્શને ઈશ્વરતત્વનો સ્વીકાર કર્યો અને યોગસમાધિ દ્વારા પુરુષ ઈશ્વરદર્શન કરી મુક્ત થાય છે એમ કહ્યું છે.

ન્યાય-વૈશેષિક દર્શનમાં જીવ એ નવ દ્રવ્યોમાંનું એક દ્રવ્ય આત્મા છે. આત્માના જીવ અને ઈશ્વર એવા બે ભેદ
છે : જીવ શરીરભેદે ભિન્ન છે. આત્મા અવિનાશી છે. તેથી શરીરનો નાશ થાય પણ આત્મા નષ્ટ થતો નથી. તે નિત્ય છે. જીવ અહંકારનો આશ્રય છે, જ્ઞાતા અને ભોક્તા છે. સુખદુ:ખ વગેરે નવ આત્માના ગુણો છે.

પૂર્વમીમાંસામાં પણ આત્માને વિભુ અને નિત્ય કહ્યો છે. તે પ્રતિશરીર ભિન્ન છે, અનેક છે. તે કર્તા, ભોક્તા અને જ્ઞાતા છે. તે જ્ઞાન, ઇચ્છા, સુખદુ:ખ આદિનું અધિષ્ઠાન (આશ્રય) છે. જ્ઞાન, સુખ વગેરે આત્મામાં સમવાયસંબંધથી રહ્યાં છે.

ઉત્તરમીમાંસા–વેદાન્તમાં અંત:કરણાવચ્છિન્ન ચૈતન્ય તે જીવ. તે કર્મફલભોક્તા છે અને જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ અવસ્થાઓવાળો છે. તે ક્ષેત્રજ્ઞ છે. બહિર્મુખ ઇન્દ્રિયોવાળો હોય ત્યારે તે વિષયો ભોગવે છે. અંતર્મુખ થતાં તે સ્વનો અનુભવ કરે છે. મુક્ત થાય છે. તે અજન્મા શાશ્વત છે. બ્રહ્મનું પ્રતિબિંબ કે વિવર્ત છે અથવા અગ્નિમાંથી નીકળેલા તણખાની જેમ તે બ્રહ્મમાંથી નિષ્પન્ન થયો છે. તે અણુરૂપ છે.

આમ એક ભૂમિકા અનુસાર ચાર કે પાંચ ભૂતોના વિલક્ષણ સંયોગથી જ્ઞાન અને ચેતના જન્મે છે અને મરણોત્તર શેષ રહેતી નથી. અન્ય ભૂમિકા અનુસાર પાંચ ભૌતિક દેહના જન્મ પૂર્વે પણ કોઈ ચેતનતત્વ વિદ્યમાન હતું જેના સંપર્કથી તે દેહ સચેતન બને છે અને દેહના અવસાન પછી પણ તે તત્વ નિત્ય રહે છે.

સંક્ષેપમાં માણસને પોતાના અસ્તિત્વનું ભાન છે. તે વિચારશીલ તથા લાગણીશીલ છે અને તદનુસાર પ્રવૃત્તિ કરવાનું વલણ તેમજ શક્તિ ધરાવે છે. આ શક્તિનો ઉપયોગ કરી ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ કરવાની ક્ષમતા તેનામાં છે.

ચીમનલાલ વલ્લભરામ રાવળ