જીલાની, અબ્દુલ કાદિર

January, 2012

જીલાની, અબ્દુલ કાદિર (હ.) (જ. 1077–78, ઉત્તર-પશ્ચિમ ઈરાન; અ. 1165–66, બગદાદ) : તમામ ઇસ્લામી શાસ્ત્રોમાં પારંગત વિદ્વાન. તસવ્વુફમાં પણ તેઓ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. 18 વર્ષની ઉંમરે 1096–97માં બગદાદને પોતાની શૈક્ષણિક અને સુધારાવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું. તેમણે ભૌતિકવાદ વિરુદ્ધ અધ્યાત્મવાદની ચળવળ શરૂ કરી, અધ્યાત્મવાદના વ્યક્તિગત અને સામૂહિક પ્રશિક્ષણની નવીન પદ્ધતિ શરૂ કરી. આ પદ્ધતિ હેઠળ શિષ્યોને 40 દિવસ સુધી પોતાની દેખરેખ હેઠળ અધ્યાત્મવાદનું શિક્ષણ આપતા અને શિષ્યોને પારંગત બનાવ્યા પછી પોતાની વિચારસરણીના પ્રસારણ માટે બહાર મોકલી આપતા. આ રીતે તેમના નામ ઉપરથી ‘કાદરી’ સૂફી પંથનાં મંડાણ થયાં. તેમણે મધ્ય તથા અગ્નિ એશિયામાં ઇસ્લામના ફેલાવામાં ઘણો મહત્વનો ફાળો આપ્યો છે. પોતે મુસલમાનોની ‘હંબલી’ વિચારસરણીના અનુયાયી હતા, પરંતુ ભારત સહિત એશિયામાં વસતા તેમના માનનારાઓ, બધા ‘હનફી’ વિચારસરણી ધરાવે છે. હનફી મુસલમાનો તેમને ‘ગૌસે આઝમ’ અને ‘પીરાન પીર’નાં ઉપનામોથી પણ ઓળખે છે. તેમણે સ્થાપેલા કાદરી પંથમાં આસ્થા ધરાવતા લોકો કાદરી કહેવાય છે.

તેમની મૂળ અરબી ભાષામાં લખાયેલી ત્રણ કૃતિઓ ‘ફુતૂહુલ ગૈબ’, ‘અલ-ફતહ-અલ રબ્બાની’ અને ‘ગુન્યતુત તાલિબીન’ના વિવિધ ભાષામાં અનુવાદ થયા છે. આજે પણ તે બહોળા પ્રમાણમાં વંચાય છે.

મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી