જીવ (યોગ) : કૌલ સાધનામાં સ્વીકૃત 36 તત્વોમાં તેરમું તત્વ જીવ છે. માયાના છ કંચુકોથી બંધાયેલ શિવ જ જીવ છે. સાંખ્ય દર્શનમાં એને પુરુષ કહ્યો છે. કૌલ સાધક મૂલાધારમાં કુંડલિની, સહસ્રારમાં પરમશિવ અને હૃદય-પદ્મમાં જીવને રહેલો માને છે. કુંડલિનીને જાગ્રત કરીને, ષડચક્રોનું ભેદન કરીને જીવને હૃદય-પદ્મમાંથી ઉઠાવીને સહસ્રારમાં રહેલા પરમશિવ સાથે એનું મિલન કરાવે છે. આ જીવને પરમશિવથી ચૈતન્ય અને કુંડલિની શક્તિ મળે છે. આથી કુંડલિનીનું એક નામ જીવશક્તિ પણ પ્રચલિત છે. જીવશક્તિના જાગરણથી માયાના બધા કંચુકો આપમેળે કપાઈ જાય છે અને જીવ પરમશિવમાં વિલીન થઈ મુક્ત થઈ જાય છે.

પ્રવીણચંદ્ર પરીખ