જીવિતગુપ્ત 2જો : ગુપ્તોનો છેલ્લો રાજવી. કનોજના ચક્રવર્તી હર્ષની હયાતી બાદ ઉત્તરકાલીન ગુપ્તો મગધમાં રાજ્ય કરતા હતા. માધવગુપ્તના પુત્ર આદિત્યસેને ‘મહારાજાધિરાજ’ પદવી ધારણ કરી હતી. એના ઉત્તરાધિકારીઓએ આ પદવી ચાલુ રાખી. તેઓમાં છેલ્લો હતો જીવિતગુપ્ત 2જો. એણે પ્રાય: પોતાની સત્તા ગોમતીતટ સુધી પ્રસારી. કનોજના પ્રતાપી રાજા યશોવર્માએ મગધાધિપનો પરાજય કરી એનો વધ કરેલો એવું ‘ગૌડવહો’ કાવ્યમાં જણાવ્યું છે. આ મગધાધિપ તે જીવિતગુપ્ત 2જો હોવાનું સૂચવાયું છે; પરંતુ એ મગધ પર સત્તા ધરાવતો ગૌડરાજ પણ હોઈ શકે. જીવિતગુપ્તની રાજસત્તાનો 725-731 દરમિયાન એ ગૌડરાજે કે કનોજના યશોવર્માએ અંત આણ્યો લાગે છે. ઉત્તરકાલીન ગુપ્તવંશના આ રાજાના મૃત્યુ સાથે મગધના એ વંશની સત્તાનો પણ અંત આવ્યો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી