જીવિતગુપ્ત 1લો : ઉત્તરકાલીન ગુપ્ત રાજવી. ઉત્તરકાલીન ગુપ્તોના રાજવંશમાં કૃષ્ણગુપ્ત પછી એનો પુત્ર હર્ષગુપ્ત અને હર્ષગુપ્ત પછી એનો પુત્ર જીવિતગુપ્ત ગાદીએ આવ્યો. એ પ્રાય: માળવાના પ્રતાપી રાજવી યશોવર્મા વિષ્ણુવર્ધન(533-34)નો સમકાલીન હતો. જીવિતગુપ્ત પરાક્રમી હતો. એણે સમુદ્રતટ પર આવેલા પ્રખર શત્રુઓનો પરાભવ કરેલો. આ શત્રુઓ પ્રાય: ગૌડો હતા. આદિત્યવર્માના અફસડ અભિલેખમાં આ ત્રણેય રાજાઓનાં પરાક્રમ નિરૂપાયાં છે; પરંતુ તેઓનાં કોઈ રાજબિરુદ જણાવાયાં નથી. જીવિતગુપ્તના પુત્ર અને ઉત્તરાધિકારી કુમારગુપ્તના સમયથી આ ગુપ્ત વંશની સત્તાનો નોંધપાત્ર અભ્યુદય થયો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી