જીવવિરોધ (antagonism) : એક સૂક્ષ્મજીવના સાન્નિધ્યમાં બીજા સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકી જવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થતાં વિવિધ વૃદ્ધિઅવરોધક રસાયણો, પ્રતિજૈવો તેમજ વિષાક્ત ઉત્સેચકો તેની આસપાસ વસતા સૂક્ષ્મજીવની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હોય છે, દાખલા તરીકે;

1. સ્યૂડોમોનાસ તેમજ સ્ટેફિલોકૉક્સ જીવાણુઓ ફૂગવિરોધી (antifungal) રસાયણ ઉત્પન્ન કરતા હોવાથી તેમની હાજરીમાં એસ્પર્જિલસ ફૂગનું સંવર્ધન અટકે છે.

2. પેનિસિલિયમ ફૂગ પેનિસિલીન પ્રતિજૈવિક (antibiotic) ઉત્પન્ન કરતી હોવાથી તેની હાજરીમાં ગ્રામધની જીવાણુઓની વૃદ્ધિ અટકી જાય છે.

3. સ્ટ્રૅપ્ટોમાયસિસ જીવાણુઓ વિવિધ પ્રકારના પ્રતિજૈવિકો (antibiotics) ઉત્પન્ન કરતા હોવાથી તેમની હાજરીમાં કેટલાય સંવેદનશીલ સૂક્ષ્મજીવો નાશ પામે છે.

આ ઉપરાંત જમીનમાંની કેટલીક ફૂગ દ્વારા થતું સાયનાઇડનું ઉત્પાદન તેમજ કેટલીક લીલ (algae) દ્વારા થતા તૈલી અમ્લોના ઉત્પાદનને પણ વૃદ્ધિરોધક રસાયણો તરીકે ગણાવી શકાય.

પ્રમોદ રતિલાલ શાહ