જીવવિચાર (સોળમી સદી આશરે)

January, 2012

જીવવિચાર (સોળમી સદી આશરે) : જીવવિચાર અથવા જીવવિચાર પ્રકરણ. જૈન મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાં 51 ગાથાઓમાં રચાયેલ લઘુ પ્રકરણ. કૃતિની 50મી ગાથામાં કર્તાનું નામ શાન્તિસૂરિ હોવાનું શ્લેષથી સૂચિત થાય છે. તે સિવાય કર્તા વિશે કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. વિન્ટર્નિત્ઝે કર્તાનો સ્વર્ગવાસ-સમય 1039 હોવાનું લખ્યું છે પરંતુ તે વિચારણીય છે.

આ લઘુ કૃતિમાં જીવોના સંસારી અને સિદ્ધ એવા બે ભેદોનું નિરૂપણ કરી, તેમના પ્રભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે. તદુપરાંત સંસારી જીવોનું આયુષ્ય, દેહમાન, પ્રાણ, યોનિ ઇત્યાદિનો પણ વિચાર આમાં કરાયો છે.

આ લઘુ પ્રકરણ પર અનેક સંસ્કૃત-પ્રાકૃત ટીકાઓ રચાઈ છે, તે પણ તેનું મહત્વ સૂચવે છે. ખરતર ગચ્છના ચન્દ્રવર્ધનગણિના પ્રશિષ્ય અને મેઘનંદનગણિના શિષ્ય પાઠક રત્નાકરે વિ. સં. 1610માં કોઈ પ્રાચીન પ્રાકૃત ટીકાના આધારે સંસ્કૃત વૃત્તિ રચી હતી. પ્રસિદ્ધ સમયસુંદર ઉપાધ્યાયે પણ વિ. સં. 1698માં એક વૃત્તિ રચી હતી. આ ઉપરાંત ઈશ્વરાચાર્યની અર્થદીપિકા, તેના આધારે ભાવસુંદરની ટીકા, ક્ષમાકલ્યાણની વિ. સં. 1850માં રચાયેલી ટીકા તથા અજ્ઞાતકર્તૃક પ્રદીપિકા નામક અવચૂરિ-ટીકા વગેરે ટીકાઓ મળે છે.

જીવવિચાર તેના વિષયવસ્તુના કારણે જૈનોમાં મહત્વપૂર્ણ પ્રકરણ ગણાય છે.

અવચૂરિ સાથે મૂળ પ્રકરણ જૈન આત્માનંદ સભા, ભાવનગરથી વિ. સં. 1874માં પ્રકાશિત. વિવિધ અંગ્રેજી, હિંદી, ગુજરાતી વગેરે અનુવાદો પણ પ્રકાશિત થઈ ચૂકેલ છે.

રમણિકભાઈ મ. શાહ