જીવવિષ (microbial toxin) કેટલાક જીવાણુઓ અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો પ્રાણી તેમજ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન થાય તેવાં વિષ ઉત્પન્ન કરે છે, તેને જીવવિષ કહેવામાં આવે છે. જીવવિષના બાહ્ય વિષ અને આંતરિક વિષ – એમ બે પ્રકાર છે.

(1) બાહ્ય વિષ : સૂક્ષ્મજીવો આ પ્રકારના વિષનો સ્રાવ પોતાના શરીરની બહાર કરે છે. તે મહદ્ અંશે પ્રોટીનનું બનેલું હોય છે. કંઠમાળ, ધનુર, ગૅસગૅન્ગ્રીન, મરડો, ઉટાંટિયું વગેરે રોગો માટે જવાબદાર જીવાણુઓ આ પ્રકારનું વિષ ઉત્પન્ન કરે છે. સ્ટેફિલોકૉકસ જીવાણુ ખોરાકમાં ભળી જાય તેવાં બાહ્ય વિષ ઉત્પન્ન કરી આહારમાં ભેળવે છે. આ સામે કેટલાંક બાહ્ય વિષનું ઉપવિષ(toxoid)માં રૂપાંતર કરી તેમનો ઉપયોગ રોગની સારવાર માટે કરવામાં આવે છે.

(2) આંતરિક વિષ : આ પ્રકારનાં વિષ સૂક્ષ્મજીવો પોતાના શરીરની અંદર જ ઉત્પન્ન કરે છે. તે મહદંશે ચરબીયુક્ત બહુશર્કરા-(lipopolysaccharide)નું બનેલું હોય છે. મરકી (પ્લેગ), મરડો, ટાઇફૉઇડ, પરમિયો વગેરે રોગોના જીવાણુઓ આ વિષ ઉત્પન્ન કરે છે.

કેટલીક ફૂગ આફ્લાટૉક્સિન નામનું વિષ ઉત્પન્ન કરે છે જે વિષાક્ત આહાર માટે તેમજ યકૃતિના કૅન્સર માટે જવાબદાર ગણાય છે.

પાકમાં કેટલાક રોગો પણ સૂક્ષ્મજીવોના વિષથી થતા હોય છે.

પ્રમોદ રતિલાલ શાહ