જીવનકથા : એક વ્યક્તિના સંપૂર્ણ અથવા વિશિષ્ટ જીવનખંડનો અન્ય વ્યક્તિએ લખેલો વૃત્તાંત. કોઈ મહાન પુરુષનું જીવન નિસ્સાર હોતું નથી. વિશ્વનો ઇતિહાસ વસ્તુત: ચરિત્રોનું દોહન જ છે. માનવીની કુતૂહલવૃત્તિ ચરિત્રોને જીવંત રાખે છે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિચાર કે ક્રિયામાં ફાળો આપનાર વ્યક્તિ ચરિત્રનાયક બને છે. સમયે સમયે વ્યક્તિ અને પ્રસંગનું મૂલ્યાંકન બદલાતું હોય છે.
આ ગદ્યસ્વરૂપ આજે વધુ લોકપ્રિય છે. આ સાહિત્યપ્રકારની પ્રેરણાનું મૂળ આદરણીય વ્યક્તિની સ્મૃતિ જાળવવામાં રહેલું છે. ક્યારેક વિભૂતિપૂજાની ભાવના બળવત્તર હોય છે. ધર્મ, રાજકારણ, સમાજકારણ, સાહિત્ય, કલા, સંશોધન વગેરે અનેક ક્ષેત્રોની વ્યક્તિઓ અંગે ચરિત્રે સુજ્ઞ વાચકોની જિજ્ઞાસાવૃત્તિને પરિતોષવી પડે છે; પરંતુ વસ્તુનિષ્ઠા એની પ્રથમ શરત છે. પ્રત્યક્ષ બનેલી ઘટનાઓને કારણે ચરિત્રને ઇતિહાસની શાખા માનવામાં આવે છે, પણ ચરિત્ર ઇતિહાસ નથી. ઇતિહાસમાં સમયપટ સાધ્ય છે અને વ્યક્તિ સાધન છે, જ્યારે ચરિત્રમાં વ્યક્તિદર્શન સાધ્ય છે અને સમયપટ સાધન છે. ઘણી ચરિત્રકૃતિઓમાં ઘટના સાથે સમજૂતી આપવાનું વલણ જોવા મળતું હોય છે.
ચરિત્રસાહિત્ય મુખ્યત્વે પાંચ પ્રકારનું મળે છે : (1) લોકપ્રિય ચરિત્રો : તેમાં સિનેતારક, ખેલાડી, જાદુગર વગેરે પ્રસિદ્ધ વ્યક્તિઓનાં જીવનનું આલેખન કરેલું હોય છે. (2) ઐતિહાસિક ચરિત્રો : અનેક પ્રકારની વ્યક્તિઓએ ભૂતકાળની ઘટનાઓ પર પાડેલી અસર અને ઇતિહાસના તે સમયગાળાના જીવનનો ચિતાર મળે છે.
(3) સાહિત્યિક ચરિત્રો : તેમાં સાહિત્યકાર, કલાકાર વગેરેનાં જીવન અને વ્યક્તિત્વનો ચિતાર મળે છે. તેમાં મહાન પ્રતિભા અને પ્રેરણાનો પરિચય આપીને શ્રેષ્ઠ કૃતિઓના નિર્માણની ઝાંખી કરાવવામાં આવેલી હોય છે. (4) સંદર્ભચરિત્રો : વ્યક્તિના જીવનની પ્રધાન ઘટનાઓનો ટૂંક અહેવાલ આપેલો હોય છે. સંદર્ભચરિત્રોના ઘણા ગ્રંથો પુસ્તકાલયોમાં ઉપલબ્ધ હોય છે. (5) કથાચરિત્રો : વ્યક્તિ અને ઘટનાઓ સાચાં હોય, પણ લેખકે સંવાદો, પરિસ્થિતિ વગેરે કલ્પિત રીતે આલેખ્યાં હોય.
ચરિત્રલેખકે ઉપલબ્ધ સર્વ સામગ્રી એકત્રિત કરવી જરૂરી છે. એકાદ નાનકડી ઘટના પણ વ્યક્તિત્વને સુરેખ બનાવવામાં ઘણી ઉપયોગી સાબિત થતી હોય છે. પૂર્વે લખાયેલ ચરિત્ર, નોંધપોથી, રોજનીશી, પત્રવ્યવહાર, પ્રતિસ્પર્ધીની પ્રતિક્રિયા ઉપરાંત સંબંધિત સર્જન, સ્થળ વગેરે જરૂરી સામગ્રીને એકત્રિત કરવાનું કૌશલ જરૂરી છે. આ બધી ભૌતિક સામગ્રીમાંથી હાડમાંસથી ભરેલી વ્યક્તિની મૂર્તિ કંડારવાની હોય છે. લેખક ચરિત્રનાયકનો સમાનધર્મા હોય તો સારું. પ્રાસંગિક સામગ્રીમાં અતિશયોક્તિ પણ હોય અને ચરિત્રનાયકનાં પોતાનાં લખાણો સત્યપૂર્ણ હોય ત્યારે લેખકે નિષ્પક્ષ તારણ કાઢવાનું રહે છે. વિશુદ્ધ સંશોધનર્દષ્ટિ અને નીવડેલાં તારતમ્ય વચ્ચે સમન્વય જરૂરી બને છે.
ચરિત્રલેખકે જન્મ અને મૃત્યુની સીમા વચ્ચે ચરિત્ર-નાયકના થયેલા વ્યક્તિત્વના વિકાસની પ્રતીતિકર રેખાઓનું આલેખન કરવું જોઈએ. વ્યક્તિપૂજા, બોલકાપણું, બોધવાદીપણું ઇત્યાદિ ચરિત્ર-નાયકને સદગુણનું પૂતળું બનાવી દે છે. માનવ તરીકેની છબી ઊપસવી જોઈએ, તેમાં દૈવીકરણ કે દાનવીકરણ ઇષ્ટ નથી. યથાર્થ વ્યક્તિચિત્ર એ ચરિત્રકારનો આદર્શ હોવો જોઈએ. શક્ય છે કે સામાજિક જીવનમાં અત્યંત પ્રસિદ્ધ વ્યક્તિ ખાનગી જીવનમાં બદનામ હોય !
મનુષ્યસ્વભાવ વિલક્ષણ હોવાથી ચરિત્રકારે ચરિત્ર-નાયકનાં સુષુપ્ત મનનું કર્તૃત્વ પણ ધ્યાનમાં લેવું જોઈએ. એમ થતાં ચરિત્ર માનસશાસ્ત્રીય ર્દષ્ટિએ પણ પ્રતીતિજનક બને. આ કારણથી ચરિત્રકારે ચરિત્ર-નાયકનાં આનુવંશિક સંસ્કાર, પરિસ્થિતિ, કૌટુંબિક જીવન, સફળતા, નિષ્ફળતા વગેરેને ધ્યાનમાં લેવાનાં રહે છે. તેના અંતરંગ-બહિરંગ જીવનની પરસ્પરવિરુદ્ધ ઘટનાઓનો સમય પકડવાથી કૃતિને સૌષ્ઠવ અને અખિલત્વ પ્રાપ્ત થાય છે. આન્દ્રે મોર્વા અને લિટન સ્ટ્રેચી જેવા પાશ્ચાત્ય ચરિત્રકારોએ આ કલા સિદ્ધ કરી છે.
આધુનિક ચરિત્રલેખન સમયાનુક્રમે બનેલી ઘટનાઓની કેવળ સૂચિ નથી, પણ સંશોધન, નિશ્ચિત હેતુ, કલ્પનાજનિત સંરચના, જીવંત વ્યક્તિદર્શન, રોચક શૈલી વગેરેથી મંડિત કલાકૃતિ છે.
વિશ્વમાં ચરિત્રવાઙમયનો પ્રારંભ અનેક સંસ્કૃતિઓમાં નૈતિક ર્દષ્ટિએ અથવા આદર્શીકરણની ભાવનાથી થયેલો છે. સ્સુ-માચિ-એનના ‘શી-ચી’ અને પાન કૂ (ઈ. સ. 32–92)ના ‘હાન-શૂ’ જેવા ગ્રંથોનો ઉલ્લેખ જૂનામાં જૂનો મળે છે.
સાહિત્યપ્રકાર લેખે તેનો આરંભ પ્લુટાર્ક(આશરે ઈ. 46થી 120)થી ગણી શકાય. પ્રારંભમાં ઉપદેશાત્મક ચરિત્ર લખાયાં. જૂનો કરાર(Old testament) તેનું ર્દષ્ટાંત છે. મધ્યયુગમાં સંતોનાં ચરિત્રોને પ્રાધાન્ય મળ્યું. પછી માનવસિદ્ધિઓ અને તેની અગત્ય કેન્દ્રમાં રહ્યાં. પુનરુત્થાન યુગમાં બૉકેશિયોએ લખેલું દાન્તેનું ચરિત્ર આદર્શ ગણાયું. તેમાં અંગત બાબતોનો વિવેકપૂર્ણ ઉપયોગ થયો છે. અસલ અને શંકાસ્પદ ચરિત્રસાધનો વચ્ચે ભેદ પારખવો તથા ઘટનાઓની યથોચિત ગોઠવણી કરીને ચરિત્રનાયકના સ્વભાવવૈશિષ્ટ્યને ઉપસાવવું મહત્વનું બન્યું. ‘લાઇવ્ઝ ઑવ્ ધ નોબલ ગ્રિશન્સ ઍન્ડ રોમન્સ’ સંગ્રહ તેનું ઉદાહરણ છે. વ્યક્તિચિત્રોનો ઉત્કૃષ્ટ નમૂનો ‘લાઇવ્ઝ ઑવ્ ધ ટ્વેલ્વ સીઝર્સ’ છે.
દશમી સદીમાં ઇસ્લામી સંસ્કૃતિના સમયમાં સંત અને વિદ્વાનોનાં ચરિત્રો લખાયાં. વ્હાઝારીએ 1550માં ‘મોસ્ટ એમિનન્ટ ઇટાલિયન પેન્ટર્સ, સ્કલ્પટર્સ ઍન્ડ આર્કિટેક્ટસ’ લખેલું. નવમા શતકમાં આઇનહાર્ટે લખેલું ‘લાઇફ ઑવ્ શાર્લમૅન’, ટૉમસ મૂરનું ‘ધ લાઇફ ઑવ્ બાયરન’ (1830), ડેવિડ મેસનનું ‘લાઇફ ઑવ્ મિલ્ટન’ (7 ખંડ, 1859–1894), જ્હૉન નિકલ તથા જ્હૉન હેએ લખેલું ‘અબ્રાહમ લિંકન : અ હિસ્ટરી’ (10 ખંડ, 1890), એડવર્ડ નેલનું ‘ડી. એચ. લૉરન્સ : અ કૉમ્પોઝિટ બાયૉગ્રાફી’ (3 ખંડ, 1957–59) અને ડેવિડ વિલ્સને લખેલું ‘કાર્લાઇલ ચરિત્ર’ (6 ખંડ, 1923–29) વગેરેમાં નિષ્કર્ષ કેન્દ્રમાં નથી, પરંતુ વધુમાં વધુ માહિતી આપવાનું લક્ષ્ય જણાય છે.
ડૉ. જૉન્સને લખેલું ‘ધ લાઇવ્ઝ ઑવ્ ધ ઇંગ્લિશ પોએટ્સ’ (1779–81) અને લિટન સ્ટ્રેચીએ લખેલું ‘એમિનન્ટ વિક્ટોરિયન્સ’ (1918) પ્રેરણાદાયી ગ્રંથો ગણાય છે. વિલિયમ રોપરે લખેલું ‘ધ લાઇફ ઑવ્ ટૉમસ મૂર’ (1535), જેમ્સ બૉસ્વેલનું ‘ધ લાઇફ ઑવ્ સૅમ્યુઅલ જૉન્સન’ (1791), જ્હૉન લૉકહાર્ટનું ‘લાઇફ ઑવ્ સર વૉલ્ટર સ્કૉટ’ (1836–38) અને અર્નેસ્ટ જૉન્સના ‘ધ લાઇફ ઍન્ડ વર્ક ઑવ્ સિંગમંડ ફ્રૉઇડ’ (1953–1957) વગેરેમાં ચરિત્રનાયક સાથેના અંગત ભાવસંબંધ કલાકૃતિને ઉત્કૃષ્ટ બનાવે છે. બૉસ્વેલ અને લૉકહાર્ટની કૃતિઓ વિશ્વમાં શ્રેષ્ઠ ચરિત્રો ગણાયાં છે. ટૉમસ કાર્લાઇલે ઑલિવર ક્રૉમવેલનું ચરિત્ર લખ્યું છે. તેમાં પાત્રના મનોવૈજ્ઞાનિક અભિગમ અને અંગત જીવનની વિગતો જાણવા મળે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી કાર્લ સૅન્ડબર્ગે લખેલા અબ્રાહ્મ લિંકનના ચરિત્રમાં ફ્રૉઇડના મનોવૈજ્ઞાનિક અભિગમનું અનુસરણ જોવા મળે છે. સમય જતાં વ્યક્તિના જીવનની ગૌરવશાળી બાજુને જ પ્રાધાન્ય અપાતું ગયું. લૉક વીમે લખેલું જ્યૉર્જ વૉશિંગ્ટનનું ચરિત્ર અને જેમ્સ ઍન્ટની ફ્રાઉડે લખેલું ટૉમસ કાર્લાઇલનું ચરિત્ર તેનાં ર્દષ્ટાંતો છે.
હૅરલ્ડ નિકલસને જીવનચરિત્રના શુદ્ધ અને અશુદ્ધ એવા બે વિભાગો સૂચવ્યા છે. જે જીવનચરિત્રમાં હકીકતોની સચ્ચાઈ અને નિરૂપણની રસાત્મકતા હોય તે શુદ્ધ. પ્રચારના હેતુથી લખાયેલાં કોઈ વાદ કે સંપ્રદાય અથવા રાજકારણી વ્યક્તિની ખુશામત સારુ લખાયેલાં જીવનચરિત્રો અશુદ્ધ ગણાય છે. ડાયરીઓ, પત્રો, રેખાંકનો, વ્યક્તિચિત્રો વગેરે શુદ્ધ જીવનચરિત્ર નથી પણ તે માટેની ઉપયોગી સામગ્રી છે.
જીવનચરિત્રના લેખક પાસે શોધ, સત્ય, વિવેક અને વર્ણનશક્તિના ગુણોની અપેક્ષા રહે છે. વિવેકપૂર્વક પસંદગી કરીને ઉપલબ્ધ સામગ્રીમાંથી ચરિત્રનાયકનું સુરેખ અને યથાર્થ વ્યક્તિત્વ ઊપસી આવે તે રીતે નિરૂપણ થયું હોય તો જીવનચરિત્ર પણ લલિત કલાકૃતિ બની શકે.
જીવનચરિત્રનો નમૂનેદાર આદર્શ પૂરો પાડતું જેમ્સ બૉસ્વેલે લખેલું તેના મિત્ર જૉન્સનનું ‘ધ લાઇફ ઑવ્ સૅમ્યુઅલ જૉન્સન’ અંગ્રેજી સાહિત્યમાં શકવર્તી કૃતિ ગણાઈ છે. લિટન સ્ટ્રેચીનું ‘ક્વીન વિક્ટોરિયા’ (1921) વીસમી સદીનું મહત્વપૂર્ણ જીવનચરિત્ર ગણાયું છે. બંગાળી સાહિત્યની એક વિરલ સ્મરણકથા તે મૈત્રેયીદેવીએ આલેખેલ ‘મંગયુતે રવીન્દ્રનાથ’ (1943). તેમાં ટાગોરનું મનોવિશ્વ, આંતરબાહ્ય વ્યક્તિત્વ અને સર્જનસૃષ્ટિનો સુંદર પરિચય મળે છે. તેનો ગુજરાતી અનુવાદ ‘ગુરુદેવ અમારે આંગણે’ (1974) રમણીક મેઘાણીએ કરેલો છે. હિંદી જીવનકથાસાહિત્યની નોંધપાત્ર ઘટના તે વિષ્ણુ પ્રભાકરે લખેલું બંગાળી સાહિત્યના પ્રસિદ્ધ કથાસ્વામી શરદબાબુનું જીવનચરિત્ર ‘આવારા મસીહા’ (1973) છે. મરાઠી સાહિત્યમાં લ. ફ. ચિપળૂણકર લિખિત ‘વિષ્ણુશાસ્ત્રી ચિપળૂણકર’ (1894) વીસમી સદીના પ્રારંભનું શ્રેષ્ઠ જીવનચરિત્ર ગણાયું છે. ન. ચિં. કેળકરનું ‘ટિળકચરિત્ર’ (1923–28) માહિતી, સંશોધન અને લેખનશૈલીની ર્દષ્ટિએ ઉત્તમ જીવનચરિત્ર ગણાયું છે. ઉપરાંત 1943માં શિ. લ. કરંદીકરે લખેલું ‘સાવરકરચરિત્ર’ પણ નોંધપાત્ર ગણાયું છે. ખાનોલકરનું લખેલું ‘માધવ જુલિયન’ (1972) અધિકૃત માહિતી અને સાહિત્યિક ગુણવત્તાવાળું ચરિત્ર છે.
ગુજરાતી સાહિત્યમાં ‘કવિચરિત્ર’ (1865) અને ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (1870) લખીને નર્મદે પ્રારંભ કરેલો. મહીપતરામ નીલકંઠે આપેલાં જીવનચરિત્રોમાં ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી’ (1877) સાહિત્યિક ર્દષ્ટિએ મહત્વનું ગણાયું છે. નવલરામ પંડ્યાએ લખેલું ‘કવિજીવન’ (1887) તાટસ્થ્ય અને ઔચિત્ય સાથે નર્મદના જીવનની મહત્વની વિગતો રજૂ કરે છે.
ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘નવલરામ લક્ષ્મીરામની જીવનકથા’ (1904) અને ‘લીલાવતી જીવનકલા’ (1905) એ બે જીવનચરિત્રો આપ્યાં છે. જીવનવૃત્તાંત સાથે ગોવર્ધનરામની સર્જકપ્રતિભાનો પરિચય કરાવતું ‘શ્રીયુત ગોવર્ધનરામ’ (1910) તેમના ભાણેજ કાન્તિલાલ પંડ્યાએ લખ્યું છે. ‘નંદશંકરજીવનચરિત્ર’(1916)માં નંદશંકરની જીવનકથા ઉપરાંત સમકાલીન સમાજ અને વ્યક્તિઓનાં સુરેખ રેખાચિત્રો મળે છે. બ. ક. ઠાકોરે લખેલા ‘અંબાલાલભાઈ’(1918)માં નાયકના ચિંતનાત્મક વિચારો સાથે જીવનના મહત્વના પ્રસંગોને વણી લેવાયા છે.
‘રામ અને કૃષ્ણ’ (1923), ‘બુદ્ધ અને મહાવીર’ (1923), ‘સહજાનંદ સ્વામી’ (1923) અને ‘ઈશુ ખ્રિસ્ત’ – (1925) એ ચાર પુસ્તકોમાં કિશોરલાલ મશરૂવાળાએ છ મહાપુરુષોનાં જીવનકાર્ય અને જીવનસંદેશ આલેખ્યાં છે. મહાદેવ દેસાઈએ ‘વીર વલ્લભભાઈ’ (1928), ‘સંત ફ્રાન્સિસ’ (1933) અને ‘બે ખુદાઈ ખિદમતગાર’ (1936) એ ત્રણ જીવનચરિત્રગ્રંથો આપ્યાં છે.
તાટસ્થ્ય અને ઉચિત મૂલ્યાંકનને કારણે જીવનચરિત્રલેખનનો આદર્શ પૂરો પાડતું વિશ્વનાથ મ. ભટ્ટનું ‘વીર નર્મદ’ (1933) એક સાહિત્યિક કલાકૃતિ બન્યું છે. કનૈયાલાલ મુનશીએ લખેલાં જીવનચરિત્રો ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’ (1939) અને ‘નરસૈંયો : ભક્ત હરિનો’ (1933)માંનું બીજું તેમાંના જીવન અને જીવનદર્શનને લીધે પ્રતીતિકર બન્યું છે. કવિ ન્હાનાલાલે લખેલું તેમના પિતા દલપતરામનું બૃહત જીવનચરિત્ર ‘કવીશ્વર દલપતરામ’ (1933–41, ત્રણ ભાગ) દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે.
ગુણવંતરાય આચાર્યનાં ‘નવજીવન સુભાષ’ (1938) અને ‘શ્રી સુભાષચંદ્ર બોઝ’ (1946), વિજયરાય વૈદ્યનું ‘શુક્રતારક’ (1944), બબલભાઈ મહેતાનાં ‘મહારાજ થયા પહેલાં’ (1947) અને ‘રવિશંકર મહારાજ’ (1947), નરહરિ પરીખનું ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’ (1950), ‘સરદાર વલ્લભભાઈ’ (1950–52) અને ‘શ્રેયાર્થીની સાધના’ (1953) ઇત્યાદિ જીવનચરિત્રો વિવિધ ર્દષ્ટિકોણથી લખાયેલાં છે.
સમભાવ સાથે તટસ્થતા જાળવીને યથાર્થ વ્યક્તિચિત્રો ઉપસાવતાં મહત્વનાં જીવનચરિત્રોમાં અંબાલાલ પુરાણીલિખિત ‘મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર’ (1951) અને ધીરુભાઈ ઠાકરકૃત ‘મણિલાલ નભુભાઈ : જીવનરંગ’ (1957) ખાસ ઉલ્લેખનીય છે.
આ સમયમાં લખાયેલાં અનેક જીવનચરિત્રો પૈકી સુન્દરમરચિત ‘મહાયોગી અરવિંદ’ (1953), અંબાલાલ પુરાણીકૃત ‘અરવિંદ જીવન’ (1957), પાંડુરંગ દેશપાંડેકૃત ‘લોકમાન્ય ટિળક’ (1956), ધનસુખલાલ મહેતાનું ‘સ્વ. સર લલ્લુભાઈ શામળદાસ’ (1954), જયભિખ્ખુકૃત ‘નિર્ગ્રંથ ભગવાન મહાવીર’ (1956), ઈશ્વર પેટલીકરકૃત ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’ (1964), મોહનભાઈ શં. પટેલકૃત ‘આલ્બર્ટ શ્વાઇત્ઝર’ (1964) તથા ધીરુભાઈ ઠાકરકૃત ‘પરંપરા અને પ્રગતિ’ (1980) વગેરે ગુજરાતી જીવનચરિત્રસાહિત્યમાં મૂલ્યવાન ઉમેરો છે.
ગુજરાતી જીવનકથાના છેલ્લા બે દાયકામાં મુકુંદ પારાશર્યકૃત ‘પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન’ (1983), બબાભાઈ પટેલકૃત ‘જે. કૃષ્ણમૂર્તિ : જીવન અને દર્શન’ (1987), પુષ્કરભાઈ ગોકાણીકૃત ‘કર્મયોગી ગુર્જિયેફ’ (1986) અને હસમુખ રાવળકૃત ‘સરદાર વલ્લભભાઈ’ વગેરે નોંધપાત્ર પ્રકાશનો છે.
છેલ્લા બે દાયકામાં ગુજરાતી જીવનકથાના ક્ષેત્રે સંતોષપ્રદ માત્રામાં કાર્ય થયું છે. જીવનકથાના નાયકો અનેક ક્ષેત્રોમાંથી આવ્યા છે. અનેક નામી-અનામી પ્રકાશનસંસ્થાઓનો ફાળો જીવનચરિત્રના ક્ષેત્રે નોંધપાત્ર રહ્યો છે.
ઈ. સ. 1991થી 2000 એટલે કે દસમા દાયકામાં નજર નાંખીએ તો આ દાયકાનું માળાના મેર જેવું જીવનચરિત્ર છે : ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’. નારાયણ દેસાઈએ પિતા મહાદેવભાઈના વ્યક્તિત્વનાં તમામ પાસાંઓનો પરિચય સરસ રીતે કરાવ્યો છે. એવું જ યાદગાર ચરિત્ર મળે છે લાભશંકર ઠાકર પાસેથી ‘બાપા વિશે’. અહીં ચરિત્રનાયક અને લેખક બંનેનાં વ્યક્તિત્વનો પરિચય થાય છે.
આ સિવાયનાં નોંધપાત્ર ચરિત્રોમાં મળે છે ભાવનગરની શિશુવિહાર સંસ્થાના સૂત્રધાર માનભાઈ ભટ્ટના જીવનકાર્યને રજૂ કરતું મીરાંબહેન ભટ્ટકૃત ‘હાથે લોઢું હૈયે મીણ’. એકદમ સામાન્ય માણસ પણ આપબળે મહાન કેવી રીતે થઈ શકે તે અહીં જોવા મળે છે. કનુભાઈ જાનીકૃત ‘મેઘાણી-છબિ’ પણ સારું ચરિત્ર છે.
સામાન્ય રીતે આપણે ત્યાં બહેનોની જીવનકથાઓ ઓછી મળી છે, પણ જે મળી છે તે ખૂબ ઊંચી કક્ષાની છે. કાન્તાબહેન અને હરવિલાસબહેન – આ ભગિનીયુગલ, જે ‘હરિશ્ચંદ્રબહેનો’ના એક નામથી ઓળખાતાં તેમનું ચરિત્ર કાન્તિ શાહે લખ્યું છે : ‘એકત્વની આરાધના’ – એ નામે, એ અનોખી ભાત પાડતી જીવનકથા છે. વિષ્ણુ પંડ્યાએ ‘જીવન સાધકની વિમલયાત્રા’માં આધ્યાત્મિક ઊંચાઈ સિદ્ધ કરનાર વિમલાતાઈનું દળદાર ચરિત્ર આપ્યું છે. ત્રીજું નોંધપાત્ર જીવનચરિત્ર મળે છે ‘અતીતના આયનાની આરપાર’ – જેમાં પતિ રમણ પાઠક લાક્ષણિક વ્યક્તિત્વ ધરાવનાર લેખિકા પત્ની સરોજ પાઠકના વ્યક્તિત્વને ઉપસાવે છે.
ગુજરાતની રંગભૂમિના જાણીતા અભિનેતા પ્રાણસુખ નાયકનું લઘુ જીવનચરિત્ર દિનકર ભોજક અને વિનુભાઈ શાહે ‘રંગનાયક પ્રાણસુખ’ નામે આપ્યું છે. જયંતીલાલ મહેતાએ ચંદ્રકાન્ત બક્ષીનું જીવનચરિત્ર ‘બક્ષી : એક જીવની’ નામે આપ્યું છે, જેમાં બક્ષીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ ઉપસાવ્યાં છે. ‘કલાગુરુ રસિકલાલ પરીખ’ – એ ઊર્મિ પરીખ અને ‘ચં. ચી. મારા ગુરુ’ – એ ગોપાળ શાસ્ત્રીનું ગુરુવંદના રૂપે લખાયેલા ચરિત્રગ્રંથો છે. યોગેશ જોષીએ ‘મોટી બા’ (1998)માં દાદીનાં જીવનને તળપદી અને બળકટ જીવંત ભાષામાં રજૂ કર્યું છે.
ગત દાયકાની જેમ આ નવી સદીના પહેલા દાયકામાં પણ મોટી ઉપલબ્ધિ ગણી શકાય તેવું ચરિત્ર નારાયણ દેસાઈ પાસેથી જ મળ્યું છે ને તે છે ‘મારું જીવન એ જ મારી વાણી’ (ભાગ 1-4, 2003). ગત દાયકામાં તેમણે પોતાના પિતાનું અને આ દાયકામાં તેમણે રાષ્ટ્રના પિતા ગાંધીજીનું જીવનચરિત્ર આપી જીવનકથાના ક્ષેત્રને સમૃદ્ધ કર્યું છે. જયંત પંડ્યા પાસેથી ‘મીરાંબહેન’ અને ‘ગાંધી : મહાપદના યાત્રી’, ચી. ના. પટેલ પાસેથી ‘ગાંધીચરિત્ર’ મળે છે. રઘુવીર ચૌધરી પાસેથી દર્શક અને મોરારિબાપુના કથારસથી ભરેલાં જીવનચરિત્રો મળ્યાં છે.
વર્ષોથી જીવનકથા ક્ષેત્રે અર્પણ કરનાર ઉષા જોષી પાસેથી ‘ઘનશ્યામદાસ બિરલા’, ‘ભારતરત્ન નેલ્સન મંડેલા’ (2006), ‘ભારતરત્ન અબ્દુલ કલામ’ (2008) વગેરે જીવનગ્રંથો મળ્યા છે. ભારતરત્નની પરંપરામાં કનુભાઈ રાવલે પણ ‘ભારતરત્ન બિસ્મિલ્લાખાન’ (2011) નામે સુંદર ચરિત્ર આપ્યું છે.
અન્ય ઉલ્લેખપાત્ર ચરિત્રો છે ‘તરસ્યા મલકનો મેઘ’ (2007) જેમાં મણિલાલ હ. પટેલે પન્નાલાલ પટેલના જીવનને રસમય રીતે આલેખ્યું છે. રમણલાલ સોની ‘રવીન્દ્ર તત્વાચાર્ય નગીનદાસ પારેખ’માં મિત્રનું જીવન આલેખે છે. 2004માં રવીન્દ્રનાથનું ચરિત ‘કવિતાનો સૂર્ય : રવીન્દ્રચરિત’ નામે મહેશ દવેએ આપ્યું છે. ‘પ્રેમમૂર્તિ પૂજાલાલ’ (2009) એ કિરીટ ઠક્કરે આપેલું પૂજાલાલના વ્યક્તિત્વને સરસ રીતે ઉપસાવતું સુંદર પુસ્તક છે. અંબુભાઈ પુરાણી વિશે પણ ચરિત્ર આપ્યું છે.
આ દાયકામાં લેખિકાઓ પાસેથી પણ વિશિષ્ટ પ્રકારનાં ચરિત્રો મળ્યાં છે. ત્રણ બહેનોએ પોતાના પતિ પ્રત્યેના આદરભાવને અને પતિના જીવનકાર્યને બિરદાવતાં ચરિત્રો આપ્યાં છે. કોકિલાબહેન અંબાણી ‘ધીરુભાઈ અંબાણી : મારા જીવનસાથી’ (2007), સદગુણાબહેન ત્રિવેદી (અન્ય સાથે) ‘સ્મૃતિરૂપેણ સંસ્થિતા’ (2008) અને રમાબહેન ઠાકોર ‘માણ્યું તેનું સ્મરણ કરવું’ (2009)માં પતિનાં જીવનકાર્યોને – ગુણોને – કાર્યનિષ્ઠાને ઉજાગર કરે છે. લતા હિરાણી ‘સ્વયંસિદ્ધા’માં કિરણ બેદીનું પ્રેરણાત્મક ચરિત્ર આપે છે.
આ સિવાય દુષ્યંત પંડ્યા ‘સુંદરજી બેટાઈ’, રમેશ ત્રિવેદી ‘એચ. એમ. પટેલ’, ગીતા શાહ ‘પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ: મોતીભાઈ અમીન’, રઈશ મણિયાર ‘મરીઝ : અસ્તિત્વ અને વ્યક્તિત્વ’, બિરેન કોઠારી ‘રુસ્વા મઝલૂમી’, અભિજિત વ્યાસ ‘સત્યજિત રાય : જીવન અને કલા’ વગેરે અનેક જીવનચરિત્રો મળ્યાં છે.
આ બે દાયકામાં કેટલીક અનૂદિત જીવનકથાઓ પણ મળી છે, જેમાં કિશોર ગૌડનું કાર્ય ખાસ ધ્યાનપાત્ર છે. ‘ભગીરથના વારસદાર’ (મૂ. લે. વીણા ગવાણકર), ‘પૈડાંવાળી ખુરશી’ (મૂ. લે. નસીમા હરજુક) વગેરે તેમના નોંધપાત્ર અનુવાદો છે. ‘ગુરુદત્ત : એક અશાંત કલાકાર’ એ ઈસાક મુજવરના ગ્રંથનો જસવંતી દવેએ અનુવાદ કરેલો ચરિત્ર ગ્રંથ છે. હરેશ ધોળકિયાનું કાર્ય પણ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત પ્રસાદ બ્રહ્મભટ્ટ, અમૃત મોદી, દિનકર જોષી, નલિન પંડ્યા, કુમારપાળ દેસાઈ, પ્રફુલ્લ રાવલ, તરલા દેસાઈ, મનસુખ સલ્લા, તરુ કજારિયા, મનુ રાવલ, મંગુભાઈ પટેલ, યશવંત મહેતા, બિપિન સાંગણકર, પી. સી. પટેલ, સતીષ પંડ્યા અને અન્ય અનેક લેખકોએ નાના-મોટા ચરિત્રગ્રંથો આપ્યા છે. વળી ચરિત્રાત્મક નિબંધોની સંખ્યા તો પ્રચુર માત્રામાં છે. નાયકના જીવનની મહત્વની રૂપરેખા આલેખતા અનેક ચરિત્રનિબંધસંગ્રહો આ બે દાયકામાં મળ્યા છે.
એકંદરે ચરિત્રસાહિત્ય સમૃદ્ધ છે. આ જીવનકથાઓનું વાચન ભાવિ પેઢી માટે પ્રેરણાત્મક બની રહે તેવું વૈવિધ્યસભર અને સત્વશીલ છે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ
શ્રદ્ધા ત્રિવેદી