જિલાસ, મિલોવાન (જ. 1911, કોલાસિન, મૉન્ટેનિગ્રો; અ. 20 એપ્રિલ 1995, બેલ્ગ્રેડ, યુગોસ્લાવિયા) : રાજકીય ચિંતક, લેખક, અગાઉના યુગોસ્લાવિયાના સામ્યવાદી પક્ષ તેમજ સરકારમાં માર્શલ ટીટોના સાથી અને સામ્યવાદી વિચારસરણી તથા કાર્યપદ્ધતિના નિર્ભીક ટીકાકાર. 1933માં બેલ્ગ્રેડ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક. યુગોસ્લાવિયાની રાજાશાહીની સરમુખત્યારશાહી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા માટે તેમને 3 વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. 1937માં તેઓ યુગોસ્લાવિયાના સામ્યવાદી પક્ષના મહામંત્રી જોસિપ બ્રોઝ ટીટો(જે 1945માં યુગોસ્લાવિયાના પ્રમુખ બન્યા)ના સંપર્કમાં આવ્યા અને યુગોસ્લાવિયાના સામ્યવાદી પક્ષમાં જોડાયા. 1938માં પક્ષની કેન્દ્રીય સમિતિ અને 2 વર્ષ પછી પક્ષના પૉલિટબ્યૂરોના સભ્ય બન્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે તેમણે યુગોસ્લાવિયામાં નાઝી લશ્કરો સામેના પ્રતિકાર-આંદોલનમાં મહત્વનો ભાગ ભજવ્યો. યુદ્ધને અંતે 1945માં ટીટોના મંત્રીમંડળમાં અગ્રણી મંત્રી બન્યા અને 1948માં ટીટોએ સોવિયેટ સંઘથી સ્વતંત્ર નીતિ અખત્યાર કરી તે વખતે તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો.
જાન્યુઆરી, 1953માં જિલાસ યુગોસ્લાવિયાના (ચારમાંથી) એક ઉપપ્રમુખ બન્યા. ડિસેમ્બર, 1953માં સમવાયી ધારાસભા(Federal Peoples Assembly)ના અધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ. પરંતુ એક જ મહિનામાં પક્ષના બીજા નેતાઓ સાથે વૈચારિક ઘર્ષણ થતાં તેમને બધા રાજકીય હોદ્દા પરથી ફારેગ કરવામાં આવ્યા.
એપ્રિલ, 1954માં જિલાસે પોતે જ સામ્યવાદી પક્ષમાંથી રાજીનામું આપી દીધું. વિદેશી અખબારો સમક્ષ યુગોસ્લાવિયાની સરકારની ટીકા કરવા માટે તેમને 18 મહિનાની સજા કરવામાં આવી, જેનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો; પરંતુ 1956માં અમેરિકન સામયિક ‘ન્યૂ લીડર’માં સામ્યવાદી શાસન સામે હંગેરિયનોના વિદ્રોહ અંગે પ્રશંસાજનક લેખ માટે ડિસેમ્બર, 1956માં તેમને જેલની સજા કરવામાં આવી. જેલમાં તેમણે ખૂબ પ્રખ્યાત થયેલું પુસ્તક ‘ધ ન્યૂ ક્લાસ’ લખ્યું; તેની હસ્તપ્રત ચોરીછૂપીથી ન્યૂયૉર્ક પહોંચાડી. 1957માં તે ત્યાંથી પ્રગટ કરવામાં આવ્યું. આ પુસ્તકમાં તેમણે સામ્યવાદી સિદ્ધાંતોના આધારોને જ પડકાર્યા અને માર્કસ તથા લેનિને પક્ષમાં વિશેષાધિકાર ભોગવનાર અને સમાજનું શોષણ કરનાર નવો વર્ગ પેદા કર્યો તેની ટીકા કરી.
જાન્યુઆરી, 1961માં જિલાસને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા; પરંતુ મે 1962માં ‘કૉન્વર્સેશન વિથ સ્તાલિન’ નામના પુસ્તકમાં યુગોસ્લાવિયાએ સોવિયેટ સંઘ પ્રત્યે અપનાવેલી સમાધાનકારી નીતિની કરેલી ટીકા બદલ ફરીથી તેમને કેદની શિક્ષા કરવામાં આવી. ડિસેમ્બર, 1966માં તેમને કેદમાંથી મુક્ત કર્યા પછી પણ 5 વર્ષ સુધી યુગોસ્લાવિયામાં પુસ્તક પ્રગટ કરવા કે જાહેરમાં વિધાનો કરવા અંગે તેમના પર પ્રતિબંધ ચાલુ રહ્યો; તેમ છતાં તેમણે થોડા સમયમાં જ પોતાની લેખનપ્રવૃત્તિ ફરી શરૂ કરી. જીવનને અંતે તેમને મુક્ત યુગોસ્લાવિયાનું સ્વપ્ન સાકાર થતું દેખાયું; પરંતુ વંશીય ઘર્ષણ અને આંતરયુદ્ધને લીધે તે નષ્ટ થયું.
‘ધ ન્યૂ ક્લાસ’ ઉપરાંત જિલાસે લખેલાં કેટલાંક મહત્વનાં પુસ્તકો તે ‘સ્ટ્રગલ ઑવ્ ધ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑવ્ યુગોસ્લાવિયા’ (1948), ‘ધ લેજન્ડ ઑવ્ નેગોસ’ (1952), ‘લૅન્ડ વિધાઉટ જસ્ટિસ’ (1958), ‘ધ લેપર’ (1964), ‘ધ અનપરફેક્ટ સોસાયટી : બિયૉન્ડ ધ ન્યૂ ક્લાસ’ (1969), ‘મેમ્વાર ઑવ્ અ રેવલૂશનરી’ (1973), ‘પાર્ટ્સ ઑવ્ અ લાઇફટાઇમ’ (1975), ‘વૉર ટાઇમ’ (1977), ‘ટીટો : ધ સ્ટોરી ફ્રૉમ ઇનસાઇડ’ (1980).
ર. લ. રાવળ