જિરેનિયેસી (Geraniaceae)

January, 2012

જિરેનિયેસી (Geraniaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે જિરેનિયમ પ્રજાતિ (Geranium genuis) તથા અન્ય જાતિઓ – મુખ્યત્વે પેલાર્ગોનિયમ (Pelargonium) જાતિઓ ધરાવે છે. તેમાં 300થી પણ અધિક પ્રજાતિઓનો સમાવેશ થયેલ છે. મૂળ દક્ષિણ આફ્રિકામાં ઊગતી જિરેનિયમ કુળની વનસ્પતિનું ઉદ્યાનમાં સુશોભન માટે ઇંગ્લૅન્ડમાં ઈ. સ. 1690માં પ્રથમ વાર વાવેતર થયું. તેનો ભૌગોલિક વિસ્તાર પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના શીતકટિબંધ પ્રદેશો તેમજ દક્ષિણ ગોળાર્ધના પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે. આ કુળમાં આવતી વનસ્પતિઓ સામાન્યત: એકવર્ષાયુ કે બહુવર્ષાયુ છોડ સ્વરૂપે હોય છે. તેમનાં શરીર કાં તો ટટ્ટાર એટલે કે પ્રકાંડ ટટ્ટાર હોય છે અથવા વિસ્તૃત અને પાતળાં (trailing) હોય છે. પંજાકાર પર્ણો ઊંડા ખાંચા અને ખંડો (lobes) ધરાવે છે અને ગાંઠ ઉપર સામસામાં ગોઠવાયેલાં હોય છે. પુષ્પોમાં પાંચ પાંખડી ધરાવતું વજ્ર હોય છે; ફૂલમણિ કે દલપુંજની પાંખડીઓ એકબીજીને આવરતી (overlapping) હોય છે. તે પાંખડી સાથે નાની નાની ગ્રંથિઓ એકાંતરિત રીતે ગોઠવાયેલી જોવા મળે છે. પુંકેસરો 10ની સંખ્યામાં હોય છે.

સામાન્યત: તેમનાં ફૂલ સારસ પક્ષીની ચાંચ જેવાં હોવાથી તેમને અંગ્રેજીમાં ક્રેઇનબિલ અથવા સ્ટૉર્કબિલ કહે છે. આકર્ષક ફૂલો ધરાવતાં જિરેનિયમ બગીચામાં તેમજ ગ્રીન હાઉસમાં ઉગાડવામાં આવે છે. યુરોપમાં ઇંગ્લૅન્ડ તથા હોલૅન્ડમાં તેની અનેક જાતો ઉદ્યાનકારો (horticulturists) દ્વારા ઉગાડવામાં આવે છે. એક અથવા બે (double) સફેદ રંગથી માંડીને ગુલાબી રંગનાં વિવિધ છાંટ ધરાવતાં આકર્ષક પુષ્પો હજારોની સંખ્યામાં ઉગાડવામાં આવે છે. પેલાર્ગોનિયમ પણ જિરેનિયમ પ્રજાતિની વનસ્પતિમાં છે. પાંદડાંમાં કથ્થાઈ રંગનાં વલયો હોવાથી તેને ઝોનલ (zonale) પ્રજાતિ નામ આપવામાં આવે છે. જિરેનિયેસી કુળની અમુક પ્રજાતિ કે જાતિઓ લતા જેવી આરોહી હોય છે તો અમુક સુગંધિત પર્ણો ધરાવતી પ્રજાતિ હોય છે. આ કુળમાં આવતી ઇરોડિયમ સિક્યુસિયમ – Erodium cacuteum – જે અંગ્રેજીમાં આલ્ફાલેરિયા(alfalaria) તરીકે ઓળખાય છે તેનું પ્રકાંડ રતાશ પડતું હોય છે અને તેનાં પર્ણોનો  ઉપયોગ ચારા તરીકે થાય છે.

આ કુળમાં આવતા ગુલાબી જિરેનિયમ(Rose geranium)નાં પર્ણો જામને સુગંધિત બનાવવા માટે વપરાય છે. તેની જંગલી વગડાઉ જાત(herb Robert કે red Robin)નો ઉપયોગ ઔષધ તરીકે પણ થાય છે.

જિરેનિયેસી કુળમાં આવતી વનસ્પતિઓ બીજમાંથી તેમજ કલમમાંથી ઉગાડવામાં આવે છે. તેઓ સામાન્ય જમીનમાં ઊગી શકે છે, પરંતુ તે માટે ખૂબ તડકો તથા માફકસર પાણીની જરૂર રહે છે.

અવિનાશ બાલાશંકર વોરા