જિબ્રાલ્ટરની સામુદ્રધુની : યુરોપના સ્પેન અને ઉત્તર આફ્રિકાના મોરોક્કોને છૂટી પાડતી સાંકડી સામુદ્રધુની. તે દ્વારા પશ્ચિમ તરફથી ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશી શકાય છે, જ્યારે પૂર્વ તરફથી આટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશી શકાય છે. યુદ્ધના સમયમાં જિબ્રાલ્ટર તેના વ્યૂહાત્મક અગત્યવાળા સ્થાનને કારણે ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ માટેનો દરિયાઈ માર્ગ બંધ કરી શકે છે. સામુદ્રધુની 80 કિમી. લાંબી અને 13થી 37 કિમી. પહોળી છે. તેનો પૂર્વ તરફનો ભાગ સૌથી વધારે ઊંડો છે, જ્યારે પશ્ચિમ તરફનો છેડો 320 મી. ઊંડો છે. આ સામુદ્રધુનીનો ઉપરનો પ્રવાહ પૂર્વ તરફ વહે છે અને તે પ્રાણવાયુ અને પોષક દ્રવ્યોયુક્ત છે. નીચેનો ખારો પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે. પૂર્વ છેડે આફ્રિકા અને યુરોપમાં કાંઠે ઊપસી આવેલા ભૂભાગો (જિબ્રાલ્ટર શિલા તથા જેબલ મૂસા) હરક્યુલિસના સ્તંભો તરીકે ઓળખાય છે.
શિવપ્રસાદ રાજગોર