જિજાબાઈ (જ. 1595, સિંદખેડરાજા, વિદર્ભ; અ. 1674) : છત્રપતિ શિવાજીનાં માતા. પિતા નિઝામશાહીના અગ્રણી સરદાર. રામાયણ, મહાભારત તથા પુરાણોની કથાઓ નાનપણમાં રસપૂર્વક સાંભળતાં, જેનાથી ભારતીય સંસ્કૃતિ તથા ધર્મ પ્રત્યેની નિષ્ઠાનાં બીજ રોપાયાં. 1605માં શાહજી ભોંસલે સાથે લગ્ન થયાં. તેમનાં 6 સંતાનોમાંથી 4 કાચી ઉંમરે મૃત્યુ પામ્યાં. જીવ્યા તે સંભાજી અને શિવાજી. મુઘલ સરદાર અફઝલખાનના કાવતરાએ સંભાજીનો ભોગ લીધો (1689). 1636 પહેલાં જિજાબાઈ પતિ શાહજીની પુણે વિસ્તારની જાગીરના પ્રદેશમાં રહેવા આવ્યાં અને ત્યારથી તત્કાલીન રાજકારણ અને જાગીરના વહીવટમાં સક્રિય રસ લેતાં થયાં. ટૂંક સમયમાં કુશળ વહીવટકર્તા અને ધર્મપરાયણ સન્નારી તરીકે તેમની ખ્યાતિ થઈ. શિવાજીમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત કરવામાં તથા તેમને રાજ્યવહીવટની તાલીમ આપવામાં તેમનો ફાળો નિર્ણાયક બન્યો. જાગીરના પ્રદેશમાં તેમણે નવાં મંદિરો બંધાવ્યાં તથા બીજાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેઓ ધર્મનિષ્ઠ હતાં, પણ તેમનામાં અંધશ્રદ્ધા નહોતી. ગરીબ અને દુ:ખી લોકો પ્રત્યે વિશેષ લાગણી ધરાવતાં. શિવાજીએ તેમની સુવર્ણતુલા કરી તે પછી તેનું બધું સોનું તેમણે ગરીબોને દાનમાં આપ્યું. અકસ્માતમાં પતિનું મૃત્યુ થતાં તેઓ સતી થવા માગતાં હતાં; પરંતુ શિવાજીએ તેમને વાર્યાં. શિવાજી આગ્રા ગયા ત્યારે રાજ્યવહીવટ માતાને સોંપતા ગયા. શિવાજી માટે તેઓ પ્રેરણાનો સ્રોત હતાં.
સ્વતંત્ર મિજાજ ધરાવતાં, સ્વાભિમાની, ર્દઢનિશ્ચયી, વિચક્ષણ નેતૃત્વ પૂરું પાડનાર મહિલા તરીકે ભારતના ઇતિહાસમાં તેમની નોંધ લેવાયેલી છે.
પુણેની નજીક પાચોડ ખાતે તેમની સમાધિ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે