જિનદત્તસૂરિ

January, 2012

જિનદત્તસૂરિ (જ. 1076; અ. 1155) : જૈન ધર્મના ખરતરગચ્છના આદ્યસ્થાપક આચાર્ય. જૈન ધર્મના પ્રભાવી આચાર્યોમાં જિનદત્તસૂરિનું નામ પણ આદર સાથે લેવાય છે. તે ખરતરગચ્છના પ્રથમ આચાર્ય મનાય છે. ઈ. સ. 1168માં તેમણે સ્વતંત્ર ખરતરગચ્છની સ્થાપના કરી હતી. તે સુવિહિત માર્ગી જિનવલ્લભસૂરિના પટ્ટધર શિષ્ય હતા.

જિનદત્તસૂરિનો જન્મ વૈશ્યવંશના હુંબડ ગોત્રમાં ઈ.સ. 1076માં થયો હતો. તે ધવલક્ક-નગર(ધોળકા)નિવાસી શ્રેષ્ઠી વાચ્છિકના પુત્ર હતા. તેમની માતાનું નામ વાહડદેવી હતું. તેમણે 9 વર્ષની વયે ઈ.સ. 1085માં ઉપાધ્યાય ધર્મદેવ પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી. નવદીક્ષિત મુનિનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. ભાવડાગચ્છના આચાર્યની પાસે રહી તેમણે પંજિકાનું અધ્યયન કર્યું અને હરિસિંહાચાર્ય પાસેથી સૈદ્ધાન્તિક વાચના ગ્રહણ કરી તેમજ મંત્રવિદ્યાનું પ્રશિક્ષણ લીધું. સાત વર્ષ સુધી પાટણમાં રહી તેમણે જૈન દર્શનના વિવિધ વિષયોનું ગહન અધ્યયન કર્યું અને દિગ્ગજ વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરી વિજયી થયા.

ચિતોડમાં ઈ.સ. 1113ના વૈશાખ કૃષ્ણષષ્ઠી શનિવારે દેવભદ્રાચાર્યે તેમને આચાર્યપદે નિયુક્ત કર્યા અને ત્યારથી તે જિનદત્તસૂરિના નામે પ્રસિદ્ધ થયા.

મારવાડ, સિંધ, ગુજરાત, વાગડ, મેવાડ અને સૌરાષ્ટ્રમાં વિહાર કરીને તેઓએ હજારો લોકોને જૈન બનાવ્યા અને નવાં ગોત્રોની સ્થાપના કરી. જૈનોની સંખ્યાનો વિસ્તાર એ તેમના જીવનની અભૂતપૂર્વ દેન છે.

જિનદત્તસૂરિએ ઈ.સ. 1155માં વિક્રમપુરમાં જિનચંદ્રસૂરિને તેમના ઉત્તરાધિકારી જાહેર કર્યા. આ વખતથી જ ખરતરગચ્છના આચાર્યોનાં નામ આગળ ‘જિન’ શબ્દ જોડવાની પ્રથા શરૂ થઈ.

ઈ.સ. 1155માં આષાઢ શુક્લ એકાદશીના દિવસે અજમેરમાં જિનદત્તસૂરિનો અનશનપૂર્વક સ્વર્ગવાસ થયો. તે ‘દાદા’ના નામથી પ્રસિદ્ધ થયા. જિનદત્તસૂરિના નામે બનેલી દાદાવાડીઓ આજે પણ અનેક સ્થળે છે.

જિનદત્તસૂરિ પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ ભાષાના અધિકારી વિદ્વાન હતા. તેમણે રચેલી મહત્ત્વપૂર્ણ કૃતિઓમાંની કેટલીકનાં નામ આ પ્રમાણે છે : ગણધર સાર્ધશતક (પ્રાકૃત), સંદેહદોહાવલી (પ્રાકૃત), ગણધરસપ્તતિ (પ્રાકૃત), વિઘ્નવિનાશિકાસ્તોત્ર (પ્રાકૃત), વ્યવસ્થા કુલક (પ્રાકૃત), પ્રાકૃત વિંશિકા (પ્રાકૃત), ઉપદેશ રસાયન (અપભ્રંશ), કાલસ્વરૂપ (અપભ્રંશ), ચર્ચરી (અપભ્રંશ) વગેરે.

જિનદત્તસૂરિની રચનાઓ અધિકાંશે સ્તુત્યાત્મક અને ઉપદેશાત્મક છે. ‘ગણધર સાર્ધશતક’ તેમની ઉત્તમ કૃતિ છે. તેનાં 150 પદ્યો છે.

તેમના સમયમાં જૈન ધર્મનો વ્યાપક પ્રચાર અને ઘણી મોટી સંખ્યામાં જૈનીકરણનું કાર્ય એ તેમના જીવનની મહત્વપૂર્ણ ઘટના છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા