જિગર અને અમી [પૂર્વાર્ધ (1943), ઉત્તરાર્ધ

January, 2012

જિગર અને અમી [પૂર્વાર્ધ (1943), ઉત્તરાર્ધ : દ્વિતીય તથા તૃતીય દર્શન (1944)] : ચુનીલાલ વર્ધમાન શાહ(1887–1966)ની ગુજરાતી નવલકથા.

લેખકના કહેવા પ્રમાણે અમદાવાદમાં પંડિત વિશ્વંભર મોક્ષાકરને નામે જાણીતા થયેલા કથાનાયક વિશ્વંભરની નોંધ પરથી, તેમની અનુમતિથી આત્મકથન સ્વરૂપમાં લખાયેલી આ સત્યઘટનાત્મક નવલકથા છે. પ્રથમ તે ગુજરાતી પાક્ષિક ‘પ્રજાબંધુ’માં પ્રગટ થઈ હતી.

પૂર્વાર્ધની વાર્તામાં આદર્શનિષ્ઠ વિશ્વંભર અને તેની પતિવ્રતા પત્ની ચંદ્રાવલિનું પ્રણયમધુર સુખી દામ્પત્ય અને કુટુંબીજનોનો ચંદ્રાવલિ પ્રત્યે પક્ષપાત, વિશ્વંભરની ઓરમાન વિધવા માતા માયાદેવી ઉર્ફે જીયાનાં ઈર્ષ્યા અને દ્વેષનાં કારણ બનતાં ગૃહક્લેશ સર્જાય છે.

માયાદેવી સગા પુત્ર પ્રાણનાથને મિલકત મળે માટે વિશ્વંભરને ચંદ્રાવલિને હસ્તે દૂધમાં ઝેર આપવાનું કાવતરું ઘડે છે. વિશ્વંભરની બહેન લીલા કાવતરું પારખી ચેતવે છે છતાં ચંદ્રાવલિ ઝેરવાળું દૂધ પી આત્મહત્યા વહોરે છે. ચંદ્રાવલિ પાછળ રખડી-રઝળી જીવન પૂરું કરવાની અને પૈસો-મિલકત શિવનિર્માલ્ય ગણવાની પ્રતિજ્ઞા લઈ વિશ્વંભર ઘર છોડી જાય છે

ઉત્તરાર્ધની વાર્તામાં ઘર છોડી ભ્રમણે નીકળેલ વિશ્વંભર વૈરાગ્ય ઊપજ્યો ન હોવા છતાં જૈન ધર્મની દીક્ષા લઈ વિશુદ્ધવિજય નામ ધારણ કરે છે. ભ્રમણના અનુભવોમાં વિશ્વંભર કાંચનકામિનીનાં પ્રલોભનોમાં પવિત્ર રહે છે. તે જૈન સાધુસમાજના આચાર વિરુદ્ધ સ્ત્રીઓના સંસર્ગમાં આવી તેમને સન્માર્ગે વાળે છે. તેના ચમત્કારપૂર્ણ અનુભવમાં પુષ્પકાન્તા રૂપે પુનર્જન્મ પામેલી ચંદ્રાવલિ સાથે તેનો મેળાપ થાય છે. પુષ્પકાન્તા પૂર્વજન્મના પતિને ઓળખી વિશ્વંભરને ફરી પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જતાં આત્મહત્યા કરે છે.

વિશ્વંભર સાધુજીવનના અનાચાર-દુરાચારથી વિક્ષુબ્ધ થઈ, એ જીવન સ્ત્રીઓની સ્થિતિ સુધારવામાં નડતરરૂપ થવાથી, સાધુજીવન ત્યજી, ચંદ્રાવલિના ફરી સંપર્કની આશા રાખી, શિક્ષણક્ષેત્રે સ્ત્રીકેન્દ્રી સેવાનાં કાર્યો કરે છે.

સૌભાગ્યરાત્રિએ વિશ્વંભર અને ચંદ્રાવલિએ પરસ્પર આપેલાં નામ ‘જિગર’ અને ‘અમી’ પરથી નવલકથાનું નામકરણ થયું છે. પૂર્વાર્ધ ગાઢ પ્રણયની તેમજ કુટુંબકંકાસની કથા અને ઉત્તરાર્ધ અતિ શિથિલ વસ્તુસંકલનાવાળી ભ્રમણગાથા બની રહે છે. નવલકથા જેટલી લોકપ્રિય તેટલી જૈન સાધુસમાજની ટીકાને કારણે ઊહાપોહ સર્જનારી નીવડી હતી. અત્યાર સુધીમાં પૂર્વાર્ધનાં 15 અને ઉત્તરાર્ધનાં 17 મુદ્રણ થયાં છે. આ નવલકથા પરથી 1970માં ‘જિગર અને અમી’ ગુજરાતી ફિલ્મ બનેલી.

મનોજ દરુ