જાપાની સાહિત્ય : પૂર્વભૂમિકા : જાપાનના સાહિત્યના ખેડાણનો પ્રારંભ ઈસુની સાતમી સદીમાં થયેલો જણાય છે. તે પહેલાં જાપાની ભાષાનું પોતીકું સાહિત્ય લિખિત સ્વરૂપમાં મળતું નથી. વસ્તુત: પાડોશના મોટા દેશ ચીનના સાંસ્કૃતિક પ્રભાવને કારણે, જાપાનમાં પ્રાચીન યુગમાં મુખ્યત્વે શાહી દરબાર અને અમીર-ઉમરાવો તથા ભદ્ર વર્ગના થોડાક લોકો પૂરતું ચીની સાહિત્ય પ્રચલિત હતું.

જાપાની કવિતા : ‘કૉજિકી’ (712) તળ જાપાની ભાષામાં રચાયેલ પ્રથમ ગ્રંથ છે. તેમાં જાપાનની પ્રાચીન દંતકથાઓ તથા ઐતિહાસિક ઘટનાઓનું પદ્યનિરૂપણ છે. ‘નિહોગી’ (720) ચીની ભાષામાં રચાયેલ કૃતિઓના સંગ્રહ તરીકે મહત્વનો છે. તે જ અરસામાં હિતોપારો અને અખાહિતો નામના કવિઓએ જાપાની ભાષામાં લખતા સાહિત્યકારો તરીકે સારી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. પણ મહાગ્રંથ તરીકેની ખ્યાતિ મેળવનાર કૃતિ તે ‘મૅન-યૉશુ’. આઠમી સદીમાં પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથમાં સમકાલીન તેમજ અગાઉના સમયના અનેક સાહિત્યકારોની કાવ્યરચનાઓ સંગૃહીત થયેલી છે. તેમાં તળ જાપાનની ભૂમિની સુગંધ ઉપરાંત ઇતિહાસ, પુરાતત્વ અને સમાજશાસ્ત્રવિષયક ઘટનાઓ, હકીકતો, રીતરિવાજો અને સંદર્ભોની મૂલ્યવાન સામગ્રી છે. બારમીથી પંદરમી સદી દરમિયાન ‘નિ-જૂ-ઇચી-દાઈ-શૂ’ નામથી વિખ્યાત થયેલી સંખ્યાબંધ ગ્રંથશ્રેણી સળંગ 4 સદી સુધી પ્રગટ થતા રહેલા ગ્રંથોની શ્રેણી તરીકે જગતસાહિત્યની એક અભૂતપૂર્વ ઘટના ગણાય છે. આ ગ્રંથો શાહી શાસનના ફરમાન દ્વારા અને તેની આર્થિક મદદથી પ્રસિદ્ધ થયેલા છે અને તેમાં અનેક સમકાલીન ઉમરાવો ઉપરાંત લોકસમાજમાંના કવિઓની કૃતિઓ પણ સંગૃહીત થયેલી છે. એ સમયગાળામાં તીકા ક્યો નામના સાહિત્યપ્રેમી ઉમરાવે સંપાદિત કરી પ્રગટ કરેલી 100 કવિઓની કૃતિઓના ગ્રંથની કાવ્યરચનાઓ એટલી લોકપ્રિય થઈ પડી કે તે જિહવાગ્રે હોવી તે તત્કાલીન જાપાનમાં પ્રત્યેક સુશિક્ષિત વ્યક્તિને માટે આવશ્યક ગુણલક્ષણ ગણવામાં આવતું.

પ્રાચીન જાપાની કાવ્યસાહિત્યનો ઇતિહાસ જોતાં ત્રણ મહત્વની બાબતો તરી આવે છે : (1) જાપાની કાવ્યગ્રંથોનું નિર્માણ કોઈ એકાદ કવિને કેન્દ્રમાં રાખીને નહિ, પણ કોઈ એકાદ સમયગાળાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતું હતું; (2) તે કાળે જગતભરમાં અક્ષરજ્ઞાનનો પ્રસાર ઘણો અલ્પ હતો ત્યારે પણ જાપાનમાં મહિલાકવિઓનું પ્રમાણ, અન્ય દેશોના સાહિત્યની તુલનામાં ઘણું ઊંચું હતું; અને (3) જાપાનની કવિતા પ્રાસ પર નહિ પણ અક્ષરો(syllables)ની સંખ્યા પર મહદંશે આધારિત હોઈ કાવ્યરચનાનું કામ પ્રમાણમાં સરળ અને તેથી લોકપ્રિય નીવડ્યું હતું. આ સંજોગોમાં શાહી દરબારમાં તેમજ અમીર-ઉમરાવોના સમારંભોમાં સ્પર્ધા રૂપે અને આમજનતામાં પ્રણયીઓના કે લગ્નોત્સુકોના પત્રવ્યવહારમાં તેમજ પાદપૂર્તિની જાહેર સભાઓમાં એકબીજાને માત કરવા માટે કવિતા એ ચાતુર્ય અને વાક્પટુતાની અભિવ્યક્તિનું સબળ માધ્યમ બની રહ્યું; તેથી આ પ્રકારની કાવ્યરચનાઓમાં સ્વાભાવિક કાવ્યતત્વ કરતાં ચબરાકિયાપણું વધુ આવી જતું. પરિણામે તે કાળનું જાપાની કાવ્યસાહિત્ય સંખ્યાની ર્દષ્ટિએ જેટલું માતબર હતું તેટલું ગુણવત્તાની ર્દષ્ટિએ સમૃદ્ધ ન ગણાય. જાપાની કાવ્યો સામાન્ય રીતે ટૂંકાં રહેતાં, જે એકસાથે તેનું બળ તેમજ તેની મર્યાદા બની રહેલ. આ સંજોગોમાં ફક્ત 31 જ અક્ષરો ધરાવતી 5-5 પંક્તિઓ(7+5+7+5+7 અક્ષરો)વાળી તાન્કા નામની કાવ્યરચનાઓ જાપાનમાં પ્રચલિત બની રહી.

આ તાન્કા પ્રકારનાં કવિતોમાંથી જાપાનમાં એક વિશિષ્ટ પ્રકારની કાવ્યરચના વિકસી તે ‘રેન્કા’ એટલે કે સંકલિત કવિતા (linked verse). તેમાં પ્રથમ 3 પંક્તિઓની રચના એક કવિ કરે અને તેની પાદપૂર્તિ રૂપે, અને ઘણી વાર તો શીઘ્ર રચના તરીકે બાકીની 2 પંક્તિઓ બીજો કવિ રચે – એમ સમય અને સંજોગો પ્રમાણે અનેક કવિઓ બીજી 3-3 અને 2-2 પંક્તિઓ (અલબત્ત 7+5+7+5+7 માપની) રચતા જાય અને એમ તે સાંકળમાં વધુ ને વધુ કડીઓ ઉમેરાતી જાય એવો એ વિશિષ્ટ પ્રકાર છે. આમ જાપાનમાં તેરમીથી સત્તરમી સદી દરમિયાન આવી સંકલિત કવિતાનું થોકબંધ સાહિત્ય સર્જાયું હતું, પણ તેનું સાહિત્યિક મૂલ્ય ઝાઝું નહોતું. પંદરમી સદીમાં થઈ ગયેલ સોગી (1421–1502) રેન્કા પ્રકારનાં કાવ્યોના મોટા ગજાના કવિ તરીકેની ખ્યાતિ ધરાવે છે.

તે પછી કાળક્રમે પાંચ-પાંચ પંક્તિઓનાં કાવ્યોનું સ્થાન કુલ 17 જ અક્ષરો (5+7+5) ધરાવતાં 3-3 પંક્તિઓનાં ‘હાઈકુ’ નામથી જાણીતાં કાવ્યમુક્તકોએ લીધું. આ હાઈકુ પ્રકારની કાવ્યરચના ચાલુ સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ઘણી લોકપ્રિય બની છે. ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ’ નામથી પ્રસિદ્ધ થયેલ હાઈકુ-સંગ્રહમાં ગુજરાતી ભાષામાં રચાયેલ ‘સ્નેહરશ્મિ’નાં હાઈકુ-કાવ્યો, તેના અંગ્રેજી અનુવાદ (5 હાઈકુ સ્વરૂપમાં) સાથે સંગૃહીત થયેલાં છે.

તળ જાપાનમાં આ પ્રકારની તાન્કા અને હાઈકુ પ્રકારની કાવ્યરચનાઓ એટલી લોકપ્રિય નીવડી હતી કે તે માટે જાપાનમાં તાલીમવર્ગો વ્યાપક ધોરણે ચાલવા લાગ્યા હતા. સત્તરમી સદીમાં થઈ ગયેલ ઇહિરા સાઈકાકુ (1642–93), માત્સુઓ બાશો (1644–1694) અને ચિકામાત્સુ મોન્ઝેએમન (1653–1725) અને તે પછી અઢારમી સદીના યોલા બુશેન (1716–1782), કાબાયુશી ઈસ્સા (1763–1828), જિયેન્સા ઈક્કુ (1766–1837) અને તાકીઝાકા બાકીન (1767–1748) વગેરે કવિઓએ હાઈકુ-રચયિતા તરીકે તથા ઓકુમા આકેમા કોતો મીચી (1798–1868) અને તાચીબાના આકેમી (1812–1868) વગેરે કવિઓએ વાકા કાવ્યોના પ્રયોજક તરીકે તેમજ કાવ્યકડીઓના રચયિતા તરીકે સારી ખ્યાતિ મેળવી હતી.

ઓગણીસમી સદીના અંતભાગે જાપાનના તત્કાલીન શહેનશાહ યોશિહિતો દરરોજ સાંજે પોતાનો સમય કાવ્યરચના માટે ફાજલ પાડતા. 1893થી 1900ના સાત જ વર્ષના સમયગાળા દરમિયાન તેમણે 27,000થી પણ વધુ હાઈકુની રચના કરી હતી તે હકીકત, આધુનિક યુગમાં પણ હાઈકુની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાની દ્યોતક છે.

દરમિયાન 1968માં જાપાનમાં મેઈજી યુગના ઉદય સાથે અલિપ્તતાની જાપાનની જૂની રાજ્યનીતિમાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનના પગલે પગલે વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, વિજ્ઞાન જેવાં જીવનનાં અનેક ક્ષેત્રોની સાથે સાથે સાહિત્યમાં પણ યુરોપ અને અમેરિકાના વિવિધ દેશોના સાહિત્યનો પ્રભાવ ઝડપથી વધવા લાગ્યો. પરિણામે જાપાની કવિતામાં રૂઢિજડતા, કલ્પનાવિહાર અને ઉપદેશવાદનું સ્થાન વાસ્તવવાદ, પ્રયોગશીલતા અને ઉદારમતવાદે લીધું. આમ હવે જાપાની સાહિત્યમાં મુક્ત વાતાવરણ પ્રવર્તવા લાગ્યું. કુમા કોતોમીચી, શીમાઝાકી તોસોન અને હાગીવારા સાકુતારો જેવા અનેક કવિઓ પરિવર્તન, પ્રગતિ અને ક્રાંતિના સબળ ઉદગાતા તરીકે ઊપસી આવ્યા.

જાપાનનું નાટ્ય-સાહિત્ય : નાટક જાપાનનું સૌથી વધુ વિકસિત તેમજ વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યસ્વરૂપ છે. જગતની અન્ય અનેક ભાષાના સાહિત્યની જેમ જાપાની નાટ્યસાહિત્યનું મૂળ છેક પ્રાચીન યુગમાં ધાર્મિક નૃત્યોના કાર્યક્રમોમાં જોવા મળે છે. તે કાળે તેના વિષયો પણ દંતકથાઓ, ધાર્મિક વૃત્તાંતો અને પ્રચલિત નીતિકથાઓ પર આધારિત હતા. તેથી તેમાં ઉપદેશનું પ્રાધાન્ય સ્વાભાવિક જ વધુ રહેતું. તે પછીના અનેક સૈકાઓ દરમિયાન જાપાની નાટ્યસાહિત્યનો ક્રમશ: વિકાસ થતો રહ્યો છે તેને પરિણામે નાટકના 4 મુખ્ય પ્રકારો આજે જાપાનમાં જોવા મળે છે : (1) નો (No) નાટકો, (2) જોરુરી અથવા કઠપૂતળીના ખેલ, (3) કાબૂકી અથવા કાવ્યનાટકો (lyrical plays) અને (4) આધુનિક નાટકો.

(1) નો નાટકોમાં કાવ્ય, ગાયન, વાદન અને નર્તનનો સમન્વય કરવામાં આવતો અને તે સમાજના ઉચ્ચ વર્ગની અભિરુચિને વિશેષ માફક આવતો. તેમાં સંવાદની વચમાં વચમાં હાઈકુ અને તાન્કા પ્રકારની ટૂંકી પદ્યરચનાઓ ગૂંથવામાં આવતી. તેના કથાવસ્તુમાં સામાન્યત: પ્રણય, યુદ્ધ, સાહસ કે કોઈ સાંપ્રત સામાજિક સમસ્યાને સ્પર્શતી ઘટનાઓ વણી લેવાતી. તેનાં, ગ્રીક નાટકને મળતાં આવતાં કેટલાંક લક્ષણો નોંધપાત્ર છે : (i) પાઠ, સંગીત અને નૃત્યનો સમન્વય, (ii) સ્થળ, સમય અને કથાવસ્તુની ત્રિવિધ એકતા, (iii) વૃંદગાન (chorus), (iv) સ્ત્રીઓનો પાત્રાભિનય કરતા પુરુષ અદાકારો, (v) પાત્રોના મુખ પર વિવિધ મુદ્રા અને આકાર ધરાવતાં મહોરાં વગેરે. આ નાટ્યપ્રયોગનો સમયગાળો સામાન્ય રીતે એકાદ કલાકનો રહેતો; પણ 2-3 કે કદીક તો 4-5 નાટ્યરચનાઓ, બધી જુદા જુદા વિષયો પર પણ સંકલિત સ્વરૂપે, સળંગ રજૂ કરવાની પ્રથા તે કાળે પ્રચલિત હતી. શોગુનોના શાસનકાળમાં ઝેન ધર્મગુરુઓ આ નાટ્યપ્રયોગનો વિનિયોગ લોકવાર્તાઓ, ધાર્મિક કથાનકો અને નીતિકથાઓ દ્વારા બૌદ્ધ ધર્મને લોકાભિમુખ કરવા કરતા હતા; પણ નો નાટકના  આધુનિક સ્વરૂપના વિકાસનો પ્રારંભ થયો ચૌદમી સદીમાં. કાનામી કિયોત્સોગુ (1333–84) નામના વિખ્યાત સાહિત્યકાર તથા તેના સાહિત્યકાર પુત્ર ઝીયામી માતોકિયો (1363–1443) તે માટે યશભાગી છે. તેમની નાટ્યરચનાઓ તે કાળે ઘણી લોકપ્રિય નીવડેલી. નો નાટકો આજે પણ જાપાનમાં ફિલ્મો અને ટેલિવિઝન જેવાં પ્રભાવક લોકમાધ્યમોના આક્રમણની સામે ટકી શક્યાં છે. પણ હવે તે પ્રાચીન નાટ્યરૂઢિઓ અને ચુસ્ત નિયમપાલનનાં બંધનોથી મુક્ત થઈ ગયાં છે, એટલું જ નહિ પણ સંગીત, સન્નિવેશ, શ્યરચના અને કથાવસ્તુ તથા તેની અભિનયકલા આધુનિકતાનો ઓપ પામ્યાં છે.

(2) કઠપૂતળીઓની નાટ્યરચના : જાપાનમાં કઠપૂતળીઓની નાટ્યકૃતિઓને અલાયદા સાહિત્યસ્વરૂપનો દરજ્જો મળેલો છે. આ માધ્યમ માટે જ ખાસ લખવામાં આવતી નાટ્યકૃતિઓ જાપાની સાહિત્યની ખાસ વિશેષતા છે. અર્દશ્ય સૂત્રધારના ભાવવાહી અવાજની સહાયથી આંગિકની સાથે સાથે વાચિક અભિનયની અનુભૂતિ કરાવતા કઠપૂતળીઓના માધ્યમે જાપાનના અનેક નામી-અનામી લેખકોને નાટ્યલેખન તરફ આકર્ષ્યા છે. તેમાં સત્તરમી સદીના મહાન નાટ્યકાર ચિકામાત્સુ (1653–1725) મોખરાનું સ્થાન ધરાવે છે. તેમની લોકપ્રિય અને વિખ્યાત નાટ્યશ્રેણી ‘બૅટલ્સ ઑવ્ કૉક્સિંગા’ ત્રણેક લાખની વસ્તીવાળા એક નગરમાં 17 માસ સુધી ભજવાતી રહેલી અને અંદાજે 2,40,000 પ્રેક્ષકોએ તે નિહાળી હતી તે એક અપૂર્વ ઘટના છે.

(3) કાબૂકી નાટ્યરચનાઓ : નો નાટ્યરચનાઓથી ઊલટું મધ્યમ અને નીચલા વર્ગોની જનતાને પોતાના લોકનાટ્ય માટે સોળમી સદી સુધી રાહ જોવી પડી હતી. તેમની સમસ્યાઓ અને તેમનાં આશાઅરમાનો અને સંઘર્ષોનું નિરૂપણ તેમની રોજ-બ-રોજની બોલાતી ભાષામાં રજૂ કરતો નાટ્યપ્રકાર વિકસ્યો તે ‘કાબૂકી’ નામથી જાણીતો છે. ટૂંકા પણ ચોટદાર સંવાદો, સરળ પ્રવાહી તળપદી ભાષાનો વિનિયોગ ને સૂક્ષ્મ વિનોદને સ્થાને સ્થૂળ ટોળ, પાત્રોચિત મહોરાં અને કવિતો, લોકસંગીત વગેરે ગુણલક્ષણોને કારણે આમજનતા પર આ નાટ્યરચનાઓ તે કાળે સારી પકડ જમાવી શકી હતી. તેમાં પણ મહિલાઓના અભિનયનો નિષેધ તો ચાલુ જ રહ્યો હતો તે હકીકતના સંદર્ભમાં, કાબૂકીનું સૌપ્રથમ નિર્માણ કરવાનો યશ ઓ-કુતી અને ઓ-ત્સુ નામની 2 મહિલાઓને ફાળે જાય છે એ સૂચક ગણાય.

કાબૂકી નાટકોના 2 જુદા વર્ગો પહેલેથી જ અસ્તિત્વમાં આવેલા છે : (i)  જિદાઈ-મોનો (ઐતિહાસિક નાટકો) અને (ii) સેવા-મોનો (સામાજિક નાટકો). અઢારમી સદીમાં થઈ ગયેલ ચિકામાત્સુ મોન્ઝાએમન અને તાકેદા ઈઝુમો એ કાબૂકી નાટકોના પ્રખ્યાત લેખકો છે. શ્યરચનાનું વૈવિધ્ય, મંચ પરની સાધનસામગ્રી અને ઉપકરણોની વિપુલતા, 2-3 બાજુ બેસતા પ્રેક્ષકોની વચમાં જ સ્થાપવામાં આવેલ રંગમંચની મધ્યમાં એક ફરતા પેટા-મંચની રચના દ્વારા, રસવિક્ષેપ નિવારવાના હેતુથી, એક ર્દશ્ય ભજવાતું હોય ત્યારે પડદાની પાછળ બીજા ર્દશ્ય માટેના સન્નિવેશની ગોઠવણીવાળી મંચસ્થાપત્યની વિશિષ્ટ રચના વગેરેને કારણે કાબૂકી નાટ્યરચનાઓ પ્રેક્ષકોનું ચિત્ત જકડી શકતી હતી. કાબૂકી નાટ્યરચનાઓ આજે પણ જાપાનમાં ઠીક ઠીક પ્રમાણમાં લખાય–ભજવાય છે.

(4) જાપાનની આધુનિક પ્રકારની નાટ્યકૃતિઓ પર પશ્ચિમના સાહિત્યની, વિશેષે કરીને અંગ્રેજી, અમેરિકન અને ફ્રેંચ સાહિત્યની, અસર સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રણય, દામ્પત્ય, જીવનસંઘર્ષ ઇત્યાદિ સમસ્યાઓનાં વિવિધ પાસાંનું વાસ્તવદર્શી નિરૂપણ નૂતન યુગનાં મોટા ભાગનાં સામાજિક નાટકો માટે કથાવસ્તુ પૂરું પાડે છે. વિવિધ પાત્રોના મનોવ્યાપારનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ, નારીમુક્તિ, સામાજિક ક્રાન્તિ વગેરે બાબતોમાં નૂતન જાપાનના પ્રગતિલક્ષી અભિગમનું પ્રતિબિંબ તેમાં સવિશેષ ધ્યાનાર્હ છે.

નૂતન યુગના જાણીતા નાટ્યકારોમાં કિકુચી કાન, કાવાતાકા મોકુઆમી, એબ કોબો, એન્ડો સુસાકુ, ફુકુડા સુનીએરી, ઇઝાવા તાદાસુ વગેરે મુખ્ય છે.

જાપાની નવલકથા : જાપાની સાહિત્યમાં નવલકથા સૌથી પ્રાચીન સાહિત્યપ્રકાર છે. ‘ટેલ્સ ઑવ્ ઇસે’ નામની આરિવારા નો નારીહિરા નામના લેખકે એક અનામી ઉમરાવના જીવનની 125 જેટલી કાલ્પનિક ઘટનાઓને વણી લઈને દશમી સદીમાં રચેલા ગ્રંથને જાપાનની પહેલી નવલકથા ગણવામાં આવે છે. જાપાની પ્રશિષ્ટ સાહિત્યમાં આ ગ્રંથે મહત્વનું સ્થાન પ્રાપ્ત કરેલું છે.

જાદુઈ વાંસળી માટે છેક ઈરાન સુધીનો સાહસપ્રવાસ ખેડતા એક સંગીતકારનાં શૌર્યપૂર્ણ દાસ્તાનોની કથાકૃતિ ‘ધ હૉલો ટ્રી’માં 986 જેટલાં કાવ્યો છે. તેમાંથી જાપાની કથાસાહિત્યના ક્રમિક વિકાસના ઇતિહાસનો ખ્યાલ આવે છે; પરંતુ કથાસાહિત્યના વિકાસના ફળસ્વરૂપે અગિયારમી સદીમાં થઈ ગયેલ મુરાસિકી નામની લેખિકાએ રચેલી વિખ્યાત મહાનવલ ‘સ્ટોરીઝ ઑવ્ ગેન્જી’માં જાપાનનાં ઇતિહાસ, પરંપરા તથા સામાજિક અને સાંસ્કૃતિક વિશિષ્ટતાઓની અભ્યાસોપયોગી સામગ્રી જોવા મળે છે. તેની સાહિત્યિક ગુણવત્તા પણ ઘણી ઊંચી આંકવામાં આવેલી છે. વર્ષો સુધી નાનાંમોટાં અનેક યુદ્ધો લડીને થાકેલી જાપાનની પ્રજાને, અને વિશેષે કરીને, તેના સમૃદ્ધ વેપારીઓ અને ભદ્ર વર્ગના લોકોને, ગેન્જીનું આદર્શ પાત્ર તેનાં રીતભાત અને ગુણલક્ષણોને કારણે ધીર-ગંભીર નાયક તરીકે મનમાં વસી જાય એ સ્વાભાવિક હતું.

આ નવલકથાએ અનેક પેઢીઓના લેખકો અને કવિઓની સાહિત્યકૃતિઓ માટે ઉત્તમ સામગ્રી પૂરી પાડી છે. ચાલુ સદીના નવલકથાકાર તેનીઝાકી તેનું લાક્ષણિક ઉદાહરણ છે. કેટલાકના મતે આ કૃતિ જગતભરના સાહિત્યની પ્રથમ નવલકથા મનાય છે. વિશ્વભરની મહાનવલોમાં તો તેની ગણના થયેલી જ છે.

1968માં જાપાનમાં તોકુગાવા શાસનના અંત સાથે જાપાનની અલિપ્તતાની રાજ્યનીતિનો અંત આવ્યો તેની સાથે જાપાનના જાહેર જીવનનાં અનેક ક્ષેત્રોની જેમ સાહિત્યમાં પણ નવા યુગનાં મંડાણ થયાં અને યુરોપના અનેક વિકસિત દેશોના, ખાસ કરીને, ફ્રાન્સ, સ્પેન, ઇંગ્લૅન્ડ, રશિયા વગેરે તેમજ અમેરિકાના સાહિત્યના પ્રભાવ હેઠળ ઉપદેશપ્રધાન, આદર્શવાદી ને કલ્પનાનાં ઉડ્ડયનો ધરાવતા આલંકારિક ભાષાશૈલીવાળા સાહિત્યનું સ્થાન વાસ્તવવાદી, પ્રગતિશીલ અને વ્યક્તિલક્ષી નવલસાહિત્યે લીધું. સાથે સાથે નિરૂપણશૈલીમાં આત્મકથાત્મક શૈલી લોકપ્રિય થઈ. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફુતાબેતી શીમેઈ, ઓઝાકી કોયો, હિગુચી ઇચિયો, મોરી ઓગાઈ, નાત્સુમે સોસેકી વગેરે નવલકથાકારોએ ભારે લોકચાહના પ્રાપ્ત કરી હતી. તે પછી વીસમી સદીના પૂર્વાર્ધના નવલકથાકારોએ આ નૂતન યુગનો પ્રવાહ ચાલુ રાખ્યો, તેમાં તાનાઝાકી જુનિચીરો ઉપરાંત શિગા નાઓયા, આકુતાગાવા રુનોસુકે, યુકોમિત્સુ રીચી, નાગત્સુકે તાકાશી, કોબાવુશી તાકીજી વગેરે મુખ્ય હતા. તે પછી બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર અને વિનાશના પ્રત્યાઘાત રૂપે જાપાની પ્રજાના માનસમાં વ્યાપક હતાશા અને કટુતાનું વાતાવરણ છવાઈ ગયું હતું તેમાંથી સમગ્ર પ્રજાને મુક્ત કરીને રચનાત્મક અભિગમ, લોકશાહીની પ્રતિષ્ઠા તથા વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો લોકકલ્યાણના હેતુ માટે વિનિયોગ જેવી ઉદાત્ત ભાવનાને અર્થપૂર્ણ અને અસરકારક રીતે વાચા આપીને જાપાની નવલકથાને પુનરુત્થાનના યુગ તરફ દોરી જનાર ‘ત્રીજી પેઢીના નવલકથાકારો’માં યાસુકો શોતારુ, દાઝાઈ ઓસામો, મિશિમા યુકિયો, આબે કોબો, ઇતો જુન, કુરાહાશી યુમિકો, કાનાઈ મીકો, ગૉતો આકીઓ સાકી ફ્યુઝો, ઇશિહારા શિન્તારો, તાકાહાશી કાઝુમી, ઉનો કોઈચુરો, કુરોઈ એન્જી, કીના મારીઓ, નાદા ઈનાદા, સેન્કન મુસાશી વગેરે મુખ્ય છે. નવા યુગના આ નવલકથાકારોએ જાપાની નવલકથાને વિષયવસ્તુની ર્દષ્ટિએ આંતરરાષ્ટ્રીય ફલક પૂરું પાડવા ઉપરાંત વૈજ્ઞાનિક તેમજ મનોવિશ્લેષણાત્મક પરિમાણ ઉમેરીને જાપાની સાહિત્યને વિશ્વની સુવિકસિત ભાષાઓના સાહિત્યની હરોળમાં મૂકી આપ્યું છે.

જાપાની નવલકથાને આંતરરાષ્ટ્રીય નકશા પર ગૌરવવંતું સ્થાન અપાવનાર બે વિશ્વવિખ્યાત સાહિત્યકારો તે 1968ના નોબેલ પારિતોષિક વિજેતા કાવાબાતા યાસુનારી અને 1994ના નોબેલ પારિતોષિક વિજેતા ઓ કૅન્ઝાબુરો. ‘ડાયરી ઑવ્ અ સિક્સટીન યર ઓલ્ડ’ નામની કૃતિથી 20 વર્ષથી પણ નાની ઉંમરે સાહિત્યજગતમાં યશસ્વી પદાર્પણ કરી સિદ્ધહસ્ત નવલકથાકાર નીવડેલા કાવાબાતાએ ‘હાઉસ ઑવ્ સ્લીપિંગ બ્યૂટીઝ’, ‘અ થાઉઝન્ડ ક્રેન્સ’, ‘માઉન્ટન સાઉન્ડ્ઝ’, ‘સ્નો કન્ટ્રી’, ‘ધ એન્શન્ટ કૅપિટલ’, ‘વન આર્મ’, ‘લાગ હેર’, ‘ધ મોલ’ વગેરે જેવી વિખ્યાત કૃતિઓ દ્વારા જાપાનના અને પરદેશના સાહિત્યરસિકોનું મન જીતી લીધું છે. નવલસમ્રાટ ઓ કૅન્ઝાબુરોની વિખ્યાત સાહિત્યકૃતિઓમાં ‘અ સ્ટ્રૅન્જ જૉબ’, ‘લૅવિશ આર ધ ડેડ’, ‘ધ કૅચ’, ‘ટ્રેનિંગ બર્ડ્ઝ ઍન્ડ શૂટિંગ ચિલ્ડ્રન’, ‘અવર એજ’, ‘આઉટગ્રો અવર મૅડનેસ’, ‘ઇમેજિનેશન ઇન ધ ઍટમિક એજ’, ‘હાઉ ટુ ગેટ પેરડાઇસ’ વગેરેનો સમાવેશ થાય છે.

આમ જાપાની સાહિત્યની પાછળ લગભગ 1500 વર્ષની પરંપરા છે અને વિશ્વસાહિત્યમાં તે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પ્રારંભકાળે જાપાની સાહિત્ય ચીની સાહિત્ય અને સંસ્કૃતિના પ્રભાવ હેઠળ રચાયું હતું પણ છેક આઠમી સદીથી તે જાપાની પ્રજાનાં પોતાનાં અરમાનો તથા આકાંક્ષાઓને તેમજ સંઘર્ષો અને પરંપરાઓને વાચા આપીને સમાજના વિવિધ વર્ગોને સક્ષમ રીતે સંસ્કારવા સતત મથતું રહેલું છે. પરિણામે આજે વિપુલતાની ર્દષ્ટિએ તે જેટલું માતબર છે તેટલું જ ગુણવત્તાની ર્દષ્ટિએ સમૃદ્ધ પણ છે. કવિતા, નાટક, નવલકથા, નિબંધ ઉપરાંત નવલિકા, સાહિત્યવિવેચન, જીવનકથા, આત્મકથા, પ્રવાસકથા, રોજનીશી વગેરે વિવિધ સાહિત્યપ્રકારોનું ખેડાણ પણ આજના જાપાનમાં નોંધપાત્ર રહ્યું છે. પ્રાચીન યુગમાં ચીની અને ભારતીય સાહિત્ય, ધર્મ, તત્વજ્ઞાન અને સંસ્કૃતિ પાસેથી અને અર્વાચીન યુગમાં પશ્ચિમના — વિશેષે કરીને ફ્રેંચ, અંગ્રેજી, સ્પૅનિશ અને અમેરિકન સાહિત્યના — નવા ઉન્મેષો તેણે ઉત્સાહભેર આવકાર્યા છે; આની સામે નો નાટકો અને હાઈકુ વિશ્વસાહિત્યમાં તેનું પોતાનું મૂલ્યવાન પ્રદાન છે.

કંચનભાઈ ચં. પરીખ