જાપાની ભાષા : જાપાનમાં તથા દુનિયાના અન્ય ભાગોમાં લગભગ બાર કરોડ લોકો દ્વારા બોલાતી જાપાની ભાષા કોરિયાની ભાષા સાથે ઘણો નજીકનો સંબંધ ધરાવે છે અને વિદ્વાનોના મત મુજબ તે મોંગોલિયન, મંચુ અને તુર્કી ભાષાઓ સાથે પણ સંબંધ ધરાવે છે. દેખીતી રીતે ચીનની ભાષા જેવી દેખાતી જાપાની ભાષા ચીની ભાષા કરતાં ખૂબ જુદી છે. મુખ્યત્વે જાપાનના ઉત્તર ભાગમાં રહેતા આઈનુ લોકોની આઈનુ ભાષા પણ જાપાની ભાષા કરતાં જુદી છે.

જાપાની ભાષાનું લિખિત સ્વરૂપ — લિપિ — શરૂઆતમાં ચીની ચિત્રલિપિ અપનાવવાથી શરૂ થયું જણાય છે. ઈસુની ત્રીજી સદીના અરસામાં ચીની ચિત્રલિપિ જાપાનમાં અપનાવવામાં આવી. જાપાનમાં અપનાવવામાં આવેલ આ ચીની ચિત્રલિપિ ‘કાન્જી’ (Kanji) તરીકે ઓળખાય છે. આ ચિત્રલિપિ ઉચ્ચાર-આધારિત નથી; પરંતુ અર્થ-આધારિત છે. આથી જુદા જુદા સંદર્ભમાં એક જ કાન્જી અક્ષરનો ઉચ્ચાર જુદો જુદો હોઈ શકે છે. એક જ કાન્જી અક્ષરનો ઉચ્ચાર આમ બે-ત્રણ જુદી જુદી રીતે થવો તે અસામાન્ય નથી. કેટલાક કાન્જી અક્ષર એવા પણ છે કે જુદા જુદા સંદર્ભમાં તેનો ઉચ્ચાર દસ કે વધુ રીતે પણ થતો હોય. જાપાનમાં એક સમય એવો હતો કે ચીનની ચિત્રલિપિ સુંદર રીતે લખી જાણવી એ વિદ્વત્તા અને મોભાની નિશાની ગણાતી હતી. વખત જતાં આ ચીની ચિત્રલિપિમાંથી જાપાની લિપિ વિકાસ પામી, જેમાં ચીની ચિત્રલિપિનાં કેટલાંક સ્વરૂપ ટૂંકાવવામાં આવ્યાં. આ જાપાની લિપિ ઉચ્ચાર-આધારિત બની અને તેના દરેક અક્ષરનો એક ચોક્કસ ઉચ્ચાર હતો, જ્યારે કાન્જી લિપિમાં દરેક અક્ષરનો અર્થ હોય છે પણ ઉચ્ચાર સંદર્ભ મુજબ જુદો જુદો હોય છે. આવી ઉચ્ચાર-આધારિત બે લિપિ લગભગ આઠમી સદીના અંતમાં વપરાશમાં આવી જેમને ‘હીરાગાના’ અને ‘કાતાકાના’ તરીકે ઓળખવામાં આવે છે. કાતાકાના લિપિ સામાન્ય રીતે પરદેશી ભાષાના શબ્દો, પરદેશી ભાષાઓમાંથી અપનાવવામાં આવેલા શબ્દો, પરદેશી નામો વગેરે લખવામાં મુખ્યત્વે ઉપયોગમાં લેવાય છે. હીરાગાના લિપિનો ઉપયોગ કાન્જી લિપિના શબ્દો વગેરેને પ્રત્યયો વગેરે બનાવવાના તથા અન્ય ગૌણ ઉપયોગો માટે થાય છે. આમ કાતાકાના લિપિ અને હીરાગાના લિપિ એ કાન્જી લિપિના પર્યાય રૂપે નહિ પણ કાન્જી લિપિ સાથે વાપરવા માટે વપરાય છે. સામાન્ય જાપાની ભાષાનું લખાણ કાન્જી, હીરાગાના અને કાતાકાના લિપિઓના સંયુક્ત ઉપયોગથી લખાય છે. આથી જાપાની છાપાં, પુસ્તકો કે અન્ય લખાણ વાંચવા માટે ત્રણેય લિપિઓની જાણકારી જરૂરી છે.

શરૂઆતમાં કાન્જી લિપિમાં લગભગ 4,800થી 5,000 અક્ષરો હતા, ધીમે ધીમે તે ઘટાડીને આજે લગભગ 1900 અક્ષરો કાન્જી લિપિ માટે નક્કી થયેલ છે અને જાપાની ભાષાનાં છાપાં, પુસ્તકો વગેરે તે 1900માંના કાન્જી અક્ષરો વાપરીને લખવામાં આવે છે. આ 1900 કાન્જી અક્ષરોમાંથી ફક્ત લગભગ 881 વધુ વપરાતા અક્ષરો જાપાની શાળાઓમાં બાળકોને શરૂઆતમાં નવ વર્ષમાં શિખવાડવામાં આવે છે. હીરાગાના અને કાતાકાના લિપિઓમાં લગભગ પચાસ અક્ષર હોય છે. જાપાની ભાષાનાં લખાણો વાંચવા માટે ખૂબ મોટી સંખ્યામાં કાન્જી લિપિના અક્ષરોની જાણકારી જરૂરી હોવાના કારણે અને તે શીખવાનું ઘણું કઠિન તેમજ સમય માંગી લે તેમ હોવાથી જાપાની ભાષાનો પરદેશમાં ફેલાવો થવામાં અવરોધ ઊભો થાય છે.

પરંપરાગત રીતે જાપાની ભાષામાં થયેલું લખાણ કૉલમના સ્વરૂપમાં ઊભી લીટીઓમાં ઉપરથી નીચે અને જમણી બાજુથી ડાબી બાજુ લખાય છે. આથી પરંપરાગત રીતે જાપાની ભાષામાં લખાયેલ પુસ્તકનું પહેલું પાનું જમણી બાજુના છેલ્લા પાનાથી શરૂ થાય અને તેનું શીર્ષક પુસ્તકના જમણી બાજુના પૂંઠાની બહારની બાજુએ લખેલ હોય છે. જોકે હવે આડી લીટીઓમાં ડાબી બાજુથી જમણી બાજુ લખવાનો ઉપયોગ વધતો જાય છે.

1885ના અરસાથી જાપાની ભાષા લખવા જાપાની લિપિઓની જગ્યાએ ઉચ્ચારો મુજબ રોમન લિપિ વાપરવાના પ્રયત્નો થતા રહ્યા છે. આવી ત્રણ પદ્ધતિઓ અમલમાં આવેલ છે : હેપબર્ન, નિપ્પોન અને કુનરેઇ પદ્ધતિ. આમાંથી હેપબર્ન પદ્ધતિ અને કુનરેઇ પદ્ધતિ વધુ પ્રચલિત છે. જોકે રોમન લિપિનો ઉપયોગ જાપાની ભાષા લખવા માટે હજુ મોટા પાયે શરૂ નથી થયો અને તેનો ઉપયોગ કેટલાંક પુસ્તકો — ખાસ કરીને બાળકો માટેનાં અને જાપાની તથા પરદેશી ભાષાઓના શબ્દકોશો – પૂરતો જ મર્યાદિત રહ્યો છે.

જાપાની ભાષા મુખ્યત્વે જાપાનમાં બોલાય છે તે ઉપરાંત જાપાની ભાષા બોલનારાઓની સારી એવી સંખ્યા બ્રાઝિલ, કૅલિફૉર્નિયા, હવાઈ ટાપુઓ વગેરે જગ્યાઓએ જોવા મળે છે. કોરિયા અને તાઇવાનમાં જાપાની ભાષા મહત્વની બીજી ભાષા તરીકે પણ શીખવવામાં આવે છે. જાપાનના જુદા જુદા ભાગમાં જાપાની બોલીમાં થોડો ફેર પડે છે પણ જાપાનના પાટનગર તોક્યોમાં બોલાતી જાપાની ભાષા દેશના બધા ભાગમાં લોકો સમજી શકે છે.

જાપાની ભાષામાં પાંચ સ્વર હોય છે અને તે સ્વરોની રચના પર સંસ્કૃતની અસર જણાય છે. જાપાની ભાષાના પાંચ સ્વર છે : આ, ઇ, ઉ, એ અને ઓ. જાપાની ભાષા ભારતીય ભાષાઓથી ઘણી બાબતોમાં જુદી પડે છે; પરંતુ કેટલીક સમાનતા પણ ધ્યાન ખેંચે તેવી છે. ગુજરાતી ભાષાની જેમ જાપાની ભાષામાં પણ ક્રિયાપદ વાક્યના અંતે જ આવે છે. ગુજરાતી ભાષાની છઠ્ઠી વિભક્તિ ‘નો, ની, નું, ના’ એ જાપાની ભાષામાં પણ તે જ રીતે વપરાય છે; પરંતુ તે બધા પ્રત્યયોની જગ્યાએ ફક્ત ‘નો’ પ્રત્યય જ વપરાય છે. દા.ત., ગુજરાતીમાં ‘રામનો ઘોડો’ જાપાનીમાં ‘રામનો ઉમા’ (ઉમા = ઘોડો) બોલાય છે. જાપાની ભાષાની વાક્યરચના પણ નોંધપાત્ર રીતે ગુજરાતી ભાષાની વાક્યરચનાને મળતી આવે છે અને તે અંગ્રેજી વાક્યરચના કરતાં ઘણી જુદી હોય છે. દા.ત., જાપાની : કોનો ઝીબીકી વા ગાકકોઉ નો તોશ્યોકાનની મો આરીમસ. ગુજરાતી : આ (કોનો) શબ્દકોશ (ઝીબીકી વા) શાળા (ગાકકોઉ) ના (નો) પુસ્તકાલયમાં (તોશ્યોકાનની) પણ (મો) છે (આરીમસ).

જાપાની ભાષાની ઘણી ખાસિયતો છે. જાપાની ભાષામાં નાન્યતર જાતિ હોતી નથી, ફક્ત સ્ત્રીલિંગ અને પુંલ્લિંગ શબ્દોનો જ પ્રયોગ હોય છે. વળી જાપાની ભાષામાં ક્રિયાપદના ઉપયોગ પરથી કહી શકાતું નથી કે કર્તા એકવચનમાં છે કે બહુવચનમાં, બંને માટે ક્રિયાપદનું એક જ સ્વરૂપ વપરાય છે. ભારતીય ભાષાઓના કેટલાય ઉચ્ચારો જાપાની ભાષામાં નથી. દાખલા તરીકે જાપાની ભાષામાં ‘ટ’, ‘ડ’, ‘લ’ જેવા ઉચ્ચારો નથી. ‘ટ’ને બદલે ‘ત’, ‘ડ’ને બદલે ‘દ’ અને ‘લ’ને બદલે ‘ર’ ઉચ્ચાર કરાય છે. ગુજરાતીમાં જેનો ઉચ્ચાર ‘તોક્યો’ કરીએ છીએ તેનો જાપાનીમાં ઉચ્ચાર ‘તૌઉક્યોઉ’ કરાય છે અને ‘લંડન’નો ઉચ્ચાર ‘રોન્દન’ કરાય છે. જાપાની ભાષામાં પ્રશ્નાર્થ સામાન્ય રીતે બોલીને રજૂ કરાય છે. મોટા ભાગની ભાષાઓમાં પ્રશ્નાર્થચિહન માટે ‘?’ વપરાય છે પણ તેનો કોઈ ઉચ્ચાર થતો નથી. જ્યારે જાપાની ભાષામાં પ્રશ્નાર્થ માટે ‘કા’નો પ્રયોગ કરવામાં આવે છે અને તે વાક્યના અંતે આવે છે તથા વાક્ય બોલતી વખતે તે ‘કા’ પણ બોલવામાં આવે છે. દા.ત., ‘આ શું છે ?’ પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થચિહન બોલવામાં નથી આવતું; પરંતુ જાપાની ભાષામાં ‘આ શું છે ?’ માટે ‘કોરે વા નાન હેસકા’ બોલવામાં આવે છે જેમાં ‘કા’ એ બોલવામાં આવેલું પ્રશ્નાર્થચિહન છે, તેનો બીજો કોઈ અર્થ નથી. કોરે વા = આ, નાન = શું, હેસ = છે અને ‘કા’ = ?; પરંતુ આ પ્રશ્નાર્થસૂચક ‘કા’ વાક્યની સાથે બોલવામાં આવે છે.

જાપાની ભાષામાં માનવાચક ભાષાપ્રયોગ, સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતો ભાષાપ્રયોગ, રોજબરોજની સામાન્ય વાતચીતમાં ઉપયોગમાં લેવાતો ભાષાપ્રયોગ વગેરે જુદા જુદા હોય છે. વળી વાતચીત કરતી વ્યક્તિઓ વચ્ચે પણ દરેકના મોભા અને હોદ્દા મુજબ ભાષાપ્રયોગમાં ફેર પડતો હોય છે. જાપાની ભાષામાં કેટલીક રજૂઆતો અધ્યાહાર હોય છે જેનો અર્થ ફક્ત વાક્યના સંદર્ભ ઉપરથી જ ખબર પડે છે. સામાન્ય, રોજબરોજની ભાષા ઘણી નમ્રતાપૂર્વકની હોય છે. દા.ત, ‘સુમી માસેન’ — ‘માફ કરજો’, ‘આ રીગાતો ઉ’ — ‘આભાર’, ‘ઓહાયો ગોઝાઇમસ’ — ‘શુભ પ્રભાત’, ‘સાયોનારા’ — ‘આવજો’ વગેરે.

જાપાની ભાષામાં પરદેશી ભાષાના પણ ઘણા શબ્દો સ્વીકારવામાં આવ્યા છે. દા. ત., ‘પાન’ એટલે ‘બ્રેડ’ જે પોર્ટુગીઝ ભાષાના ‘પાઆઓ’ શબ્દ ઉપરથી, ‘બાતા’ એટલે કે ‘માખણ’ તે અંગ્રેજી શબ્દ ‘બટર’ ઉપરથી, ‘ગરાસુ’ એટલે ‘ગ્લાસ’ તે અંગ્રેજી શબ્દ ‘ગ્લાસ’ ઉપરથી વગેરે.

તે ઉપરાંત ‘બાતા’ એટલે ‘બટર’–માખણ, ‘પેન’ એટલે પેન, ‘ઇન્કી’ એટલે ‘ઇન્ક’–શાહી, ‘ગરાસુ’ એટલે ગ્લાસ વગેરે ઘણા શબ્દો અંગ્રેજી ભાષામાંથી લેવામાં આવ્યા છે. તે મુજબ જર્મન, ડચ વગેરે ભાષાઓમાંથી પણ ઘણા શબ્દો જાપાની ભાષામાં લેવામાં આવ્યા છે.

અશોક લાલભાઈ શાહ