જાની, જ્યોતિષ જગન્નાથ (9 નવેમ્બર 1928, પીજ, તા. પેટલાદ, વતન ભાલેજ; અ. 17 માર્ચ 2005, વડોદરા) : ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, પત્રકાર. સૂરતની ગોપીપુરાની શાળામાંથી 1945માં મૅટ્રિક, એમ. ટી. બી. અમદાવાદ કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર સાથે 1951માં બી.એસસી., 1963માં એચ.કે.આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાંથી પત્રકારત્વનો ડિપ્લોમા કોર્સ, 1962 થી 1966 ગુજરાતી દૈનિક ‘સંદેશ’ના ઉપતંત્રી, 1965માં ‘ધર્મસંદેશ’ના સહસંપાદક. 1966 થી 1967 દરમિયાન જ્યોતિ લિ. વડોદરામાં આસિસ્ટંટ પબ્લિસિટી ઑફિસર. 1971થી ત્રણેક વર્ષ પ્રગટ થયેલા સાહિત્યિક ત્રૈમાસિક ‘સંજ્ઞા’ના તંત્રી. 1974થી 1977 દરમિયાન વડોદરામાં જ સિટીઝન્સ કાઉન્સિલમાં પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સ ઑફિસર. 1983થી 1986 ગુજરાતી દૈનિક ‘ગુજરાત સમાચાર’ના ઉપતંત્રી, 1986 પછી ગુજરાતી દૈનિક ‘લોકસત્તા’ના ઉપતંત્રી. 1986થી 1990 દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના માનાર્હ સંપાદક. મુંબઈમાં ચુનીલાલ મડિયાના માર્ગદર્શનમાં ચાલતી ‘વાર્તાવર્તુળ’ની સ્થાપનામાં સહકાર્યકર્તા
‘રે’ વૃન્દના કવિઓમાંના એક જ્યોતિષ જાનીની કવિતામાં અવાજ પોતીકો છે. કદ, નામ, રૂપરંગ, મુખપૃષ્ઠ આદિ વૈયક્તિક વિશિષ્ટતા દર્શાવતો એમનો કાવ્યસંગ્રહ ‘ફીણની દીવાલો’ (1966) અભિવ્યક્તિનું નાવીન્ય, પ્રયોગશીલતા અને લયની લાક્ષણિક છટા પ્રગટાવે છે. વિરૂપ વાસ્તવિકતાના હિંસક સ્પર્શમાંથી વ્યક્તિની ઉદભવતી વિભક્તતા અને જીવનની વ્યર્થતાનું, સંગ્રહનામને અનુરૂપ, સંવેદન સબળ ભાષામાં રજૂ કર્યું છે. ઉપહાસની વાણીમાં જીવનની અસંગતિને તીવ્રતાથી આલેખી છે.
‘ચાર દીવાલો એક હૅગર’ (1966), ‘અભિનિવેશ’ (1975), ‘પંદર આધુનિક વાર્તાઓ’ (1977) એમના વાર્તાસંગ્રહો છે. ઘટનાઆશ્રિત વાર્તાઓમાં વિવિધ ટૅકનિકનો ઉપયોગ કરી એમણે પ્રયોગશીલ વાર્તાકાર તરીકે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિષાદ પ્રગટાવવા ઉપહાસનું નિરૂપણ એમની વાર્તાઓમાં નવીનતા લાવે છે. ‘નાક’, ‘સૂઇટકેસ’, ‘તબલચી’, ‘શિવલાલકાકા’, ‘કખગ’ જેવી વાર્તાઓ પ્રયોગ અને વક્તવ્યની દૃષ્ટિએ નોંધપાત્ર છે. આધુનિક વાર્તાનાં ઘણાં લક્ષણો એમની વાર્તાઓમાં પ્રતીત થાય છે. ક્યારેક પ્રયોગશીલતાનો અતિરેક પણ વર્તાય છે. એમની ‘શોધ-પ્રતિશોધ’ વાર્તા વજુ કોટક પારિતોષિકથી વિભૂષિત થઈ છે.
‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ (1970) અને ‘અચલા’ (1980) એમની વિશિષ્ટ ભાત પાડતી નવલકથાઓ છે. ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’માં ચરિત્રચિત્રણની આગવી પદ્ધતિ છે. અનેક ભીંસ મધ્યે આંતરચેતનાપ્રવાહને વ્યક્ત કરતું હસમુખલાલનું પાત્ર એમનું મહત્ત્વનું પ્રદાન બની જાય છે. હાસ્યવ્યંજિત વિષાદને તાકી વાર્તાને કલાત્મક સ્વરૂપ આપવાનું એમનું સામર્થ્ય અહીં વરતાય છે. આ નવલકથા ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કૃત થઈ હતી. પત્ર તથા ડાયરીના ઉપયોગ દ્વારા અભિવ્યક્તિના નૂતન પ્રયોગથી સર્જાયેલી ‘અચલા’ નવલકથામાં નાયિકા અચલાના મનોવિશ્વનું હૃદયંગમ ચિત્ર ઉપસાવ્યું છે. બંને નવલકથાઓ ટૅકનિકની દૃષ્ટિએ નોંધપાત્ર છે. ‘અચલા’ નવલકથા 1992માં ‘સૂરજ ઊગ્યાનું મુહૂર્ત’ નામાભિધાનથી દ્વિતીય આવૃત્તિ રૂપે પ્રગટ થઈ છે.
‘હેન્રિક ઇબ્સન’ (1971) તથા ‘સંવાદવિવાદ’ (1983) એમનાં વિવેચનનાં પુસ્તકો છે. સંવેદનશીલ સર્જકની પ્રતિભાથી થયેલાં એમનાં વિવેચનો અભ્યાસનિષ્ઠ અને રસપ્રદ છે. ‘સંવાદ-વિવાદ’માં સુરેશ જોષી સાથેનો વાર્તાલાપ અત્યંત મહત્ત્વનો છે.
‘શબ્દોના લૅન્ડસ્કેપ’ (1981) એમના લલિત નિબંધોનો સંગ્રહ છે જેમાં રસાળ ગદ્ય અને કવિના સંવેદનનું સામંજસ્ય પ્રગટ થાય છે. વારંવાર સૂરત નગરીનું આકર્ષણ એમાં પ્રતીત થાય છે. ‘ઉર્દૂ વાર્તાઓ’ (1972) અને ‘મુક્ત માનવ’ (1978) [મૂળ લેખક : કૉન્રાડ રિક્ટર] એમનાં અનુવાદનાં પુસ્તકો છે. એમણે રોચક શૈલીમાં બાળવાર્તાઓ પણ લખી છે. 1993–95માં ભારત સરકાર દ્વારા લોકનાટ્ય માટે સિનિયર ફેલોશિપ આપવામાં આવી હતી. મોહન પરમાર દ્વારા સંપાદિત તેમની પસંદગીની વાર્તાઓનો સંગ્રહ ‘જ્યોતિષ જાનીની વાર્તા સૃષ્ટિ’ (2013), અને ‘જ્યોતિષ જાનીની શ્રેષ્ઠ વાર્તાઓ’ (ગુલાબદાસ બ્રોકર સાથે 1989) પ્રગટ થયા છે.
તેમને સાબરકાંઠાનાં ભિલોડા કેળવણીમંડળ ટ્રસ્ટ તરફથી નવલિકા ક્ષેત્રે કરેલા પ્રદાન માટે ઉમાશંકર જોશી પારિતોષિક, ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ નવલકથાને રાજ્ય સરકાર દ્વારા 1970નું પારિતોષિક, ‘અચલા’ નવલકથાને પારેખ વલ્લભરામ હેમચંદ્ર લાઇબ્રેરી પારિતોષિક તેમજ 1979માં જોડિયાં બાળકો પર લખેલી બાળવાર્તાઓ માટે પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં.
મનોજ દરુ