જાની, વિશ્વનાથ (17મી સદી)

જાની, વિશ્વનાથ (17મી સદી) : થોડી પણ પોતીકી મુદ્રાથી અંકિત કૃતિઓ આપી જનાર મધ્યકાળના આખ્યાનકાર અને પદકવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પાટણ કે એની આજુબાજુના પ્રદેશના વતની. વિશ્વનાથ કનોડિયા (પાટણની બાજુના કનોડાના) જાની હોય એવી સંભાવના પણ છે. કુલધર્મે કદાચ શૈવ હોય. એમના ‘સગાળચરિત્ર’માં શિવભક્તિ જોવા મળે છે. પણ એમની કૃતિઓમાં મુખ્યત્વે અને પ્રબળપણે વ્યક્ત થાય છે કૃષ્ણભક્તિ, પ્રેમલક્ષણા ભક્તિ. વિશ્વનાથની છાપવાળું ‘શ્રીનાથજીનું ધોળ’ આ કવિનું માનીએ તો એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ઠરે. એમની 2 કૃતિઓમાં 1652 એ રચનાવર્ષ મળતું હોવાથી એ સત્તરમી સદીના મધ્યભાગમાં હયાત હોવાનું નિશ્ચિત થાય છે.

એમની 2 આખ્યાનકૃતિઓમાં ‘મોસાળાચરિત્ર’ (1652) આ વિષયની કૃતિઓની સમગ્ર પરંપરામાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈનું મામેરું ભગવાને પૂર્યું એ પ્રસંગને આલેખતી આ કૃતિ પૂર્વપરંપરામાં જોવા ન મળતો એવો વસ્તુવિકાસ દર્શાવે છે અને પ્રેમાનંદના ‘મામેરું’ને ઘણી સામગ્રી પૂરી પાડે છે. પ્રેમાનંદ ચડિયાતી સર્જકતા બતાવે છે છતાં રસસ્થાનોની ખિલવટ વિશ્વનાથે મનોરમ રીતે કરેલી છે, ક્યાંક એનાં નિરૂપણો એનાં જ રહે છે. અન્નદાનનો મહિમા દર્શાવવા માટે રચાયેલું ‘સગાળચરિત્ર’ (1652) એક સામાન્ય કોટિનું આખ્યાન છે; પરંતુ એમાં કવિએ વાત્સલ્યભાવને નિરૂપવાની જે તક લીધી છે ને એમાં પોતાની જે ક્ષમતા બતાવી છે તેથી ધ્યાન ખેંચે છે. પુત્ર ચેલૈયાને ખાંડતી વેળાની માતાપિતાની વાત્સલ્યજનિત વેદના હૃદયદ્રાવક છે, તો અવાંતર રૂપે દાખલ થયેલી કર્ણકથામાં પણ કર્ણત્યાગ વેળાની કુંતીની વેદના માર્મિક રીતે આલેખાઈ છે.

કથાકથન નહિ પણ ભાવનિરૂપણ વિશ્વનાથ જાનીનો વિશેષ છે એ ‘પ્રેમપચીસી’ અને ‘ચતુરચાલીસી’ એ બન્ને પદમાળાઓ બતાવે છે. ઉદ્ધવસંદેશના પ્રસંગને અવલંબીને રચાયેલી ‘પ્રેમપચીસી’નાં બધાં પદો વસુદેવ, દેવકી, કૃષ્ણ, નંદ, યશોદા, ગોપીઓ વગેરેની ઉક્તિઓ રૂપે હોઈ એને મળેલો નાટ્યાત્મક ઊર્મિકાવ્યનો ઘાટ, કૃષ્ણની લાગણીઓને મળેલી વાચા, નંદ-યશોદા જ નહિ વસુદેવ-દેવકીના વાત્સલ્યભાવનું થયેલું અત્યંત હૃદયસ્પર્શી મૂર્ત ચિત્રણ અને એ રીતે કૃષ્ણ-ગોપીના શૃંગારભાવ કરતાં વાત્સલ્યભાવને મળેલું પ્રાધાન્ય – આ સર્વ આ કૃતિને અનન્ય બનાવે છે. જયદેવના ‘ગીતગોવિંદ’ને અનુસરીને કૃષ્ણગોપીનાં પ્રણય, રાસ, મનામણાંના પ્રસંગને આલેખતી ‘ચતુરચાલીસી’ કેવળ શૃંગારભાવની કૃતિ છે. આ કૃતિમાં પણ પ્રસંગાલેખન કરતાં ભાવાલેખન તરફ વધારે લક્ષ અપાયું છે ને સંવાદનો વિશેષ આશ્રય લેવાયો હોવાથી નાટ્યાત્મકતાનો અનુભવ થાય છે. આ કૃતિનો વિવિધ સંચારિભાવોથી પુષ્ટ થયેલો ને સુરુચિપૂર્ણ સંયત શૃંગાર વિશ્વનાથની આગવી મુદ્રાથી અંકિત છે ને તેથી એનો આસ્વાદ પણ અનેરો છે.

વિશ્વનાથના લાક્ષણિક કવિગુણો એમને મધ્યકાળના કવિગણમાં ઊંચે સ્થાને સ્થાપે છે.

જયંત કોઠારી