જાતિ-ઉચ્છેદ

January, 2012

જાતિ-ઉચ્છેદ : કોઈ જાતિ, નૃવંશીય, ધાર્મિક કે રાજકીય જૂથનું ઇરાદાપૂર્વક તથા યોજનાબદ્ધ નિકંદન. 1933–45 દરમિયાન યુરોપમાં બનેલી ઘટનાઓના સંદર્ભમાં રાફેલ લૅમકિન નામના પોલિશ-અમેરિકન વિદ્વાને ગ્રીક શબ્દ ‘genos’ એટલે કે જાતિવિષયક જૂથ તથા લૅટિન શબ્દ ‘cide’ એટલે કે હત્યા આ બે જુદા જુદા શબ્દોના મિશ્રણથી ‘genocide’ શબ્દ 1944માં પ્રચલિત કર્યો. માનવજાતિના ઇતિહાસમાં બીજા વિશ્વયુદ્ધ (1939–45) પહેલાં પણ જાતિ કે ધર્મવિષયક જૂથોના નિકંદનની કેટલીક ઘટનાઓ બની હતી. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) ફાટી નીકળતાં તુર્કોએ આર્મેનિયન પ્રજાનો મોટા પાયા પર ઉચ્છેદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં મોટા પાયા પરની આવી ઘટનાઓને આંતરરાષ્ટ્રીય કાયદાના માળખામાં ગોઠવવાનો અને તે દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાયને આવા બનાવો સામે અવાજ ઉઠાવવાની તક પૂરી પાડવાનો કોઈ પ્રયાસ બીજા વિશ્વયુદ્ધ સુધી થયો ન હતો.

1946માં નુરેમ્બર્ગ તથા અન્ય ઠેકાણે યોજવામાં આવેલા યુદ્ધ-અપરાધીઓના ખટલાઓમાં ઘટનાઓ સંબંધી જે હકીકતો પ્રગટ થઈ તેના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ જાતિ કે નૃવંશીય નિકંદનને વખોડી કાઢી તેને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ગુનાહિત અપરાધ જાહેર કર્યો અને તે માટે પ્રત્યક્ષ રીતે જવાબદાર અપરાધીઓ તથા તેમના સહભાગીઓને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સજાને પાત્ર જાહેર કર્યા. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં 1948માં આ અંગે એક સમજૂતી પર સહીસિક્કા થયા અને 1951થી તે અમલમાં મૂકવામાં આવી. આ સમજૂતી હેઠળ કોઈ પણ રાષ્ટ્રીય, વંશીય, જાતિ કે ધર્મનાં જૂથોનું સંપૂર્ણ અથવા આંશિક નિકંદન કરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસો જાતિઉચ્છેદનો ગુનો ગણાશે અને તેમાં (1) જૂથના સભ્યોની હત્યા કરવી, (2) જૂથના સભ્યોને ગંભીર પ્રકારની શારીરિક કે માનસિક યાતના પહોંચાડવી, (3) જૂથનો સંપૂર્ણ કે આંશિક વિનાશ પરિણમે તે હેતુસર તેના સભ્યો પર ઇરાદાપૂર્વક ત્રાસ ગુજારવો, (4) બાળકોના જન્મ અટકાવવાના ઇરાદાથી કોઈ જૂથના સભ્યો પર કૃત્રિમ પગલાં લાદવાં તથા (5) એક નૃવંશીય જૂથનાં બાળકોનું બીજી નૃવંશીય જાતિમાં બળજબરીથી હસ્તાંતર કરવું – આ બધાનો સમાવેશ થશે તેવું સંયુક્ત રાષ્ટ્રો દ્વારા જાહેર કરવામાં આવ્યું.

જાતિ કે વંશના નિકંદન માટે કાવતરાં, ઉશ્કેરણી અને પ્રયાસ કરવા કે તેમાં સામેલ થવું તે પણ સજાને પાત્ર ગણાશે. નૃવંશનિકંદન માટે જવાબદાર ઠરતા ગુનેગારો બંધારણીય રીતે શાસન કરનારાઓ કે નામના શાસકો હોય, શાસકીય અધિકારીઓ હોય કે નાગરિકો હોય – તે બધા જ સજાને પાત્ર ગણાશે. કોઈ શાસકો પોતાના વિસ્તારમાં જાતિઉચ્છેદનો અપરાધ કરે તો તેવું કૃત્ય હવે તેમની આંતરિક બાબત નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય બાબત ગણાય છે. સંયુક્ત રાષ્ટ્રોના નેજા હેઠળ આ બાબતમાં સધાયેલી સમજૂતીમાં સામેલ હોય તેવું કોઈ પણ રાજ્ય જાતિઉચ્છેદ અટકાવવા માટે તથા તેને દબાવી દેવા માટે સંયુક્ત રાષ્ટ્રોના ઘોષણાપત્રને આધારે સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરી પ્રાપ્ત કરી શકે છે.

અત્યાર સુધીના જાતિઉચ્છેદના કિસ્સાઓ સાબિત કરે છે કે આવું જઘન્ય કૃત્ય વ્યક્તિગત રાહે નહિ પરંતુ રાજ્ય કે શાસકીય રાહે અથવા સંગઠિત જૂથો દ્વારા કરવામાં આવે છે. દા.ત., ઈ. સ. 1800ના ઉત્તરકાળમાં રશિયા દ્વારા યહૂદીઓ પરના અત્યાચાર, પ્રથમ વિશ્વયુદ્ધના અરસામાં તુર્કીના શાસકો દ્વારા આર્મેનિયન પ્રજાનું સંપીડન, નાઝી શાસકો દ્વારા સાઠ લાખ યહૂદીઓનું નિકંદન, 1976થી 1979 દરમિયાન યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીન દ્વારા મોટા પાયા પર અમુક જાતિઓ સામે આચરવામાં આવેલ સામુદાયિક અત્યાચારો, વર્તમાન સમયમાં મધ્ય આફ્રિકામાં વાટુસી જાતિ દ્વારા બીજી જાતિઓના નિકંદન માટે વિશાળ પાયાનો હત્યાકાંડ આદિ.

હસમુખ માણેકલાલ પટેલ

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે