જાતિફલાદિ ચૂર્ણ – વટી :

January, 2012

જાતિફલાદિ ચૂર્ણ – વટી : આયુર્વેદિક ઔષધિ. જાયફળ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર, તજ, નાગકેસર, કપૂર, સફેદ ચંદન, કાળા તલ, વાંસકપૂર, તગર, આંબળાં, તાલીસપત્ર, પીપર, હરડે, શાહજીરું, ચિત્રક, સૂંઠ, વાવડિંગ, મરી એ તમામ સરખે ભાગે લઈ તેમાં તેટલી જ શુદ્ધ ભાંગ તથા ભાંગ કરતાં બમણી સાકર લઈ, ખાંડી, કપડછાન ચૂર્ણ તૈયાર કરી લેવું. 1થી 2 ગ્રામ માત્રામાં મધ કે પાણી સાથે લેવાથી સંગ્રહણી, ઝાડા, ઉધરસ, શ્વાસ, અરુચિ, ક્ષય અને શરદીમાં ફાયદો થાય છે. આ જ ચૂર્ણને પાણીમાં મેળવી ગોળીઓ અથવા ટીકડીના રૂપમાં પણ બનાવી શકાય છે. આ દવા પાચક, આમશોષક, જંતુઘ્ન, વાતાનુલોમક, ક્ષોભ, દાહ અને સડાનાશક, શ્લેષ્મકલાસંકોચક તથા અગ્નિ-પ્રસાદક છે.

 મધુકાન્ત ભગવાનજી પંડ્યા