જાડેજા, દિલાવરસિંહ દાનસિંહજી

January, 2024

જાડેજા, દિલાવરસિંહ દાનસિંહજી (જ. 5 સપ્ટેમ્બર 1933, પીપળિયા, જિ. રાજકોટ, સૌરાષ્ટ્ર; અ. 19 ડિસેમ્બર 2005, વલ્લભવિદ્યાનગર, જિ. આણંદ) : વિવેચક, અનુવાદક, સંપાદક. સાહિત્ય અને કેળવણીના ઉપાસક તથા શ્રી અરવિંદના સાધક, તેમણે પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ધ્રોળમાં, ઉચ્ચ શિક્ષણ રાજકોટ તથા અમદાવાદમાં લઈને 1954માં ગુજરાતી-માનસશાસ્ત્ર વિષય સાથે બી.એ.,  1956માં ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી મેળવી, 1965માં ‘ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા’ વિષય પર મહાનિબંધ લખી મ. સ. યુનિવર્સિટી(વડોદરા)માંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી.

દિલાવરસિંહ દાનસિંહજી જાડેજા

વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલય, વલ્લભવિદ્યાનગર ખાતે ગુજરાતીના અધ્યાપક તરીકે ઑગસ્ટ, 1956થી કારકિર્દી શરૂ કરી. જૂન 1967થી 1990 સુધી વલ્લભવિદ્યાનગરની નલિની-અરવિંદ અને ટી. વી. પટેલ આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી. કૉલેજના નોંધપાત્ર સંચાલનની કદર કરીને 1900માં ગુજરાતની સર્વોત્તમ આર્ટ્સ કૉલેજ તરીકે ગુજરાત સરકાર તરફથી તેમને ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે ફૅકલ્ટી ઑવ્ આર્ટ્સના ડીન તરીકે તથા અન્ય શૈક્ષણિક હોદ્દાઓ પર રહીને અનેકવિધ સેવાઓ આપી છે. તેઓ અનુસ્નાતક અધ્યાપક અને સંશોધન માર્ગદર્શક હતા. 1974-75માં તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તથા 1991માં કોઇમ્બતૂરમાં મળેલા સાહિત્ય પરિષદના અધિવેશનમાં વિવેચન-સંશોધન વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી.

કૉલેજના આચાર્ય તરીકે, નબળી આર્થિક સ્થિતિના વિદ્યાર્થીઓ વાસ્તે, રેક્ટરની મદદ લઈ, વીસેક વર્ષ સુધી સ્વયંપાકી છાત્રાલય ચલાવ્યું હતું. નબળી સ્થિતિના સર્વ જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ વાસ્તે તેમણે શિષ્યવૃત્તિ તથા લોન-શિષ્યવૃત્તિની જોગવાઈ કરી હતી. આ પ્રયોગ અનેક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન હતો. એપ્રિલ 1990થી 1996 સુધી, બે સત્ર તેમણે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના કુલપતિ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. તે દરમિયાન તેઓ શૈક્ષણિક, સાહિત્યિક તથા શ્રી અરવિંદની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં વિશેષ રસ ધરાવતા હતા.

1990માં  સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના કુલપતિ તરીકે નિયુક્ત થયા. 1993માં બીજી વાર આ જ યુનિવર્સિટીના કુલપતિ તરીકે એમની પુન: નિયુક્તિ કરવામાં આવી. 1996માં નિવૃત થયા. તેઓ શૈક્ષણિક, સાહિત્યિક તથા શ્રી અરવિંદની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં વિશેષ રસ ધરાવતા હતા.

દિલાવરસિંહ જાડેજાએ 1978માં યુનાઇટેડ સ્ટેટ્સ એજ્યુકેશનલ ફાઉન્ડેશન ઇન ઇન્ડિયાના ઉપક્રમે અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓમાં છ સપ્તાહની અભ્યાસ-મુલાકાત લીધી હતી. 1987માં કેન્યાની, 1993માં બ્રિટનની યુનિવર્સિટી ઑવ્ વેલ્સના ઉપક્રમે સ્વાન્ઝીમાં અને 1996માં માલ્ટામાં મળેલી ઍસોસિયેશન ઑવ્ કોમનવેલ્થ યુનિવર્સિટીઝના એક્ઝિક્યુટિવ હેડ્ઝની પરિષદમાં તેમણે ભાગ લીધો હતો. ઑગસ્ટ 1995માં શિકાગોના મેયરે તેમને શિકાગો મુકામે તે શહેરની ‘ઑનરરી સિટીઝનશિપ’ એનાયત કરી હતી.

શ્રી અરવિંદ સાધના કેન્દ્ર, વલ્લભવિદ્યાનગરના તેઓ અધ્યક્ષ હતા. જાન્યુઆરી 1999થી કેટલોક સમય તેઓ ‘અખંડ આનંદ’ માસિકના તંત્રીમંડળના અધ્યક્ષ રહ્યા હતા. તેઓ સરદાર પટેલ સ્મારક ભવન, કરમસદના માનાર્હ નિયામક પણ હતા.

એમની પાસેથી વિવેચનના ‘મધ્યકાલીન સાહિત્યનું રેખાદર્શન’ (1958), ‘૧૯૬૮નું ગ્રંથસ્થ વાડ્મય’ (1972), ‘પ્રતિધ્વનિ’ (1972), ‘વિવક્ષા’ (1973), ‘ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા’ (1974), ‘સમરુચિ’ (1982), સાહિત્યકાર શ્રેણી અંતર્ગત પુસ્તિકા ‘ધૂમકેતુ’ (1982) ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (1983) પુસ્તકો મળે છે.

સંપાદનને લગતાં ‘કાવ્યમધુ’ (1961), ‘કાવ્યસુધા’ (1965), ‘કાવ્યપરિમલ’ (1970), ‘કાવ્યસુમન’ (1973), ‘શીલ અને શબ્દ’ (1977), ‘સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ’ (1981), ‘ચારુતર વિદ્યામંડળ રજતજયંતી ગ્રંથ’,  ‘શ્રી એચ. એમ. પટેલ અમૃતમહોત્સવ ગ્રંથ’નો સમાવેશ થાય છે.

તો અન્યમાં ‘ગુજરાતી યુનિવર્સિટીઓ’ (1998) (પ્રકીર્ણ) અને  ‘રાજકારણમાં મનુષ્યસ્વભાવ’- (અનુવાદ) નો સમાવેશ થાય છે.

 

દર્શના ધોળકિયા

જયકુમાર ર. શુક્લ